Abtak Media Google News

સંતાનોને શું ભણાવવું તે માવતર નહિ સરકાર નકકી કરશે: રાષ્ટ્રીય ચર્ચાનો વ્યૂહ: શ્રેષ્ઠ સ્કૂલની નકકર વ્યાખ્યા થશે: સંસ્કૃતિને વિલંબ વિના સજીવન કર્યે જ છૂટકો!

દેશમાં ૧૯૬૮બાદ પ્રથમ વખત શિક્ષણ નીતિ બદલવા માટે કેન્દ્ર સરકાર વિચારી રહી છે. તમામ રાજયોના સૂચન મંગાવવામાં આવ્યા છે. જેના ભાગ રૂપે રાજયમાં કયાંક રાજય રકાર તરફથી તો કયાંક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શિક્ષણવિદ એકઠા થઈ રહ્યા છે. અને વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. પરંતુ હજુ આ ડ્રાફટ પોલીસી છે એટલે કેન્દ્રની નીતિ સાથે તમામ વાતે સહમત થવું જરૂરી નથી તેની સહમતી અને અસહમતી માટે યોગ્ય કારણો દર્શાવવા પડશે નવી શિક્ષણ નીતિ ઘડાઈ જ રહી છે. ત્યારે તેમાં કયાંય કચાશ ન રહે તે જોવાની જવાબદારી શિક્ષણ વિદોની પણ છે અને સરકારની પણ છે. શિક્ષણમાં જે ખામીઓ છે તે દૂર કરવાની જરૂર છે. આમ નવી શિક્ષણ નીતિને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે તો હજુ પણ શિક્ષણ ક્ષેત્રે જે ખામીઓ છે તે દૂર કરવાની જરૂર છે. સાથે જ સરકારની જે નીતિઓ છે તે પણ ઉણપ રહિત છે. અમે નહિ કહી શકાય એમાં જરૂરી સુધારા વધારા કરવા ઘટે છે.

નવી એજયુકેશન પોલીસી ડ્રાફટમાં પ્રાઈવેટ સ્કલો દ્વારા મનફાવે તેમ ફી વધારવા પર પણ લગામ કરાવા કહેવાયું છે.

જયારે પણ ડિસેમ્બર મહિનો નજીક આવે એટલે પોતાના બાળકો માટે શ્રેષ્ઠ સ્કુલ શોધવા માટે વાલીઓની કવાયત શરૂ થઈ જાય. આજે દરેક માબાપની ઈચ્છા એવી હોય છે કે તેમનું સંતાન શ્રેષ્ઠ સ્કુલમાં અભ્યાસ કરે અને જીવનમાં પ્રગતિનાં શિખરો સર કરે. આ માટે માબાપો પેટે પાટા બાંધીને પણ ખર્ચ કરવા તૈયાર હોય છે. અહી મુદો એ છે કે ડોનેશન અને ફી પાછળ લખલૂટ ખર્ચ કર્યા પછી પણ તેઓ બાળકને જે શાળામાં દાખલ કરે છે તે ખરેખર સારી હોય છે. ખરી? કે પછી નામ બડે ઔર દર્શન ખોટે જેવો ઘાટ હોય છે? શ્રેષ્ઠ સ્કુલ કોને કહેવાય? તેના લક્ષણો કયાં? આ બાબતમાં વાલીઓનાં મનમાં ભારે મુંઝવણ પ્રવવર્તે છે.

હકિકતમાં સારી સ્કુલ તેને ન કહેવાય જેમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓ ભર્યા હોય અને શિક્ષક ભરવાડની જેમ બધા જ વિદ્યાર્થીને એક લાકડીએ હાંકતા હોય. આદર્શ શાળા તેને કહેવાય જેમાં શિક્ષક અને વિદ્યાર્થીનો ગુણોત્તર ૧:૮ની આજુબાજુ હોય. આજે ભારતની અને વિશ્ર્વની શ્રેષ્ઠ શાળાઓ આ ગુણોત્તરની નજીક સરકવાની કોશિષ કરી રહી છે. જો આઠ દસ વિદ્યાર્થીદીઠ એક શિક્ષક હોય તો શિક્ષક દરેક વિદ્યાર્થી ઉપર વ્યકિતગત ધ્યાન આપી શકે છે. અને કયો વિદ્યાર્થી કયો પદાર્થ બરાબર સમજી નથી શકતો તેનો પણ તેમને ખ્યાલ આવે છે. આરીતે વિદ્યાર્થીની કોઈ પણ નબળાઈ શિક્ષક તાત્કાલીક દૂર કરી શકે છે. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલી વધુ ન હોવી જોઈએ કે શિક્ષક કોઈ વિદ્યાર્થી ઉપર ધ્યાન ન આપી શકે નહી. વર્ગમાં જો સંખ્યા ઓછી હોય તો કોઈ વિદ્યાર્થી કોઈ વિષયમાં નબળો રહે જ નહી આ સારી શાળાનું મહત્વનું લક્ષણ છે.

બીજુ જો કોઈ સ્કુલ શ્રેષ્ઠ હોવાનો દાવો કરતી હોય અને તેના મોટા ભાગના વિદ્યાર્થીઓને પ્રાઈવેટ ટયુશન્સની જરૂર પડતી હોય તો તે સંચાલકો માટે શરમની વસ્તુ છે. શ્રેષ્ઠ સ્કુલ તેને જ કહેવાય જેમાં બાળકને એવી રીતેબધા વિષયો ભણાવાય કે બાળકને વર્ગ ખંડમાં જ બધુ સમજાઈ જાય. સ્કુલમાં બાળકને બરાબર ભણાવવામાં ન આવે ત્યારે જ બાળક્ધે ટયુશન્સની જરૂર પડતી હોય છે. જે સ્કુલનાં બાળકોને ટયૂશન્સની જરૂર પડે તે સ્કુલ કનિષ્ઠ ગણાવી જોઈએ. તેમાં એડમિશન મેળવવા માટે લાઈન લગાવવી જોઈએ નહી અને ડોનેશન ચૂકવવું જોઈએ નહી. સ્કુલમાં એડમિશન લેતી વખતેજ વાલીઓએ સંચાલકોને પ્રશ્ર્ન પૂછવો જોઈએ કે, તમારી સ્કુલમાં ભણ્યા પછી અમારા બાળકને ટયૂશનની જરૂર તો નહી પડે ને? જો સ્કુલમાં બાળકને બરાબર ન ભણાવવાના હોય અને ફરજીયાત ટયુશન રાખવું જ પડતું હોય તો સ્કુલની જરૂર શી છે?

અને હા, દરેક શહેરમાં એક પાવરફૂલ પેરેન્ટસ ટીચર્સ એસોસીએશન હોવું જોઈએ, જેણે શ્રેષ્ઠ સ્કુલ માટે દર વર્ષે સ્પર્ધા યોજવી જોઈએ અને શ્રેષ્ઠ સ્કુલને એકથી દસનીરેન્ક આપવી જોઈએ. આ રેન્ક નકકી કરવા માયે મહત્વનો મુદો દફતરનું વજન પણ હોવો જોઈએ. જે સ્કુલનાફતરનું વજન ઓછામાં ઓછુ હોય તેને વધુમાં વધુ માર્કસ આપવા જોઈએ. જે સ્કુલના બાળખોને દફતરનો વધુ બોજો ઉઠાવવો પડતો હોય તે પછાત ગણાવી જોઈએ દફતરનું વજન ઘટાડવા માટે એકથી સાત ધોરણનાં બાળકોને સ્લેટનો ઉપયોગ કરવાની ફરજ પાડવી જોઈએ. આ બાળકોને એકસરસાઈઝ બુકો અને વર્કબુકોના બોજાથી બચાવવા જોઈએ. પાઠયપુસ્તકો રાખવા માટે વિદ્યાર્થીઓને સ્કુલમાં જ એક લોકર આપવું જોઈએ. સ્કુલ જો હોમવર્ક ન આપે તો બાળકે ટેકસ્ટ બુકો કે એકસરસાઈઝ બુકો ઘરે લઈ જવાની જ જરૂર પડે નહિ.

બીજી એક મહત્વની બાબત એ છેકે, વિદ્યાર્થીઓ પોતાનું ઘરે કરવાનું અધૂરૂ કામ લઈને સ્કૂલમાં નથી આવતા તે રીતે જ શિક્ષકોએ જે સ્કૂલમાં ભણાવવાનું છે તે ઘરે કરવા માટે ન આપવું જોઈએ. જે શિક્ષક બાળકને વર્ગમાં ભણાવાને બદલે ઘણે જઈને અધૂરૂ કાર્ય પૂરૂ કરવાની ફરજ પાડે તે બિનકાર્યક્ષમ ગણાવો જોઈએ.

વળી માત્ર પુસ્તકોના આધારે આપવામાં આવતું શિક્ષણ માત્ર ગોખણપટ્ટીને જ પ્રોત્સાહન આપે છે અને વિદ્યાર્થીઓની અન્ય કોઈ શકિતઓનો વિકાસ થતો નથી.કોઈ પણ સ્કુલ સારી છે કે ખરાબ તેનો કયાસ શિક્ષણ ઉપરાંત શિક્ષરેતર પ્રવૃત્તિઓને કેટલું પ્રોત્સાહન આપવામાં આવે છે. તેના ઉપરથી કાઢી શકાય છે. જે શાળાઓ વિદ્યાર્થીઓ ઉપર ત્રિમાસીક, છમાસીક વાર્ષિક,યુનિટ વગેરે થોકબંધ પરીક્ષાઓનો બોજો ઠોકી બેસાડતી હોય અને વિદ્યાર્થીઓની સાથે વાલીઓની પણ ઉંઘ હરામ કરી દેતી હોય તેને સારી સ્કૂલ કહી શકાય નહી.

કોણ નથી જાણતુ કે વાલીઓ સારી જણાતી સ્કુલમાં ડોનેશન આપી એડમિશન લેવા લાઈનમાં ઉભા રહે છે ત્યારે સ્કુલના શિક્ષકો કેટલા વિદ્વાન અને ચારિત્ર્યવાન છે તે જોવાનો આગ્રહ રાખે તે ખરા?, જે શાળા ઈન્ટરવ્યૂ અને પરીક્ષા લઈને જ વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો આગ્રહ રાખે તેને સારી શાળા ગણી શકાય નહી. આ પ્રકારના ઈન્ટરવ્યૂહ મોટા ભાગે વાલીઓ પાસેથી ડોનેશન લેવા માટે જ લેવાતા હોય છે. જે સ્કૂલના સંચાલકો માતૃભાષાના શિક્ષણ માટે તિરસ્કાર સેવતા હોય અને વિદેશીઓએ આપણા ઉપર ઠોકી બેસાડેલી ભાષાને શ્રેષ્ઠ માનતા હોય તે સ્કૂલને સારી સ્કૂલ કેવી રીતે ગણી શકાય?

આ બધું સમજયા-વિચાર્યા પછી એક સવાલ તો લટકતો જ રહ્યો છે કે, નવી વિચારણા હેઠળની શિક્ષણ નીતિમાં આરએસએસ ટચ હશે, એનો મૂળભૂત અર્થ શું ગણવો?

શિક્ષણ પધ્ધતિ અંગેની અને શિક્ષણના અભ્યાસક્રમ અંગેની આરએસએસની નીતિ રીતિ કેવી હશે અને તેમાં હાલની મોટામાં મોટી અને બુરામાં બૂરી રાજકીય ઘાલમેલનો ટચ હશે કે નહિ?

જો આવો ટચ હોય તો તે શુભ ચિંહન નહિ લેખાય!

શિક્ષણ અને શિક્ષકો તો રાષ્ટ્રની અને સમાજની મોંઘેરી મૂડી છે. રાષ્ટ્રની આ ઉગતી પેઢીને જો કળિયુગમાં ત્રેતાયુગ અને સતયુગન સૂરજ ઉગાડી આપે એવી બનાવવી હશે તો અસંખ્ય યુગલક્ષી શિક્ષણનાં પરબ માંડયા વિના નહિ ચાલે!

જન્માષ્ટમીના અવસરે સાંસ્કૃતિને સજીવન કરવાનાં સંકલ્પો કરવા જ પડશે? તમામ ‘ટચ’ કરતા આ ટચ સર્વ શ્રેષ્ઠ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.