શિવસેના લટકયું !: ભાજપે હાથ જોડયા બાદ એનસીપીએ પણ હાથ ઉંચા કર્યા!

595

સોનિયા સાથેની મુલાકાત બાદ પવારે જણાવ્યું કે તેમને મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સરકાર રચવા કોઈ જ ચર્ચા કરી નથી !: એનસીપી ભાજપની વધતી રાજકીય નિકટતાથી નવા સમીકરણો રચાવવાની સંભાવના

દેશના રાજકીય, સામાજીક, અને ધાર્મિક ચળવળનું કેન્દ્રબિંદુ રહેલા મહારાષ્ટ્રમાં થતા બદલાવોની અસર સમગ્ર દેશની સ્થિતિ પર પડે છે. છેલ્લા ચારેક દાયકાથી મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાની ભૂમિકા અતિમહત્વપૂર્ણ રહેવા પામી છે. પરંતુ વર્તમાનમાં શિવસેના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરે પુત્રપ્રેમમાં ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં આવી જઈને એક એક પછી આંચકાજનક નિર્ણયો લઈ રહ્યા છે. જેનાથી શિવસેનાના રાજકીય ભવિષ્ય પર પ્રશ્ર્નાર્થ ઉભો થઈ રહ્યો છે. શિવસેનાએ મુખ્યમંત્રીપદના મુદે ત્રીસ વર્ષ જૂના ભાજપ સાથે સાથ છોડી દીધો હતો. અને પોતાના કટ્ટર વિરોધી એનસીપી કોંગ્રેસ સાથે સરકાર રચવા પ્રયાસો કર્યા હતા. પરંતુ સરકારને ટેકો આપવા મુદે શરદ પવાર અને કોંગ્રેસ શિવસેનાને સતત લબડાવી રહ્યાનું રાજકીય ચિત્ર ખડુ થવા પામ્યું છે. જેમ ભાજપે શિવસેનાને હાથ જોડયા બાદ એનસીપી હાથ ઉંચા કરી રહ્યાનું જોવા મળી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ભંગાણ થતા શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર રચવા ચક્રોગતિમાન કર્યા હતા. પરંતુ એનસીપી-કોંગ્રેસે નિયત સમયમર્યાદામાં ટેકાના પત્રો ન આપતા રાજયપાલે રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી હતી. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા મહારાષ્ટ્રમાં લાંબા સમય બાદ રાષ્ટ્રપતિ શાસન આવ્યું હતુ રાષ્ટ્રપતિ શાસન દરમ્યાન શિવસેનાની સરકાર રચાઈ તે માટે ઠાકરે પરિવારની પરંપરા ભૂલીને ઉધ્ધવ ઠાકરે (માતોશ્રી)ની બહાર જઈને એનસીપી-કોંગ્રેસના નેતાઓ સાથે હોટલોમાં બેઠક યોજી હતી. જે બાદ એનસીપી-કોંગ્રેસે શિવસેના સાથે સરકાર રચવા કોમન મીનીમમ પ્રોગ્રામ પણ બનાવ્યો હતો. પરંતુ ખંધા રાજકારણી ગણાતા શરદ પવારે શિવસેનાને આખરી ટેકો આપવાના મુદે સોનિયા ગાંધી સાથે ગઈકાલે થનારી બેઠક બાદ નિર્ણય.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવારની ગઈકાલે કોંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ પણ મહારાષ્ટ્રમાં સરકાર રચના વિશે અનિશ્ચિતતા ચાલુ રહી છે. પવાર અને સોનિયા મળ્યા ત્યારે હાજર કોંગ્રેસના વરિષ્ઠ એવા તમામ રાષ્ટ્રીય નેતાઓએ શિવસેનાને સમર્થન આપવાનો જોરદાર વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્ર મેળવવા જતા દેશનાં અન્ય રાજ્યો ગુમાવવાનો વારો આવશે એવું આ નેતાઓનું માનવું છે. બીજી તરફ કોંગ્રેસના મહારાષ્ટ્રના નેતાઓ સોનિયા ગાંધીને મળવા આવી રહ્યા છે. તેઓ શિવસેનાને સમર્થન આપીને સરકારમાં જોડાવા માટે સમજાવશે એવું મનાય છે. તેઓ આવતીકાલે પક્ષપ્રમુખને મળે એવી વકી છે. રાજકીય પંડીતોએ ૨૦૧૪માં બન્યું હતું એ પ્રમાણે રાજ્યમાં રાજકીય સ્થિરતા તથા રાજ્યનાં હિતોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ ભાજપને ટેકો આપી શકે. તેવી સંભાવના વ્યકત કરી છે. જો કે સમગ્ર ચિત્ર બે દિવસમાં સ્પષ્ટ થશે એવી ધારણા છે.

મહારાષ્ટ્રમાં સરકાર રચવાની મડાગાંઠ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને એનસીપીનાં સુપ્રીમો શરદ પવાર વચ્ચે બેઠક પછી ઉકેલાશે તેવી સંભાવના જોવામાં આવતી હતી પણ ગઈકાલે આ મુલાકાત પછી ગુંચવણ ઉકેલાવાને બદલે વધુ ગુંચવાતી દેખાઈ રહી છે. સોનિયા સાથે પ૦ મિનિટ ચાલેલી બેઠક બાદ પવારે રહસ્ય વધુ ઘેરતું નિવેદન આપતાં કહ્યું હતું કે, તેમનાં વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર રચવા બાબતે કોઈ વાત જ થઈ નથી. પવારે વધુમાં કહ્યું હતું કે, તેમણે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ વિશે સોનિયાને માહિતગાર કર્યા છે. પવારનાં આ નિવેદનથી શિવસેનાની અસમંજસમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. આટલું જ નહીં પવારે એવું પણ કહ્યું હતું કે, શિવસેના સાથે કોમન મિનિમમ પ્રોગ્રામની પણ કોઈ ચર્ચા થઈ નથી. આ ઉપરાંત શિવસેનાને સરકાર રચવા ભરોસો આપવાની વાત પણ પવારે જવાબ આપ્યા વિના ટાળી દીધી હતી.

પવારે મહારાષ્ટ્રની નવી સરકારની રચના એવું કહીને પણ વધુ જટિલ બનાવી દીધી હતી કે અન્ય સહયોગી દળો સાથે પણ આ વિશે વાર્તાલાપ કરવામાં આવશે. કોંગ્રેસ સાથે સરકાર રચવાની ચર્ચા વિશે તેમણે આગળ ઉમેર્યુ હતું કે તેઓ સ્વાભિમાન પક્ષ અને સપાને પણ ભરોસામાં લેશે. બાકી સોનિયા ગાંધીને રાજ્યની સ્થિતિની જાણકારી આપવાથી વિશેષ બીજી કોઈ વાત થઈ હોવાનું પવારે નકારી દીધું હતું. માત્ર એટલું જ નહીં પવારે એમ પણ જણાવ્યું હતું કે, ભાજપ અને શિવસેના સો મળીને ચૂંટણી લડી છે તે બન્નેએ તેમનો રસ્તો પસંદ કરવો પડશે અને અમારું રાજકારણ કરીશું, બીજી તરફ વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં એનસીપીના વખાણ કરતા મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણો સર્જાવવાની સ્થિતિ રાજકીય પંડિતો નિહાળી રહ્યાં છે.

Loading...