Abtak Media Google News

ભાજપનાં સહયોગી દળ શિવસેનાએ મનમોહનસિંહનાં નિવેદનને સમર્થન આપ્યું

દેશમા આર્થિક મંદીના પગલે અર્થવ્યવસ્થાના બગડેલા હાલત પર કેન્દ્રની મોદી સરકાર પોતાના સહયોગી દળો વચ્ચે ઘેરાતી નજરે પડી છે. જેમાં ભાજપના સહયોગી દળ એવા શિવસેનાએ પૂર્વ પીએમ મનમોહનસિંહના નિવેદનનું સમર્થન કરતા જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થાને સુધારવા માટે કેન્દ્ર સરકારને પૂર્વ પીએમની વાત માનવી જોઈએ. શિવસેનાએ ભાજપના મિસમેનેજમેન્ટને બગડેલી અર્થવ્યવસ્થા માટે એક મોટું કારણ ગણાવ્યું હતું.

હાલમા જ દેશની બગડેલી અર્થવ્યવસ્થા અંગે ડો. મનમોહનસિંહની ટીકા પર ભાજપે જણાવ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણ નિયંત્રણમા છે. શિવસેનાએ તેના મુખપત્ર સામનામા લખ્યું હતું કે વર્તમાન સરકારને અર્થવ્યવસ્થાને લઈને પૂર્વ પીએમની ચેતવણી પર કોઈપણ રાજકારણ કર્યા વિના ધ્યાન આપવું જોઈએ.

દેશમા વધી રહેલી મંદીની અસરો અને આર્થિક પાયમાલીને લઈને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે દેશની આર્થિક સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે આ સ્થિતિ માનવ નિર્મિત છે અને જે મોદી સરકારની નીતિઓથી પેદા થઈ છે. તેમણે કહ્યું કે સરકારે બદલાની ભાવના છોડીને રાજકીય અર્થવ્યવસ્થા સુધારવા માટે બુદ્ધિમાન લોકોને સાંભળવાની જરૂર છે.

જેમા છેલ્લા ત્રણ માસના સામે આવેલા જીડીપીના આંકડામા પરેશાન કરનારી વાત એ છે કે ઉત્પાદન ક્ષેત્રમા સુસ્તી આવી છે. જેનો વિકાસ દર માત્ર ૦.૬ ટકા સુધી પહોંચ્યો છે. તેના પરથી સાફ થાય છે કે નોટબંધી અને અત્યંત ખરાબ રીતે લાગુ કરવામા આવેલી જીએસટી માનવ નિર્મિત ખામીઓને લીધે અર્થતંત્રમા લાંબાગાળે મંદીની અસર જોવા મળી છે.

શિવસેનાએ તેના મુખપત્ર સામનામા સંપાદકીય કહ્યું છે કે અર્થવ્યવસ્થા સુસ્ત છે. કાશ્મીર અને આર્થિક મંદી બે અલગ અલગ મુદ્દા છે. મનમોહનસિંહ જેવા અર્થશાસ્ત્રીએ અર્થતંત્રને સુધારવાની દિશામા સૂચન આપવા જોઈએ. તેમની સલાહ સાંભળવી રાષ્ટ્રહિતનો મુદ્દો છે. આ ઉપરાંત શિવસેનાએ કહ્યું કે પૂર્વ પીએમ મનમોહનસિંહ ૩૫ વર્ષોથી દેશની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા છે તેમને નાણાકીય વ્યવસ્થાપન સાથે જોડાયેલા મુદ્દે બોલવાનો અધિકાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.