Abtak Media Google News

ગીર-સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાબાના સરા ગામે નેશનલ હાઇવેનું કામ કરતી એજન્સીએ  અને સીંચાઇ વિભાગના અધિકારીઓ સાથે સાઠગાંઠ કરી ગૌચરમાંથી ગેરકાયદેસર રીતે માટી કાઢવાનું કામ કરી રહેલ જેના ઉપર આજે મોડી સાંજે ખાણ ખનીજ વિભાગની ટીમએ દરોડો પાડી હીટાચી, જેસીબી અને પાંચ ડમ્પર મળી રૂા.૯પ લાખનો મુદામાલ સીઝ કરેલ છે. આ દરોડોની તપાસમાં લાખોની ખનીજ ચોરી સાથે ચોકાવનારી વિગતો બહાર આવવાની શકયતા દેખાઇ રહેલ છે. આ અંગે ખાણ ખનીજ વિભાગ દ્વારા સુત્રાપાડા પોલીસમાં ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરેલ છે.

ગીર-સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના સરા ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો અને ચેકડેમોમાંથી માટી મોરમ કાઢવા વેરાવળ-ઉના નેશનલ હાઇવેનું કામ કરતી એજન્સી એગ્રોહ ઇન્ફા ડેવલોપર્સ એ સિંચાઇ વિભાગ પાસે મંજૂરી માંગેલ જેને એક માસ પૂર્વે સરા ગામની સીમમાં આવેલ તળાવ અને ચેકડેમમાંથી સ્વખર્ચે માટી મોરમ કાઢવાની મંજૂરી આપવામાં આવેલ હતી. જો કે, હાઇવેનું કામ કરતી એજન્સી એગ્રોહ ઇન્ફા દ્વારા કથીત રીતે અને સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે સાઠગાંઠ કરી સરા ગામના ચેકડેમો તળાવોના બદલે સરા ગામની ગૌચરની જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી કાઢવાનું ખોદકામ દિવસ રાત કરી રહેલ હતી જે કામગીરીના સ્થળે આજે મોડી સાંજે ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડો પાડતા ઉપરોકત ચોકાવનારી હકીકતો બહાર આવતા કડક કાર્યવાહી હાથ ધરી સ્થળ ઉપરથી એક હીટાચી મશીન, એક જેસીબી અને પાંચ ડમ્પર મળી કુલ રૂા.૯પ લાખનો મુદામાલ ખાણ ખનીજ વિભાગે સીઝ કરી ધોરણસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.