Abtak Media Google News

બીજી ટેસ્ટ સાથે શ્રેણી જીતવા વિરાટ સેનાનો જુસ્સો બૂલંદ

યજમાન ભારત અને મહેમાન સાઉથ આફ્રિકા વચ્ચે આવતીકાલથી પૂણે ખાતે આઈસીસી ટેસ્ટ ચેમ્પીયન શીપની બીજી ટેસ્ટ મેચનો આરંભ થશે. વિશાખાપટ્ટનમમાં આફ્રિકાને કારમો પરાજય આપ્યા બાદ બીજી ટેસ્ટ સાથે ત્રણ ટેસ્ટની સીરીઝ ફતેહ કરવાનાં બુલંદ ઈરાદા સાથે વિરાટ સેના કાલે મેદાનમાં ઉતરશે તો બીજી તરફ શ્રેણી સરભર કરવા માટે આફ્રિકા પણ મરણીયું બનશે. ક્રિકેટ પ્રેમીઓને એક રોમાંચક ટેસ્ટ મેચ માણવા મળશે.

વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાની ટીમને તમામ ક્ષેત્રે મહાત કરી હતી. ટેસ્ટમાં ભારતીય ટીમની ઓપનીંગ જોડીની સમસ્યા રોહિત શર્મા અને મયંક અગ્રવાલે હલ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. ઓપનર તરીકે ટેસ્ટમાં પદાર્પણ કરનાર રોહિત શર્માએ પ્રથમ ટેસ્ટમાં બંને દાવમાં આક્રમક સદી સાથે ૩૦૦ થી વધુ રન ફટકાર્યા હતા તો નવદિપ ઓપનર મયંક અગ્રવાલે પણ પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી કાબેલીયત પુરવાર કરી દીધી છે.

ચેતેશ્ર્વર પુજારા સહિતનાં બેટસમેનોએ પણ પોતાનું પ્રદર્શન બતાવી દીધું છે. મહમદ શમી, આર.અશ્ર્વિન સહિતનાં બોલરો સામે આફ્રિકન બેટસમેન રીતસર ઘુંટણીયે પડી જતા પ્રથમ ટેસ્ટમાં ભારતનો ૨૦૩ રને શાનદાર વિજય થયો હતો.

આવતીકાલથી પૂણે ખાતે શરૂ થતી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ વિનીંગ કોમ્બીનેશનમાં ફેરફાર ન કરે તેવી સંભાવના હાલ વર્તાય રહી છે. ૩ ટેસ્ટની શ્રેણી કબજે કરવાનાં બુલંદ ઈરાદા સાથે વિરાટ સેના મેદાનમાં પડશે તો સામાપક્ષે સાઉથ આફ્રિકાની ટીમ પણ શ્રેણી સરભર કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે તે વાત ફાઈનલ છે. આઈસીસી ટેસ્ટ ચેમ્પીયનશીપમાં હાલ ભારત ૧૬૦ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંકે છે જો બીજી ટેસ્ટ મેચ જીતવામાં ભારત સફળ રહેશે તો પોતાનું પ્રથમ સ્થાન વધુ મજબુત બનશે. ત્રણ ટેસ્ટની ત્રીજી અને આખરી ટેસ્ટ ૧૯ થી ૨૩ ઓકટોબર દરમિયાન રાંચી ખાતે રમાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.