૬૨ મિલકતોને જપ્તી નોટિસ: મેડિકલ કોલેજે વેરા પેટે રૂા.૫૨ લાખ ભર્યા

સેન્ટ્રલ ઝોનમાં ૨૩, ઈસ્ટ ઝોનમાં ૨૧ અને વેસ્ટ ઝોનમાં ૧૮ મિલકત ધારકોને જપ્તીની નોટિસ ફટકારાઈ: રૂા.૭૭ લાખની વસુલાત

કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા છેલ્લા એક સપ્તાહથી શરૂ કરવામાં આવેલી હાર્ડ રીકવરી અંતર્ગત આજે અલગ અલગ વિસ્તારોમા ૬૨ સીલ કરવામાં આવી હતી. સરકારી માંગણુ વસુલવા માટે શરૂ કરાયેલી ઝુંબેશમાં આજે મેડિકલ કોલેજે બાકી વેરા પેટે રૂા.૫૨ લાખ જમા કરાવી દીધા હતા.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે ટેકસ બ્રાન્ચ દ્વારા શહેરના તમામ વોર્ડમાં ટેકસ રિકવરીની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત વોર્ડ નં.૨માં આવેલી મેડિકલ કોલેજ પાસે વેરા પેટે બાકી નીકળતા રૂા.૫૧,૯૯૩૯૮ વસુલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મેડિકલ કોલેજે આજે બાકી વેરા ભરપાઈ કરી દીધો હતો. આ ઉપરાંત વોર્ડ નં.૩માં પણ એક સરકારી યુનિટના માંગણા પેટે રૂા.૨.૬૮ લાખની વસુલાત થવા પામી હતી. રજપૂતપરામાં ખોડીયાર ચેમ્બરમાં ૪ યુનિટ અને ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં ૮ યુનિટને જપ્તી નોટિસ આપવામાં આવી હતી. આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૨૩ મિલકતોને જપ્તી નોટિસ આપવામાં આવતા રૂા.૬૩ લાખ, ઈસ્ટ ઝોનમાં ૨૧ મિલકતોને જપ્તી નોટિસ અપાતા રૂા.૭.૧૩ લાખ અને વેસ્ટ ઝોનમાં ૧૮ મિલકતોને જપ્તી નોટિસ આપવામાં આવતા રૂા.૬.૮૦ લાખની વસુલાત થવા પામી છે. આજે બપોર સુધીમાં કુલ ૭૭.૯૩ લાખની રીકવરી થઈ છે. આગામી દિવસોમાં રીઢા બાકીદારોની સીલ કરાયેલી મિલકત જાહેર હરરાજી કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Loading...