Abtak Media Google News

કળશ સ્થાપન, સંતોના આશિર્વચન, શોભાયાત્રા, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે

સંત શિરોમણી મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ લાલાબાપાનો ૭૮મો પુણ્યતિથિ મહોત્સવ લાલ મંદિર-ગોંડલ નિજ ધામ ખાતે શુક્રવારના રોજ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હોવાનું લાલ મંદિરના મહંત પરષોત્તમદાસજીની યાદીમાં જણાવેલ છે. લાલ મંદિર દેવપરા ખાતે ૭:૦૦ કલાકે સનાતન ધજા આરોહણ, કળશ સ્થાપન, વડવાળી જગ્યાના સંતો-મહંતો દ્વારા થશે. સવારે ૮:૦૦ કલાકે ભવ્ય શોભાયાત્રા, શહેરના વિવિધ રાજ માર્ગો પર ફરી શ્રી લાલાબાપાની સમાધી ઘોઘાવદર ચોકમાં જશે અને બપોરે ૧૧:૦૦ કલાકે તેમજ સાંજે ૭:૦૦ કલાકે સમૂહ પ્રસાદનું આયોજન ખત્રીવાડી (વેરી દરવાજા અંદર) ખાતે રાખેલ છે. તેમજ પૂજય બાપાની ૭૮મી પુણ્યતિથિના આજીવન ભોજન સમારંભના દાતા સ્વ.વિરજીભાઈ મેઘજીભાઈ ચાવડા પરિવાર (યુ.એસ.એ.)ના પરિવારજનો પધારશે.

આ ઉપરાંત બપોરે ૨:૩૦ કલાકે ધર્મસભા, રામધુન, સત્સંગ, સાધુ અતુલબાપુ લશ્કરી દ્વારા તેમજ સંસ્કૃત વિશારદ ભાગવતાચાર્ય દીલુઅદા (નિકાવા) દ્વારા ધર્મ સભા રામધુન યોજાશે, તેમજ રાત્રે ૯:૩૦ કલાકે ભક્તિ સંધ્યા કાર્યક્રમ રાજ ભક્તિ સંગીત ગ્રુપ રાજુભાઈ સોની દ્વારા શ્રીનાથજીની ઝાંખી તથા લોકગીત ભજનનું રસપાન કરાવશે. સાથે હાસ્યરસ લોકશાહિત્યકાર હેમંતભાઈ ચુડાસમા, જામનગર દ્વારા હાસ્યરસ પીરસશે તથા આ સંતવાણી ભક્તિ સંગીતમાં વિશેષ ઉપસ્થિતિ દાસીજીવણના આરાધક ડો.નિરંજનભાઈ રાજયગુરુ, આનંદ આશ્રમ (ઘોઘાવદર) પધારશે.

સમગ્ર મહોત્સવનું સંચાલન લાલ મંદિર-ગોંડલના મહંત પરષોતમદાસજીના વડપણ હેઠળ તથા ગોંડલ મોચી સમાજ, લાલ સેવક મંડળ, ગોંડલ, લાલ સ્મારક ટ્રસ્ટ, મોચી જ્ઞાતી લાલ યુવક મંડળ, ગોંડલ તથા પૂ.બાપાના ભાવિક ભક્તજનોના સહકાર દ્વારા મહોત્સવ ઉજવાશે. ભાવિકોને ઉપસ્થિત રહેવા લાલ સેવક મંડળના પ્રમુખ પરેશભાઈ આર.ડાભી તથા લાલ મંદિરના વ્યવસ્થાપક ભરતભાઈ પી.ચુડાસમાની યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.