આત્મનિર્ભરની દોટમાં ‘વસુદ્યૈવ કુટુંબકમ્’ની ભાવનાને નહીં વિસરાવી દેવાય ને?: રઘુરામ રાજન

અસ્પ્રુશ્યતાની દોટ ન ભરતા વિશ્વના દેશો સાથે સંલગ્ન થવું જરૂરી

હાલ ભારત દેશ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે શું ભારત ખરાઅર્થમાં આત્મનિર્ભર બની શકશે કે કેમ તે પણ એક પ્રશ્નાર્થ ઉભો થયો છે. આત્મનિર્ભર બનવાની દોટમાં વસુધૈવકુટુંમ્બકમ્ની ભાવના વિસરાઈ ન જાય તે જાણવું પણ એટલું જ જરૂરી છે તેમ આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ વૈશ્ર્વિક સમુદાયમાં પોતાનો પગદંડો સ્થાપિત કરવો હોય તો વિશ્વની સાથે તાલથી તાલ મિલાવવો એટલો જ જરૂરી છે નહિંતર ભુતકાળમાં ભારતમાં લાયસન્સ પરમીટ જે રીતે અમલી બનાવવામાં આવી હતી તેનાથી દેશને ઘણી તકલીફ અને મુશ્કેલીનો સામનો પણ કરવો પડયો હતો. રઘુરામ રાજનના જણાવ્યા મુજબ આત્મનિર્ભર ભારત, મેક ઈન ઈન્ડિયાનું બીજુ રૂપ હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ તેને કેવી રીતે સફળતાપૂર્વક આગળ ધપાવી શકાય એ પણ એટલું જ જરૂરી છે. હાલ રઘુરામ રાજન યુનિવર્સિટી ઓફ શિકાગોમાં પ્રોફેસર તરીકે કાર્ય કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદી દ્વારા જે આત્મનિર્ભર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તેનો મુળ હેતુ હાલ એ સામે આવ્યો છે કે આયાત નહિવત કરી દેશના ઉધોગકારો અને ઉધોગપતિઓ નિકાસને વધુને વધુ વેગ આપે અને દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવે પરંતુ સત્ય હકિકત તો એ છે કે હાલના તબકકે ભારતે અન્ય દેશોની સાથે અસ્પૃશ્યતા નહીં પરંતુ દેશનો વિકાસ શકય કેવી રીતે બને તે દિશામાં વિચારવું જરૂરી છે. ભારત આયાત ઉપર પૂર્ણ પ્રતિબંધ લાદશે તો વિશ્ર્વની સાથે તાલમેલ મેળવવો દેશ માટે અત્યંત કપરુ સાબિત થશે. આયાત ભલે નજીવી ચીજવસ્તુઓ માટે કરવામાં આવે પરંતુ વ્યવહારીક સંબંધોને જાળવવા માટે આયાત કરવી એટલી જ જરૂરી છે. બીજી તરફ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અભિયાન ખરાઅર્થમાં સારો વિકલ્પ છે પરંતુ તેને યોગ્ય દિશામાં જો આગળ ધપાવવામાં આવે તો તેના સીધા જ ફાયદા દેશને મળી શકે છે.

ઈન્ફ્રાસ્ટ્રકચર, લોજીસ્ટીક, સપ્લાય ચેઈન, શિક્ષણ, આર્થિક સ્થિતિ આ તમામ મુદાઓને ધ્યાને લઈને જ આગળ વધી શકાય છે પરંતુ આ તમામ ચીજવસ્તુઓમાં ભારત દેશ ઘણાખરા અંશે પાછળ દેખાતુ હોવાથી આત્મનિર્ભર બનવાનું સ્વપન જોજનો દુર હોય તેવું લાગી રહ્યું છે. અન્ય દેશોની સરખામણીમાં ભારત શિક્ષણ ક્ષેત્રે ઘણા અંશે પાછળ છે બીજી તરફ વૈશ્ર્વિક મહામારી કોરોના કાળમાં ઉધોગકારોએ આર્થિક રીતે ઘણુ વેઠવુ પડયું છે. તેમના દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, બજેટમાં જે ફિશકલ ડેફિસીટ ઉદભવિત થતી હોય તેનું યોગ્ય નિયંત્રણ કરવા માટે ફિશકલ કમિશનનું ગઠન કરવું જોઈએ કે જે સરકારના નાણાકિય વ્યવહારમાં ઉદભવિત થયેલી ખાદ્ય અંગે યોગ્ય માહિતી મેળવી શકે અને તેમાં પારદર્શકતા પણ જોવા મળે. હાલના તબકકે ભારત દેશની જે સ્થિતિ જોવા મળી રહી છે તેમાં એ વાત સ્પષ્ટ છે કે ભારત અન્ય દેશો સાથે સંલગ્ન થવામાં ઘણાખરા અંશે નિષ્ફળ નિવડયું છે. એક તરફ ચાઈના સાથેના સંબંધો વિસરાઈ જતા આયાત ઉપર ઘણી ખરી તકલીફો ઉદભવિત થઈ છે પરંતુ જયારે વૈશ્ર્વિક સમુદાય સાથે તાલથી તાલ મેળવવો હોય તો આ તમામ પરીબળોને ધ્યાને ન લેતા અન્ય દેશો સાથે સંલગ્ન થવું એટલું જ જરૂરી છે. સાથો સાથ અસ્પૃશ્યતાની જે દોટ જોવા મળી છે તેના પર પૂર્ણવિરામ મુકવો અનિવાર્ય છે તો જ ભારત આત્મનિર્ભર તરફ અગ્રેસર થઈ શકશે.

Loading...