Abtak Media Google News

સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટ્યું, વરાપ નીકળતા મોલ ફરી સજીવન થશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલથી જ વરાપ નીકળતા ખેડૂતોને રાહત થઈ છે. હવામાન વિભાગ દ્વારા હવે વાતાવરણમાં અઠવાડિયા સુધી ઉઘાડ જોવા મળે તેવી શકયતા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજ જાણે મહેરબાન થયા હોય તેમ હેલી વરસાવી હતી. જેના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. અલબત્ત હવે વરાપ નીકળતા ખેડૂતોને રાહત થઈ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચારેય બાજુ છેલ્લા એક પખવાડિયાથી અવિરત વરસાદ વરસ્યો છે. જેના કારણે નદી નાળા છલકાઈ ગયા છે ચારેય બાજુ ખેતરોમાં પાણી ભરાઈ જતા અતિવૃષ્ટિના તોળાઈ રહેલા ભય સાથે સર્વત્ર લીલા દુકાળનો ભય સેવાઇ રહ્યો હતો. જોકે બંગાળની ખાડીનું લો-પ્રેસર નબળું પડવાથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વરાપ નીકળતાં ખેડુતોએ હાંશકારો અનુભવ્યો છે. હવે અમુક સ્થળોએ માત્ર છુટાછવાયા વરસાદની આશંકા સેવાઇ રહી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મોટાભાગના વિસ્તારોમાં લાંબા સમય બાદ સૂર્યદેવ જોવા મળ્યા હતા. વાતાવરણમાં સર્વત્ર ઉઘાડ નીકળતાં શહેરી વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા ગંદા પાણી સુકાઈ ગયા છે. તેમજ ખેતરોના વરસાદી પાણી પણ ઓસરવા લાગ્યા છે. વરસાદે વિરામ લેતા સર્વત્ર વરાપનો ગમહોલ જોવા મળતા સરકારી તંત્રમાં પણ રાહતની લાગણી જોવા મળી હતી. અને હવે વરસાદી સિસ્ટમ નબળી પડતા વરાપ નીકળતા મોલ ફરી સજીવન થશે તેમ લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં મેઘા એ હવે વીરામ લીધો છે ગઇકાલે સૌરાષ્ટ્રના એક પણ વિસ્તારમાં વરસાદ નોંધાયો ન હતો.

કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ આવ્યો હતો જો કે હાલ ૫ થી ૭ દિવસ વરસાદની કોઇ આગાહી નથી જેને લઇ ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો છે.

ભારે વરસાદના પગલે એસ.ટીના ૫૮ રૂટ બંધ

ગુજરાતમાં હાલ છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદના પગલે ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. ત્યારે રસ્તા પર પાણી ભરાતા રાજ્યમાં અંદાજે ૫૮ જેટલા એસટી (ST) બસના રૂટ બંધ કરવામાં આવ્યાં છે. એસટી (ST) વિભાગને રૂટ બંધ થતાં અંદાજે ૧૯.૫૧ લાખ રૂપિયાનું નુકસાન થયું છે.જઝ વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં પડી રહેલા મુશળાધાર વરસાદના પગલે દેવભૂમિ દ્વારકાના ૧૮ રૂટ બંધ કરવામાં આવ્યાં છે. જ્યારે જૂનાગઢ ૧૦ રૂટ, જામનગરમાં ૮ રૂટ બંધ, દાહોદમાં ૮ રૂટ, અમદાવાદના ૨, ભરૂચ ૧ રૂટ, ભાવનગર-૧, બોટાદ-૨, કચ્છ-૧, રાજકોટ-૧, બનાસકાંઠા-૧, મહેસાણામાં ૧ રૂટની બસ સેવા બંધ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.