Abtak Media Google News

છેલ્લા ત્રણ પગલાનું ઇ-લોકાર્પણ

આગામી સમયમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કૃષિ ઉત્પાદન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરાશે: છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી રૂ. ૧૫,૦૦૦/-કરોડની ટેકાના ભાવે માલની ખરીદી કરાઈ: વિજયભાઈ રૂપાણી

હાથીને મણ અને કિડીને કણની સર્વવ્યાપી  વ્યવસ્થા અમારી સરકારે કરી છે: સાત પગલાં ખેડૂત કલ્યાણનાં દ્વારા ગુજરાતના ખેડૂતો વધુ આર્થિક પગભર બનશે. રાજય સરકાર જે કહે છે તે કરે છે તે સંકલ્પને આજે અમારી સરકારે પૂર્ણં કર્યોં છે તેમ  મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણીએ સાત પગલાં ખેડૂત કલ્યાણનાં યોજનાનાં ઈ-લોકાપર્ણ પ્રસંગ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત છેલ્લા ત્રણ પગલાંનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજયના ૩૩ જિલ્લામાં વિવિધ ૭૦ સ્થાનો પર યોજાયેલ કાર્યક્રમોમાં નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ સહિત મંત્રીઓ, ધારાસભ્ય, સાંસદઓ, બોર્ડ નિગમના ચેરમેનઓ, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના હેઠળ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ફળ, શાકભાજીના વિક્રેતાઓને વિના મૂલ્યે છત્રી, સીમાંત ખેડૂતો- ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ અને ખેડૂતોને કાંટાળી તારની વાડ બનાવવા લાભાર્થી ખેડૂતોને પ્રતિકરૂપે ગાંધીનગરથી મંજૂરી પત્રો-હુકમો અપાયા હતાં. સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપનાર ખેડૂતને મુખ્ય મંત્રીના હસ્તે રૂા.૫૧,૦૦૦/-નું ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

મુખ્ય મંત્રીએ કહ્યુ હતું કે, અમારી સરકારે ખેડૂતોને કાયમી ચિંતા કરી છે. આગામી ઓકટોબરમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કૃષિ ઉત્પાદન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરાશે. અત્યાર સુધીમાં છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી રૂા. ૧૫,૦૦૦/-કરોડની ટેકાના ભાવે કૃષિ ઉપજ-માલની ખરીદી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા એ.પી.એમ.સી. એકટમાં સુધારાથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવની ખરીદી બંધ થશે તેવો ભ્રામક પ્રચાર વિપક્ષ બંધ કરે. કૃષિ સુધારા બીલના પરિણામે ભારતનો ખેડૂત કોઈપણ સ્થળે પોતાનો માલ વેચીને વધુ આર્થિક સમૃદ્વ થશે. કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે પણ રાજય સરકારે સતત પ્રજાકલ્યાણનાં કાર્યો ચાલુ રાખીને ગુજરાતની વિકાસ યાત્રા આગળ વધારી છે. અમારી સરકારે જે કિધું એ કર્યું છે તે સંકલ્પ સાથે આજે કૃષિ વિભાગે સાત પગલાં ખેડૂત કલ્યાણનાં તમામ પગલાંનું લોકાપર્ણ પુર્ણં કર્યું છે.

મુખ્ય મંત્રી કહ્યુ હતું કે, હર હાથ કો કામ, હર ખેત કો પાણીના સંકલ્પ સાથે અમારી સરકાર આગળ વધી રહી છે. ગામડાની સમૃદ્વિ પર શહેર અને શહેરની સમૃદ્વિ પર રાજય અને રાજયની સમૃદ્વિ પર દેશ સમૃદ્વ થશે. અમારી સરકાર હંમેશા ખેડૂતો સાથે રહી છે અને રહેશે. તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે રાજયના ખેડૂતોને પાકમાં થયેલા નુકશાનના સહાય માટે રૂા.૩,૭૦૦/-કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેની નોંધણીની પ્રક્રિયા આગામી ૧લી ઓકટોબરથી શરૂ કરવામાં આવશે. રાજયના ખેડૂતને દેવું થાય જ નહિં અને ગુજરાતનો ખેડૂત આધુનિક ખેતી કરીને રૂપિયો નહીં પણ ડોલર કમાતો થાય તેવાં સંકલ્પ સાથે સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અમલી બનાવી છે. તેમ જણાવી મુખ્ય મંત્રીએ સૌ લાભાર્થી ખેડૂતોને અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.