Abtak Media Google News

શેરડીના રસના ચીચોડા પર ધોંસ બોલાવતી આરોગ્ય શાખા: લીંબુના બદલે શેરડીના રસમાં લીંબુના ફુલનો ઉપયોગ કરાતું હોવાનું ખુલ્યું: ૧૯૦ કાચના ગ્લાસનો નાશ

વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ કેટલી હદ સુધી નીચલી કક્ષાએ ઉતરી શકે છે તેનો વધુ એક પર્દાફાશ આજે થયો છે. મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શેરડીના રસના ચીચોડાવાળાને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કોઠારીયા રોડ અને હુડકો ચોકડી નજીક શેરડીના રસની મીઠાશ વધારવા માટે વેપારીઓ દ્વારા શેરડી પર સેક્રીનનું પોટુ મારવામાં આવતું હોવાનું કારસ્તાન પકડાયું હતું. આટલું જ નહીં શેરડીના રસમાં લીંબુના ફુલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ ખુલ્યું હતું.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા દ્વારા રામનાથ પરામાં આશાપુરા રસ ડેપો, જનતા રસ ડેપો અને નિરા વેંચાણ કેન્દ્ર , સંતકબીર રોડ પર બાપાસીતારામ રસ ડેપો, ગાંધી રસ ડેપો, જય દ્વારકાધીશ રસ ડેપો, જયોતી રસ ડેપો, પરમાર રસ ડેપો, ક્રિષ્ના રસ ડેપો, ભુપેન્દ્ર રોડ પર આશાપુરા રસ ડેપો, મવડી ચોકડી પાસે જય જલારામ રસ ડેપો, જોગમાયા રસ ડેપો, દ્વારકાધીશ રસ ડેપો, કોઠારીયા રોડ ઓવરબ્રીજ પાસે જય માં શિતળા રસ ડેપો, શિવશકિત રસ ડેપો, જય ભોલેનાથ રસ ડેપો અને મહાકાલી રસ ડેપોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન કોઠારીયા રોડ પાસે શેરડીના રસના આશરે ૪ થી પાંચ ધંધાર્થીઓ પાસેથી ૧૦ કિલો સેક્રીન અને ૫૦૦ ગ્રામ જેટલા લીંબુના ફુલનો જથ્થો મળી આવ્યો હતો. ધંધાર્થીઓ નેપકીનને સેક્રીનના પાણીમાં બોળીને આ પોટુ શેરડી પર લગાવતા જેના કારણે શેરડીના રસની મીઠાશમાં વધારો થાય. જયારે શેરડીના રસમાં લીંબુના ફુલનો ઉપયોગ કરવામાં આવતો હતો. એક પણ શેરડીના ધંધાર્થી પાસે ફુડ લાયસન્સ ન હતું અને કાચના ગ્લાસમાં જ રસનું વેચાણ કરતા હોય તમામ ધંધાર્થીઓને નોટિસ આપવામાં આવી હતી અને આશરે ૧૯૦ જેટલા કાચના ગ્લાસના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, બિનઆરોગ્યપ્રદ શેરડીના રસથી ટાઈફોઈડ, કમરો, ઝાડા-ઉલ્ટી જેવા રોગ થઈ શકે છે. શેરડીના રસના ઉત્પાદન સ્થળે સ્વચ્છતા ધોરણો જાળવી રાખવા ચિચોડા તથા શેરડીનો ધોઈને ઉપયોગ કરવો, શેરડીનું સ્ટોરેજ આરોગ્યપ્રદ સ્થિતિમાં કરવું, રસ માટે ઉપયોગમાં લેવાતો બરફ માન્યતા પ્રાપ્ત અને પરીક્ષણ કરાવેલી આઈસ ફેકટરીમાંથી લેવો તથા તેનું બિલ સાથે રાખવું. બરફનું સ્ટોરેજ આઈસ બોકસ અથવા યોગ્ય પાત્રમાં કરવું તથા ઉપયોગમાં લેવાતા લીંબુ, પાઈનેપલની ગુણવતા જાળવી રાખવી, રસ આપવા માટે ડિસ્પોઝેબલ ગ્લાસનો ઉપયોગ કરવો તથા શેરડીના વધેલા છોતરાનો યોગ્ય નિકાલ કરવો ફરજીયાત છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.