Abtak Media Google News

૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. તેની સાથે ૭ માર્ચના દિવસે રાત્રીના ૧૨ કલાકથી ૮ માર્ચ રાત્રીના ૧૨ કલાક સુધીમાં સરકારી કે ખાનગી હોસ્પિટલ અથવા જામનગર જિલ્લામાં કોઇપણ ઠેકાણે જન્મ લેનાર દિકરીને નન્હીપરી અવતરણ યોજનાના ભાગરૂપે ચાંદીનો સિક્કો અને મમતા કિટ અર્પણ કરવામાં આવશે.

૮ માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના અનુસંધાને સરકાર તેમજ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરવામાં આવશે. સમગ્ર દેશમાં પણ તેની ઉજવણી કરવામાં આવશે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહિલા દિવસે વિશેષ આયોજન કરવામાં અવેલ છે.

સરકારની સુચના પ્રમાણે જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મહિલા દિવસે નન્હી પરી અવતરણ યોજના સંદર્ભે મહિલા દિનનું આયોજન કરવામાં આવ્યુ છે. તે પ્રમાણે સમગ્ર જામનગર જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અથવા તો કોઇપણ ખાનગી કે ટ્રસ્ટની હોસ્પિટલમાં મહિલા દિને જન્મ લેનાર દિકરીને એક ચાંદીનો સિક્કો, મમતા કિટ કે જેમાં ઝબલુ, ટોપી, મોજા અને સફાઇની સામગ્રી, એક મીઠાઇનું પેકેટ અને ગુલાબનું ફુલ શુભેચ્છા સ્વરૂપે મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવશે. તેના માટે કલેકટરશ્રી રવિશંકર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મુકેશ પંડ્યાની સુચના પ્રમાણે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્યુ છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત જામનગરની યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.