Abtak Media Google News

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં તંત્રને સહયોગ આપવાની નાયબ મુખ્યમંત્રીની અપીલને તલાટી મહામંડળે સ્વીકારી

નીતિન પટેલ તા.૩ સુધીમાં તલાટીઓનાં પ્રશ્ને યોગ્ય નિર્ણય લેવાની બાંહેધરી આપી

રાજયભરનાં તલાટીઓની હડતાલ ત્રણ દિવસ બાદ મોકુફ રાખવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ કાર્યક્રમમાં તંત્રને સહયોગ આપવા માટે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે મહામંડળને અપીલ કરી હતી આ અપીલ મહામંડળે સ્વીકારીને તા.૩ સુધી હડતાલને મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. જેના પગલે આજથી તમામ તલાટીઓ ફરજ પર હાજર થઈ ગયા છે.

રાજયના તલાટી કમ મંત્રીઓના વિવિધ પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે ગુજરાત રાજય તલાટી કમ મંત્રી મહામંડળે ગત તા.૨૧થી અચોકકસ મુદતની હડતાલનું એલાન આપ્યું હતુ.

આ એલાનને પગલે રાજયભરનાં તલાટીઓ ફરજ પરથી અળગા રહીને હડતાલમાં જોડાયા હતા આ હડતાલનાં ત્રણ દિવસમાં જ રાજયભરની પંચાયતોનો તમામ વહીવટ ઠપ્પ થઈ જવા પામ્યો હતો. વધુમાં આગામી ૩૧મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો લોકાર્પણ સમારોહ હોવાથી તેની તૈયારીમાં તંત્ર ઉંધામાથે થયું છે.

ત્યારે રાજયભરનાં તલાટીઓની હડતાલનાં કારણે આ જાજરમાન સમારોહમાં તલાટીઓની ગેરહાજરી તૈયારીઓમાં બાધા બની હતી. જેથી ગત રાત્રે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાત રાજય તલાટી કમ મંત્રી મહામંડળના પ્રમુખ ભરતભાઈ અહિર સાથે બેઠક કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગમાં તંત્રને મદદ‚પ થવાની અપીલ કરી હતી. ત્યારે મહામંડળ તરફથી ભરતભાઈ આહિરે આ અપીલ સ્વીકારીને તલાટીઓની હડતાલને આગામી તા.૩ સુધી મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે.

સામે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે પણ તા.૩ સુધીમાં તલાટીઓનાં પ્રશ્નો અંગે યોગ્ય નિરાકરણ લાવવાની બાંહેધરી આપી છે. તલાટી મહામંડળના જણાવ્યા મુજબ આજથી રાજયભરનાં તલાટીઓ પોતાના કામે લાગી ગયા છે. જો તા.૩ સુધીમાં સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહી આવે તો તા.૪ થી રાજયભરના તલાટીઓ ફરીથી અચોકકસ મુદતની હડતાલ શરુ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.