Abtak Media Google News

૨૧૮ વર્ષ પૂર્વેની નીલકંઠવર્ણી સ્વામીનારાયણ શીલ મુકામે પધાર્યા હતા. આથી તાજેતરમાં જ આ મંદિરનું નિર્માણ થયેલ છે તેના પરિસરમાં ભગવાન સ્વામીનારાયણનો ‘શાકોત્સવ’ ઉજવાયો હતો.

પ્રારંભમાં નીલકંઠવર્ણી સહજાનંદ ભગવાનના મંદિરના પૂજારી ધનસુખભાઈ પંડિતે સૌ સંતો-મહંતોને આવકાર્યા હતા.

આ પ્રસંગે શાકોત્સવનો પ્રારંભ કરાવતા લોએઝ સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી પ.પૂ.હરિપ્રકાશસ્વામીએ જણાવ્યું હતું કે, સંતોના હાથે રીગણા-રોટલા બનાવ્યા હોય તે હરિભક્તો જમે એ જ આ શાકોત્સવનો ઉદ્દેશ રહ્યો છે. શ્રી વિનોબા ભાવે એ પ્રેમ-શક્તિના માધ્યમથી ભૂધન ચળવળ ચલાવી તેવી જ રીતે ભગવાન સ્વામીનારાયણ પ્રેમ શક્તિ દ્વારા લોકોનો દીલ જીતીને સમાજ સુધારણાનું મોટું કાર્ય કર્યું છે. સર્વ પીડાઓના શમનનું મુળ ઈશ્વરની ભક્તિ અને સંતોનો સમાગમમાં છે.

કેશોદ નજીકના અક્ષયગઢ સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામી વેદાન્ત સ્વરૂપજીએ જણાવ્યું હતું કે, ધાર્મિક ઉત્સવ થકી આધ્યાત્મિક સંગઠનની ભાવના મજબૂત બને છે અને સમાજ વ્યસન મુકત બને છે. તેમણે સમાજ સુધારણામાં સત્સંગને શ્રેષ્ઠ ગણ્યો હતો. સ્વામી જન કલ્યાણ સ્વ‚પે જણાવ્યું હતું કે, જામનગરના રાજવી જામ સાહેબે શિવણને પ્રાધાન્ય આપીને બાલાચડી સૈનિક સ્કૂલને પ્રોત્સાહન આપ્યું હતું. સેવા ધર્મથી બીજો કોઈ ધર્મ ચડિયાતો નથી. સમાજ રત્ન અને જાણીતા કેળવણીકાર ડો.ઈશ્વરભાઈ ભરડાએ જણાવ્યું હતું કે, ગામડામાં મંદિરો, શાળાઓ ગૌશાળાઓ સામાજિક ચેતનાના કેન્દ્રો છે તેમના થકી આપણી ભારતીય સંસ્કૃતિ જીવંત રહી છે.

લોએઝ સ્વામીનારાયણ મંદિરના સ્વામી ચૈતન્ય સ્વરૂપદાસજીએ આવા ધાર્મિક ઉત્સવોને આવકારીને આર્શીવચનો પાઠવ્યા હતા. આ તકે કેશોદના અક્ષયગઢ સ્વામીનારાયણ ગુરુકુળના સંતોએ રીંગણાનું શાક અને બાજરાના રોટલાની રસોઈ કરીને સૌ હરિભક્તોને જમાડી ભગવાન સ્વામી નારાયણના શાકોત્સવની પરંપરા ચાલુ રાખી હતી.

આ ધાર્મિક ઉત્સવ પ્રસંગે શીલ ગામના સરપંચ રાજાભાઈ ભરડા, કવાભાઈ વાડલીયા, બટુકભાઈ ડાભી, જુમાભાઈ પટેલ, હરદાસભાઈ, નારણભાઈ, જેઠાભાઈ, નંદાણીયા, દેવશીભાઈ ચાડેરા, નીલેશભાઈ જોષી, નાથાભાઈ માલમ, કારીબેન ભરડા, ગામના શ્રેષ્ઠીઓ, નગરજનો, હરિભક્તો અને ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં હાજર રહીને સંતોએ બનાવેલી રસોઈનો સૌએ પ્રસાદ લઈને ભગવાન સ્વામી નારાયણનો શાકોત્સવ ધર્મોત્સવને સફળ બનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.