Abtak Media Google News

આઈટીઆર ફોર્મમાં બદલાવ અને ખાસ બાબતોએ કરદાતાઓને મળતી રાહતના કારણે કલમો તેમજ ફોર્મમાં સુધારા વધારા

સરકારે છેલ્લા એક વર્ષમાં આર્થિક બાબતોએ ઘણા ફેરફારો કર્યા છે. જેના પરિણામે આ વર્ષે આવકવેરા રિટર્ન ભરવામાં પણ અલગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે જેમાં મુખ્ય ૭ બાબતોનો સમાવેશ થાય છે. ૧લી જુલાઈ પછી આવકવેરા રિટર્ન માટે આધાર નંબર ફરજિયાત કરવામાં આવ્યો છે. જેના કારણે હવે વેરો ભરતા સમયે ૨૮ આંકડાનો આધાર એનરોલમેન્ટ નંબર રજૂ કરવો પડશે.

આ ઉપરાંત પાનકાર્ડ માટે પણ આધારકાર્ડ લીંકઅપ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેના માટે જાહેરનામુ પણ બહાર પડયું છે. આવી રીતે જ બીજા અલગ-અલગ ફેરફારો આવકવેરા રિટર્ન કરતા સમયે સામે આવશે. નોટબંધી દરમિયાન જો ૨ લાખથી વધુની રોકડ જમા કરાવી હશે તો આ બાબતનો ઉલ્લેખ કરવો પડશે અને જાણકારી આપવી પડશે.

બીજી તરફ આવકવેરા ભરવા માટેના ફોર્મમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં આઈટીઆર-૧ દ્વારા પગાર તરીકે મળેલી આવક, એક મિલકત તેમજ બીજા સ્ત્રોત દર્શાવી શકાશે અને કુલ ૫૦ લાખ સુધીની આવકનો આ ફોર્મ હેઠળ સમાવેશ થાય છે. આ ઉપરાંત આઈટીઆર-૨માં હિન્દુ સંયુકત કુટુંબની સંયુકત આવક હોય તો તેને દર્શાવવી પડશે. જયારે આઈટીઆર-૨માં સંયુકત કુટુંબ જો પોતાનો પરંપરાગત વ્યવસાય ધરાવતું હોય તો તેનો સમાવેશ થશે. જયારે આઈટીઆર-૪માં કોઈપણ ધંધાદારી વ્યક્તિઓ પોતાની આવક દર્શાવી રીટર્ન ભરી શકશે.

વધુમાં લાંબા સમયથી થતી આવક ઉપર જો કરમુક્તિ મળતી હોય તો પણ આઈટીઆર ફોર્મ ભરવા ફરજિયાત કરવામાં આવ્યા છે જેની નોંધ લોકોએ લેવી પડશે. રીબેટમાં પણ વધારો કરવામાં આવ્યો હોવાથી તેના માટે સેકશન ૮૭-એનો ઉમેરો કરવામાં આવ્યો છે. અગાઉ ૨ હજાર રિબેટ મળતા હતા જયારે હવે વ્યક્તિદીઠ ૫ હજાર કરવામાં આવ્યા છે. પ્રથમ વખત ઘર ખરીદનારા વ્યક્તિને વધારાનો લાભ મળવા પાત્ર હોવાથી આ નિયમ માટે ફાઈનાન્સ એકટ ૨૦૧૬માં ૮૦ ઈઈ સેકશનનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેથી ઘર ખરીદનાર ૫૦ હજારથી વધુનું વ્યાજ કરતી હોય તો તે વળતરની દરખાસ્ત કરી શકશે. આ ઉપરાંત પણ અલગ અલગ લોન પ્રમાણે રાહતની જાહેરાત કરવામાં આવી હોવાથી આવકવેરા રિટર્નમાં પણ ફેરફારો થયા છે.

મકાન અથવા જમીનની વહેંચણી દ્વારા લાંબાગાળાનો નફો મળ્યો હોય તો આ રકમનું બીજી જગ્યાએ રોકાણ કરવા માટે પણ સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જયારે ઈકવીટી શેરના સ્ટાર્ટઅપ માટે કોઈપણ જાતનો કર લાગતો ન હોવાથી આ બાબતોને સેકશન ૫૪-જીબીમાં ઉમેરવામાં આવી છે. આ સાત મહત્વની બાબતો અંગે આવકવેરા રિટર્ન ભરનારા કરદાતાઓએ પુરતી વિગતો મેળવવી પડશે અને ત્યારબાદ રિટર્ન ભરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.