શ્રીનગરમાં સુરક્ષાદળો પર જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી પૂર્વે પેટ્રોલિંગ ટુકડી પર હુમલો: બે વીર જવાન શહીદ

કાશ્મીરમાં આતંકી હુમલો

મુંબઇ હુમલાની ૧૨મી વરસીએ આતંકીઓનો હુમલો : ચૂંટણી દરમિયાન જમ્મુમાં માહોલ બગાડવાનો આતંકીઓનો હીન પ્રયાસ

આતંકીઓએ શ્રીનગરના એચએમટી વિસ્તારમાં સુરક્ષા દળોના કાફલા પર હુમલો કર્યો છે જેમાં કવિક રિએક્શન ટીમના બે વીર જવાન શહિદ થયાં હતા.

એચએમટી વિસ્તારમાં શુક્રવારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર આતંકી હુમલો કર્યો. આ હુમલામાં બે જવાન શહીદ થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે. આ હુમલો મુંબઈ હુમલાની ૧૨મી વરસી પર કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ૨ દિવસ બાદ એટલે કે ૨૮ નવેમ્બરથી જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી પણ યોજાવવાની છે.

આતંકવાદીઓએ શરીફાબાદમાં શ્રીનગર-બારામૂલા હાઈવે પર પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આતંકીઓએ સતત પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરિંગ કર્યું જેમાં બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા  જે બાદ બંને જવાનોનું કરુંણ મોત નીપજ્યું હતું.

કાશ્મીર પોલીસના આઈજીએ જણાવ્યું હતું કે, ત્રણ આતંકીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હુમલા પછી આતંકીઓ કાર લઈને ભાગી ગયા હતા. જે વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો તે વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી સક્રિય છે. હુમલાની પાછળ કયા ગ્રુપનો હાથ છે, તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે.

આજે થયેલા હુમલાથી ૭ દિવસ પહેલાં નગરોટમાં સેના અને સુરક્ષાદળોએ જૈશના ૪ આતંકીઓને ઠાર કર્યા હતા. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું હતું કે આ આતંકવાદી ચૂંટણી પહેલાં મોટો હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં હતા. પાકિસ્તાનમાં બેઠેલા મસૂદ અઝહરના ભાઈ રઉફ લાલા તેનો હેન્ડલર હતો.

આ પહેલાં પણ ૮ નવેમ્બરે કુપવાડામાં પાકિસ્તાની આતંકીઓએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સેના અને બોર્ડર સિક્યોરિટી ફોર્સે જોઈન્ટ ઓપરેશનમાં ૩ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. અથડામણમાં સેનાના કેપ્ટન સહિત ૩ જવાન પણ શહીદ થયા હતા.

પુંછ વિસ્તારમાં પાકિસ્તાને કર્યુ ફાયરિંગ : એક વીર જવાન શહિદ

પાકિસ્તાને ફરી એક વખત લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પુંછ વિસ્તારમાં એલઓસી પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે. ભારતીય સેના પણ તેનો જવાબ આપી રહી છે. ૪ દિવસ અગાઉ પણ પુંછના દેગવાર, માલ્ટી અને દલ્લાન વિસ્તારમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું. આર્મીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કસબા અને કિરની સેકટરમાં ગુરુવારે બપોરના દોઢ વાગ્યાની આસપાસ ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં સેનાના જુનિયર કમિશ્નડ ઓફિસરને ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર અર્થે જવાનને નજીકના આર્મી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. જમ્મુના ડિફેન્સ પ્રવક્તા લેફ્ટીનંટ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું હતું કે, જે વીર જવાન શહિદ થયાં તેમની ઓળખ કરવામાં આવી છે. જેમનું નામ સુબેદાર સ્વતંત્રસિંઘ હતું જેઓ ઉત્તરાખંડના રહેવાસી હતા. તેઓ ખૂબ જ બહાદૂર હતા અને દેશ તેમના બલિદાનને ક્યારેય ભૂલી નહીં શકે. સાથોસાથ કિરની ગામના એક સ્થાનિકને પણ ફાયરિંગ દરમિયાન ઇજા પહોંચી હોવાના સમાચાર મળ્યા છે જેનું નામ મોહંમદ રશીદ હોવાનું જાણવા મળ્યું છે.

Loading...