Abtak Media Google News

મહત્વની માંગણીઓના સ્વીકાર પછી હજુ પાટીદાર સમાજ મન કળવા દેતા ન હોવાથી નવી વ્યૂહરચનાની અટકળો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે રાત્રે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના નિવાસસ્થાને જઇ આગામી વિધાનસભાની ચૂંટણી અંગે કેટલીક મહત્વની ચર્ચાઓ કરી હતી. રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનની સાથે અન્ય સામાજિક આંદોલનથી ડહોળાયેલી સ્થિતિને ફરીથી થાળે પાડવા માટે ભાજપના રણનીતિકારો ભારે મથામણ કરી રહ્યા છે. તાજેતરમાં પાટીદાર આંદોલનકારી નેતાઓ ઉપરાંત સમાજના તમામ મહત્વના આગેવાનો સાથે બેઠક યોજી નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે પાટીદારોની ચાર મહત્વની માગણીઓનો સ્વીકાર કરવાની જાહેરાત કરી હતી. હવે પાટીદાર સમાજમાં ભાજપ સરકારે સ્વીકારેલી વાતને પહોંચતી કરવા માટે કેવી રણનીતિ અપનાવવી અને આગામી ચૂંટણીમાં પાટીદારોના કેવા ચહેરાને મહત્વ આપવું તેના મુદ્દે અમિતભાઇએ આનંદીબહેન સાથે પરામર્શ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત ગૌરવ યાત્રાના પ્રથમ ચરણનો કરમસદથી પ્રારંભ કરાવ્યા બાદ રવિવારે સાંજે ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત ઇલેક્શન ઇન્ચાર્જ અરુણ જેટલી અને અન્ય આગેવાનો સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહે વર્તમાન રાજકીય સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. ત્યારબાદ અમિતભાઇએ આનંદીબહેનના નિવાસસ્થાને જઇ લગભગ અઢી કલાક સુધી વિવિધ મુદ્દે મંત્રણાઓ કરી હતી. ભાજપ અધ્યક્ષ અને આનંદીબહેન વચ્ચે બંધબારણે થયેલી ચર્ચા દરમિયાન આનંદીબહેનના ચૂંટણી લડવા અંગેના નિર્ણયથી લઇને પાટીદાર પ્રભાવવાળી બેઠકો પર કેવા પ્રકારના ચહેરાની પસંદગી, એમના અભિપ્રાય અંગે બન્નેએ પરામર્શ કર્યો હોય તેમ સમજાય છે.

પાટીદાર અને દલિત આંદોલનો પછી બદલાયેલી સ્થિતિમાં ભાજપને ૧૫૦ પ્લસ બેઠકોના લક્ષ્યને પહોંચી વળવા માટે નવેસરથી વ્યૂહરચના અપનાવવી પડી છે. ભાજપ અધ્યક્ષે વિધાનસભામાં કરેલા સંબોધન પરથી હવે પક્ષ ઓબીસી, એસસી અને એસટી પર વધારે ફોકસ કરશે એવા સંકેતોથી ગેરસમજ ઊભી ન થાય એટલે નારાજ પાટીદારોને જોડે લેવા માટે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલના વડપણ હેઠળ તમામ મહત્વના પાટીદાર આગેવાનો સાથે બેઠક યોજી ચાર મહત્વની માગણીઓ પર સમાધાનકારી માર્ગ અપનાવાયો છે. ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું નેતૃત્વ પણ પક્ષ તથા સરકારના પાટીદાર નેતાઓને સોંપ્યું છે.

અહીં નોંધવુ જરૂરી છે કે, ભાજપમાં અમિત શાહ અને આનંદીબહેન વચ્ચે ચાલતા રાજકીય કોલ્ડ વોરથી કાર્યકરો સુપેરે પરિચિત છે અને પાટીદાર આંદોલનનું ઠીકરું ફોડી એમને ખસેડી વિજયભાઇ રૂપાણીને ગુજરાતની ધુરા સોંપવામાં આવી હતી ત્યારથી બન્ને વચ્ચેનું અંતર ખાસ્સુ વધી ગયું હતું. જોકે, આનંદીબહેને પોતાની રાજકીય સક્રિયતાને પક્ષ કે જાહેર કાર્યક્રમોમાં જાળવી રાખી હતી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદીબહેન પટેલને તમામ જાહેર અને પક્ષીય કાર્યક્રમોમાં સતત સાથે રાખી એમના ગુજરાત પરના વર્ચસ્વને સ્હેજપણ ઓછું થવા દીધું ન હતું. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ બન્ને જૂથોને એક કરવા જરૂરી જણાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ઇલેક્શન ઇન્ચાર્જ તરીકે કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીને જવાબદારી સોંપી હતી. રવિવારે જેટલીના આગમન પછી અમિતભાઇએ એમની સાથે પરામર્શ કર્યા બાદ આનંદીબહેન પટેલના નિવાસસ્થાને જઇ ચૂંટણી માટે, વિશેષરૂપથી પાટીદારો માટેની સ્ટ્રેટેજી અંગે ચર્ચા કરી એ મહત્વનું પરિવર્તન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.