Abtak Media Google News

દેશના ૭૫૦૦ કિ.મી.ના વિશાળ દરિયાકાંઠે સાગરમાલા પ્રોજેકટ અમલી બનાવી જળ પરિવહનના વિકાસની સાથે પ્રવાસન સેકટરને પણ બૂસ્ટ આપવા ઘડાતો તખ્તો

સાગરમાલા સી પ્લેન સર્વિસ હેઠળ સુરત થી દ્વારકા, માંડવી અને કંડલા વચ્ચે સી પ્લેન સેવા શરૂ કરવા માટે કેન્દ્રીત બંદર, જહાજ અને જળ માર્ગ મંત્રાલય દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

કેન્દ્રીય બંદર જહાજ અને જળ મંત્રાલય દ્વારા તાજેતરમાં એર લાઈન્સ ઓપરેટરોને સાગરમાલા સી પ્લેન સર્વિસના સંયુક્ત સહકાર માટે આમંત્રીત કરવામાં આવ્યા હતા. જે મુજબ આંદામાન અને નિકોબાર તથા લક્ષદ્વીપ તથા આસામના ગૌહાટી રિવર ફ્રન્ટ અને ઉમરાંસો રિઝર્વ, યમુના રિવર ફ્રન્ટ/દિલ્હીથી અયોધ્યા તેહરી, શ્રીનગર, ચંદીગઢ સહિતના અનેક ટુરિસ્ટ પ્લેસ સુધી તેમજ પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પણ સી-પ્લેન સેવા શરૂ કરવા માટે ઓપરેટરોને આમંત્રણ અપાયું છે.

મુંબઈથી શીરડી, લોનાવાલા તથા સુરતથી દ્વારકા, માંડવી અને કંડલા સહિતના સ્થળે સી પ્લેન સેવા શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

કેન્દ્રીય બંદર, જહાજ અને જળ મંત્રાલય દ્વારા એર લાઈન્સ ઓપરેટરોને આમંત્રણ આપવા જાહેરાતો પ્રકાશીત કરવામાં આવી છે. અહીં નોંધનીય છે કે, સાગરમાલા પ્રોજેકટ મોદી સરકારનો સૌથી અગત્યના પ્રોજેકટ પૈકીનો એક છે જેમાં જળ માર્ગોને એકબીજા સાથે જોડીને વધુને વધુ જળ પરિવહનને મહત્વ આપવામાં આવશે. ભારતમાં મસમોટો દરિયા કિનારો છે. ખાસ કરીને ગુજરાતને વિશાળ દરિયાકાંઠાનો લાભ મળે છે. આવી સ્થિતિમાં જળ માર્ગોનો મહત્તમ ઉપયોગ પરિવહનનો ખર્ચ ઘટાડી શકે.

 માર્ગ પરિવહન કે હવાઈ પરિવહન કરતા જળ માર્ગથી થતું પરિવહન એકંદરે સસ્તુ હોય છે.

બીજી બાજુ દેશના ઘણા વિસ્તારોમાં પ્રવાસન સ્થળ વિકસી શકે તેવી ક્ષમતા છે. અત્યાર સુધી આવા વિસ્તારોમાં પ્રવાસીઓ માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નહોતી હવે પરિવહનની સાથે પ્રવાસનને જોડીને પણ મોટુ ભંડોળ રળી શકાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા દરિયા-નદી કિનારે મોટા ગોડાઉન કે સંગ્રહની જગ્યાઓ માટે પણ આમંત્રણ અપાયું હતું. નાના વેપારીઓ કે ઉત્પાદકો ચોક્કસ વસ્તુનું સંગ્રહ વિવિધ સ્થળે કરી શકે તે માટેની યોજના હતી.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી દ્વારા મહત્વકાંક્ષી સાગરમાલા યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય ભાગ ઈન્ફાસ્ટ્રકચરના વિકાસનો હતો. બંદર આધારિત વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં મંત્રાલય દ્વારા કાર્યક્રમ ઘડી કઢાયો હતો.

૭૫૦૦ કિ.મી. લાંબા દરિયાકાંઠા તેમજ ૨૧૦૦૦ કિ.મી. જળ માર્ગનો ઉપયોગ થઈ શકે તે માટે યોજનાઓ ઘડી કાઢવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.