શરદ પવાર, અજીત પવાર અને પ્રફુલ પટેલ ઇડીના સકંજામાં!!!

121

કોંગ્રેસ બાદ એનસીપીનો વારો!!!

૨૫૦૦૦ કરોડની ખાંડસરીમાં મની લોન્ડરીંગનો ગુનો

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એનસીપીના સુપ્રિમો શરદ પવાર તેના ભત્રીજા અજીત પવાર, પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલ સહિતના નેતાઓ સામે ઈડીએ કાયદાનો સકંજો કસ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ્ બાદ એનસીપીના નેતાઓ સામે મની લોન્ડ્રીંગનો કેસ દાખલ તા વિપક્ષોને મોદી સરકાર રાગદ્વેષનું રાજકારણ રમી રહ્યાનો આક્ષેપ કરવાની વધુ એક તક મળી છે. ઈડીએ ૨૫ હજાર કરોડ રૂપિયાના ખાંડસરી સહકારી બેન્કમાં ગોટાળા કરવા બદલ શરદ પવાર સહિતના ૭૦ નેતાઓ સામે મની લોન્ડ્રીંગનો ગુન્હો દાખલ કર્યો છે.

રાજ્ય સહકારી બેન્ક ગોટાળા પ્રકરણે શરદ પવાર, અજીત પવાર સહિત ટોચના ૭૦ જણા સામે ઈડીએ ગુનો દાખલ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ અને ચૂંટણીના સમયગાળામાં થયેલ આ કાર્યવાહીથી અજીત પવાર અને શરદ પવારની ચિંતામાં વધારો થયો છે. બે વર્ષ સુધી આ સંદર્ભે કોઈ હિલચાલ નોંધાઈ નહોતી પણ ચૂંટણી જાહેર થયા બાદ ગુનો નોંધાતા મહત્વના આ નેતાઓની અડચણ વધી છે જે કોંગ્રેસ અને એનસીપી માટે આ મોટા ધક્કા સમાન માનવામાં આવે છે.

મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્કે વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૦ દરમ્યાન મોટા પાયે મનફાવે તેમ લોનનું વિતરણ કર્યું હતું. તેથી બેન્કને ૧૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ ગોટાળો ૨૫ હજાર કરોડ સુધી પહોંચી ગયો હતો. આ મુદ્દે પીઢ સમાજસેવક અન્ના હજારેએ ત્રણ વર્ષ પહેલા એક અરજી દાખલ કરી હતી ત્યાર બાદ આ પ્રકરણે તપાસ સમિતી પણ નિમવામાં આવી હતી. મુંબઈ પોલીસે હાઈકોર્ટના આદેશ મુજબ એમઆરએ પોલીસ સ્ટેશનમાં અજીત પવારના વિરોધમાં થોડા દિવસો પહેલા ગુનો દાખલ પણ કર્યો હતો. હવે ઈડીએ પણ આ બાબતે ગુનો દાખલ કરતા રાજ્યના રાજકીય વાતાવરણમાં વધુ ગરમાવો આવશે. તેવા ચિન્હો દેખાઈ રહ્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહારાષ્ટ્ર સહકારી બેંક કૌભાંડ કેસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, તેના ભત્રીજા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય લોકો સામે ગુનાહિત મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. આ કૌભાંડ લગભગ ૨૫ હજાર કરોડનું કહેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ઇસીઆઈઆર), પોલીસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ દાખલ કરેલી એફઆઈઆરની સમકક્ષ, કેન્દ્રિય એજન્સી દ્વારા દાખલ કરવામાં આવ્યો છે.

આ કેસ મુંબઈ પોલીસની એફઆઈઆરના આધારે નોંધવામાં આવ્યો છે, જેમાં બેંકના પૂર્વ અધ્યક્ષ, મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને સહકારી બેંકના ૭૦ પૂર્વ અધિકારીઓનાં નામ છે. તેમણે કહ્યું કે શરદ પવારનું નામ પોલીસ દ્વારા નોંધાયેલ એફઆઈઆરને આધારે ઇડીની એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે. આ કેસ એવા સમયે નોંધવામાં આવ્યો છે. જ્યારે ૨૧ ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. માનવામાં આવે છે કે આરોપીઓને ટૂંક સમયમાં એજન્સી દ્વારા તેમના નિવેદનો રેકોર્ડ કરવા સમન્સ પાઠવવામાં આવશે.

ઇડી કેસના આરોપીઓમાં દિલીપરાવ દેશમુખ, ઇશેરલાલ જૈન, જયંત પાટિલ, શિવાજી રાવ, આનંદ રાવ અડસુલ, રાજેન્દ્ર શિંગાણે અને મદન પાટિલનો સમાવેશ થાય છે. રાજ્યની આર્થિક ગુના શાખા દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે આ વર્ષે ઓગસ્ટમાં મુંબઇ પોલીસે એફઆઈઆર નોંધી હતી. મુંબઇ પોલીસે નોંધાવેલી એફઆઈઆરને આધારે ઇડીએ પૈસાની ગેરવર્તન માટેના ફોજદારી આરોપો લગાવ્યા છે. ઈડબલ્યુને બોમ્બે હાઈકોર્ટે કેસ નોંધવા કહ્યું હતું.

આ અગાઉ ન્યાયાધીશ એસ.સી.ધર્માધારી અને ન્યાયાધીશ એસ.કે. શિંદેએ કહ્યું હતું કે, આ કેસમાં આરોપીઓ સામે “વિશ્વસનીય પુરાવા છે. પોલીસે નોંધાવેલી એફઆઈઆર મુજબ, ૧ જાન્યુઆરી, ૨૦૦૭ થી ૩૧ માર્ચ, ૨૦૧૭ ની વચ્ચે થયેલા મહારાષ્ટ્ર રાજ્ય રાજ્ય સહકારી બેંક કૌભાંડના કારણે સરકારી તિજોરીને ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

આ સંદર્ભે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા એનસીપીના સુપ્રીમો શરદ પવારે માધ્યમો સમક્ષ જણાવ્યું હતું કે જે સંસ્થામાં હું સભ્ય નથી અને સંસ્થાના કોઈ નિર્ણયમાં મારી કોઈ ભૂમિકા નથી તેમ છતા આ પ્રકરણે મારૂં નામ આવ્યું છે તે આશ્ર્ચર્યની વાત છે.  મને હજી આ બાબતે કોઈ નોટિસ મળી નથી. જો મારા પર ગુનો દાખલ થયો હશે તો હું તેનું સ્વાગત કરૂં છું. રાજ્યની કોઈપણ બેન્કનો હું ક્યારેય ડાયરેક્ટર નહોતો. ડાયરેક્ટર તરીકેની ચૂંટણી પણ હું ક્યારે લડયો નથી. તેવુ જણાવી આ સમગ્ર કાર્યવાહીની ટીકા પણ કરી હતી.

Loading...