Abtak Media Google News

મોરબી પોલીસ જામનગર અને રાજકોટના બે શખ્સોને ફાયરીંગના ગણતરીના કલાકોમાં દબોચી લેતા સનસનીખેજ વિગત બહાર આવી: હથિયાર હરિયાણા અને શાર્પશૂટરો રાજસ્થાનથી બોલાવ્યા હોવાની કબુલાત

ધ્રોલના ત્રિકોણબાગ ખાતે સરાજાહેર બે શખ્સોએ દિવ્યરાજસિંહ જાડેજા પર ફાયરીંગ કરી હત્યા કરી સ્વીફટ કારમાં નાશી ગયાના પગલે પોલીસે ગુજરાતભરમાં નાકા બંધી કરાવતા ધ્રોલથી મોરબી લતીપર તરફના રસ્તે મોરબી પોલીસે બે શખ્સોને ઝડપી લઇ આકરી પુછપરછ કરતા સનસનીખેજ વિગતો બહાર આવી હતી. હરીયાણાથી હથીયાર મંગાવી રાજસ્થાનથી શાર્પશુટર બોલાવી પૂર્વ આયોજીત કાવતરુ રચી અગાઉ પડધરી ટોલનાકે થયેલી જુની માથાકુટનો બદલો લેવા દિવ્યરાજસિંહ પર ફાયરીંગ કરી હત્યા કર્યાની કબુલાત આપી હતી. પોલીસે ઝડપાયેલા જામનગર અને રાજકોટના બે શખ્સોને રીમાન્ડર લેવા તજવીજ હાથ ધરી છે.

બનાવ અંગેની વિગત મુજબ ધ્રોલના જયદિપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરના સમયે ધ્રોલના ત્રિકોણ બાગ પાસે દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જડુવીરસિંહ જાડેજા (રહે. ધ્રોલ ગાયત્રીનગર) વાળા પોતાની પજેરો ગાડીમાં બેસવા જતા બે અજાણ્યા શખ્સોએ તેના પર આડેધડ ફાયરીંગ કરી દિવ્યરાજસિંહની હત્યા કરી નાખી ગયાની ફરીયાદ નોંધાવી હતી. બનાવના પગલે બનાવની ગંભીરતાને ઘ્યાને લઇ એલસીબી ના પી.આઇ. કે.કે.ગોહિલ તથા પીએસઆઇ આર.બી. ગોજીયા એસઓજીના પી.આઇ એલ.પી. ગાધે, પીએસઆઇ વી.કે.ગઢવી, ધ્રોલ સી.પી. આઇ. કે.જે. ભોયે પીએસઆઇ કંટારીયા, જોડીયા પીએસઆઇ સામાણી સહીતના સ્ટાફે ગુજરાતભરમાં નાકાબંધી કરાવી હત્યારાઓની શોધખોળ  આદરી હતી.

6 Banna For Site 1 1

ધ્રોલમાં થયેલા યુવાન પર ફાયરીંગ અને હત્યાના પગલે રાજયભરની પોલીસને એલર્ટ કરી દેવામાં આવતા અને મોરબી એ.સી. કરણરાજ વાઘેલાએ હાઇવે પર વાહન ચેકીંગ સઘન બનાવતા તે દરમ્યાન લતીપર તરફથી એક સ્વીફટ કાર ત્યાંથી પુરપાટ ઝડપે નીકળતા અને પોલીસે તેઓને અટકાવવા પ્રયાસ કરતા સ્વીફટ કારના ચાલકે પોલીસે કચડી નાખવાનાં પ્રયાસ કરી ભાગી ગયા હતા. પોલીસે પીછો કરતા બે શખ્સો કારને ભકિતનગર સર્કલ પાસે રેઢી મુકી શેરીમાં ભાગવા જતા પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ પુછપરછ દરમ્યાન બન્ને શખ્સો એ ધ્રોલમાં દિવ્યરાજસિંહની ફાયરીંગ કરી હત્યા કરી નાસી ગયા હોવાની કબુલાત આપતા પોલીસે ઝડપાયેલો જામનગરનાં અનિરુઘ્ધસિંહ સોઢા તથા રાજકોટના ભગવતી પરાનો મુસ્તાક પઠાણ હોવાની કબુલાત આપી હતી.

ઝડપાયેલા બન્ને શખ્સોને મોરબી પોલીસ તથા જામનગર પોલીસે આકરી પુછપરછ કરતા ફાયરીંગ અને હત્યાના બનાવમાં સનસનીખેજ વિગતો બહાર આવી હતી કે અગાઉ અનિરુઘ્ધસિંહને પડધરી ટોલ નાકા પર થયેલ તકરાર બાબતે દિવ્યરાજસિંહ સામે વેર ચાલતું હોય જે બાબતનો ખાર રાખી અનીરુઘ્ધસિંહએ હરીયાણાના પળવળ ગામના અજીત ઠાકુર નામના શખ્સ પાસેથી હત્યારો મંગાવી રાજસ્થાનથી બબલુ અને સોનુ નામના બે શાર્પ શુટરોને બોલાવી તથા દિવ્યરાજસિંહ જાડેજાની તમામ ગતિવિધી પર નજર રાખતા ધ્રોલના હાડાટોડા તથા રેકી કરનાર ઓમ દેવસિંહ ગણપતસિંહ જાડેજા તથા રાજકોટના મુસ્તાક રફીક પઠાણ નામના શખ્સો ગઇકાલે બપોરના પૂર્વ આયોજીત કાવતરૂ રચી અનિરૂઘ્ધસિંહ ઉર્ફે અનોપસિંહ વિરુભા સોઢા પોતાની સ્વીફટ કારમાં સાર્પ શુટરો ને બેસાડી ત્રિકોણ બાગ પાસે ગયો હતો.

ત્યારે સાર્પ શુટરોએ દિવ્યરાજસિંહ પર ફાયરીંગ કરી હત્યા કરી નાસી ગયા બાદ મોરબી તરફ પોતાની સ્વીફટ કારમાં ભાગી ગયા હતા. પોલીસે અનિરૂઘ્ધસિંહ અને મુસ્તાકને ઝડપી લીધા બાદ રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.ધ્રોલમાં થયેલી ફાયરીંગ અને યુવાનની હત્યાના બનાવના પગલે રેન્જ આઇ.જી. સંદીપસ્ીંગના માર્ગદર્શન હેઠળ જામનગરના એસ.પી. શરદ સીંધવ, રાજકોટના એસ.પી. બલરામ મીણા, મોરબીના એસ.પી. કરણરાજ વાઘેલા તથા પોલીસ સ્ટાફએ કુનેહ પૂર્વક કામગીરી બનાવી બે શખ્સોને ઝડપી લઇ મુખ્ય કાવતરાનો પદાફાર્શ કર્યો હતો.

ફાયરીંગ કરનાર રાજકોટના શખ્સનો ગુનાહિત ઇતિહાસ

રાજકોટના ભગવતીપરામાં રહેતો અને ગઇકાલે ધ્રોલમાં યુવાન પર સરા જાહેર ફાયરીંગ કરી હત્યા કરવાના ગુનામાં પકડાયેલો મુસ્તાક રફીક પઠાણ નામનો શખ્સ અગાઉ રાજકોટના માલવીયા નગર પોલીસમાં ખુનની કોશીષના બે ગુના, મોરબીમાં દારૂ, વાકાંનેરમાં દારૂ, સુરતમાં ખુનની કોશીષ, લોધીકામાં મારામારી, રાજકોટ તાલુકમં મારામારી, પ્ર.નગર પોલીસમાં મારામારી સહીત અનેકવાર પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

કાવતરાખોર અનિરૂઘ્ધસિંહનો ગુનાહિત ઇતિહાસ

ગઇકાલે ધ્રોલમાં દિવ્યરાજસિંહ જાડેજા પર ફાયરીંગ કરી હત્યા કરવાના બનાવમાં સ્વીફટ કારમાં ભાગેલા શખ્સો પૈકી કારનો ચાલક અનિરૂઘ્ધસિંહ તથા મુસ્તાક નામના બે શખ્સોને મોરબી પોલીસે દબોચી લીધા હતા. ઝડપાયેલો અનિરૂઘ્ધસિંહ બે વર્ષ પહેલા રાજકોટમાં બેડી ચોકડી પાસે મારા મારી, ગાંધીગ્રામમાં દારૂના ગુનામાં બાલાજી હોલ પાસે મારામારી, જામનગરમાં દારૂના ગુનામાં રાજકોટમાં હથીયાર સાથે બે વર્ષ પહેલા ચોટીલામાં દારુ સાથે ઝડપાયો હતો તેવો ગુનાહીત ઇતિહાસ ધરાવે છે.

ફાયરીંગ પ્રકરણમાં હથિયાર સપ્લાય કરનાર શખ્સ હરીયાણામાં ઝડપાયો

ધ્રોલમાં યુવાન પર સરા જાહેર ફાયરીંગ અને હત્યાના બનાવના પગલે પોલીસે બે શખ્સોને ઝડપી લઇ આકરી પુરપરછ કરતા હત્યા પૂર્વે આયોજીત કાવતરુ હોય જેથી મુખ્ય સુત્રધાર અનિરુઘ્ધસિંહ નામના શખ્સએ હરીયાણાના પલવલ ગામના અજીત ઠાકુર નામના શખ્સ પાસેથી હથીયાર મંગાવી ધ્રોલમાં દિવ્યરાજસિંહપર ફાયરીંગ કરાવી હત્યા કરી હોવાની કબુલાતના પગલે પોલીસે હરીયાણા પોલીસનો સંપર્ક કરતા હરીયાણા પોલીસે પલવલ ગામથી હથીયાર સપ્લાય કરનાર અજીત ઠાકુરની અટકાયત કરી જામનગર પોલીસને જાણ કરતાં જામનગર પોલીસ કબ્જે લેવા હરીયાણા ખાતે દોડી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.