શેરબજારમાં તેજીનો તોખાર: સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ ઉછાળો

share market
share market

સેન્સેકસમાં ૩૦૧ પોઈન્ટ અને નિફટીમાં ૯૮ પોઈન્ટના ઉછાળાથી રોકાણકારોમાં હરખના ઘોડાપુર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરી એક વખત સ્પષ્ટ બહુમતી સાથે સતા પર આવી રહ્યાના તમામ સર્વે દ્વારા જાહેર કરવામાં આવતા આજે ભારતીય શેરબજારમાં અણધારી તેજી જોવા મળી હતી. બંને આગેવાન ઈન્ડેકક્ષમાં તોતીંગ ઉછાળો જોવા મળતા રોકાણકારોને બલ્લે-બલ્લે થઈ ગઈ હતી.

ગઈકાલે બીજા તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ અલગ-અલગ ન્યુઝ એજન્સી તથા ખાનગી એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા ઓપનીયન પોલના તમામ સર્વેમાં ભાજપ ફરી ગુજરાતમાં બહુમતી સાથે સરકાર બનાવી રહી હોવાના તારણો આવતા આજે સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજીનો તોખાર જોવા મળ્યો હતો. ઉઘડતી બજારે જ નિફટી અને સેન્સેકસમાં આસમાની ઉછાળા જોવા મળતા રોકાણકારો કરોડો કમાયા હતા.

આગામી સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં સર્વે મુજબના પરીણામો આવશે તો શેરબજારમાં તેજી વધુ તોફાની બને તેવા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે. પરિણામ ભાજપ તરફી આવશે તેવી ગણતરી સાથે રોકાણકારોએ આજે સપ્તાહના અંતિમ દિવસે ઉચ્ચા મથાળે પણ ખરીદીનો દોર જારી રાખ્યો હતો.

જેના કારણે દિવસભર તમામ ઈન્ડેકસ ગ્રીન ઝોનમાં દેખાતા હતા. સન્સેકસે ૩૩,૫૦૦ની સપાટી તો નિફટીએ ૧૦,૩૫૦ પોઈન્ટની સપાટી ઓળંગી હતી. આજે રોકાણકારોમાં ફરી વિશ્ર્વાસનો માહોલ જોવા મળ્યો હતો. મોટાભાગની કંપનીઓના શેરો ગ્રીન ભાગમાં દેખાયા હતા. પરીણામ ભાજપ તરફી રહેશે તો શેરબજારમાં સોમવારે તેજી વધુ ગાંડીતૂર બને તેવી સંભાવના પણ દેખાઈ રહી છે.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૩૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૩૩,૫૪૮ અને નિફટી ૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦,૩૫૦ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે.

Loading...