રેપોરેટ ઉપર ફરી ચાલી કાતર: ૪.૪૦થી ઘટાડી ૪ ટકા થયો

રિવર્સ રેપોરેટ ૩.૭૫ ટકાથી ઘટાડી ૩.૩૫ ટકા કરાયો: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની જાહેરાતો

કોરોના સંકટના પગલે વડાપ્રધાન મોદીએ સરેરાશ ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આખું પેકેજ કેવી રીતે વપરાશે તેની રૂપરેખા નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા અપાઈ ચૂકી છે. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે રેપોરેટ ઘટાડવાની જાહેરાત કરી છે. આ ઘટાડાના કારણે આરબીઆઈનો રેપોરેટ ૪.૪૦ ટકાથી ઘટીને ૪ ટકા થઈ ગયો છે.

આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં એમપીસી દ્વારા સ્થાનિક અને ગ્લોબલ માહોલની સમીક્ષા કરાઈ હતી. ત્યારબાદ રેપોરેટમાં ૦.૪૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. નોંધનીય છે કે, લોકડાઉન દરમિયાન એવું બીજી વખત બની રહ્યું છે. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપોરેટ ઉપર કાતર ચલાવી હોય. ગત ૨૭ માર્ચના રોજ આરબીઆઈના ગવર્નરે ૦.૭૫ ટકા ઘટાડાની જાહેરાત કરી હતી. ત્યારબાદ બેંકોના લોન ઉપરના વ્યાજદર પણ ઓછા કર્યા હતા. જેના પગલે લોન લેનારા લોકોના હપ્તાની રકમ ઘટી ગઈ છે.

પ્રથમ છ માસિક જીડીપી ગ્રોથ નેગેટિવ રહેશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરે જણાવ્યું હતું કે, પ્રથમ છ માસીકમાં ભારતનો જીડીપી ગ્રોથ ૨૦૨૦-૨૧માં નેગેટીવ રહેશે. બીજા ભાગમાં થોડા અંશે તેજી જોવા મળશે. લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધિઓ ખુબજ ઓછી થઈ ચૂકી છે. છ મોટા ઔદ્યોગીક રાજ્યોમાં મોટાભાગનો વિસ્તાર રેડ ઝોનમાં હોવાથી અર્થતંત્ર પર અસર પડી છે. માર્ચમાં કેપીટલ ગુડ્સના ઉત્પાદનમાં ૩૬ ટકાનો ઘટાડો થયો છે. કન્ઝયુમર ડ્યુરેબલ પ્રોડકટનું ઉત્પાદન પણ ૩૩ ટકા પડ્યું છે. ઔદ્યોગીક ઉત્પાદનમાં પણ ૧૭ ટકા ઘટાડો થયો છે. મેન્યુફેકચરીંગ ૨૧ ટકા ઘટયું છે. આગામી ૬ મહિના મોંઘવારી ખુબજ વધશે અને ત્યારબાદ ૬ મહિનામાં નરમાશ આવશે તેવા સંકેતો આપ્યા હતા.

આરબીઆઈના નિર્ણયથી બેંકોને રાહત મળી

રિવર્સ રેપોરેટમાં ઘટાડાના પગલે બેંકોને રાહત થશે. બેંકોને ધિરાણ મેળવવામાં મુશ્કેલી પડશે નહીં. નાના અને મધ્યમ ઉદ્યોગોને પડેલી મુશ્કેલી ઘટશે. ટીએલટીઆરઓ ૨.૦ની જાહેરાત પણ થશે. અગાઉ ૨૭ માર્ચે રિઝર્વ બેંકે ટર્મ લોનના હપ્તાની વસુલી ૩ મહિના સુધી ટાળવાનો નિર્ણય પણ લીધો હતો. અહીં નોંધનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા છેલ્લા બે મહિનામાં ત્રીજી વખત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે.

Loading...