Abtak Media Google News

‘ભગવા’ના વેશમાં સ્વામી નારાયણના સાધુ નીકળ્યો શેતાન

પાલિતાણાના કુંભાખાખડીયાના શખ્સ સ્વામી નારાયણના સાધુ બની ‘ઠગ’ ગેંગ બનાવી અનેક જમીન કૌભાંડ અને ચેક રિટર્ન સહિતના ૪૦થી વધુ ગુનામાં સંડોવણી: સાત વર્ષ પહેલાંના આચરેલા વડોદરાના જમીન કૌભાંડમાં પાખંડી સાધુ સહિત આઠની ધરપકડ

ભગવાના વેશમાં સ્વામી નારાયણના સાધુ બની છેલ્લા ૨૫ વર્ષમાં એક પછી એક કૌભાંડ આચરી કરોડોની છેતરપિંડી કર્યા બાદ વડોદરા પાસેના નંદોર તાલુકાના ઢેફા ગામે સાત વર્ષ પહેલાં આચરેલા ૩૦૦ એકર જમીન કૌભાંડના ગુનામાં સીઆઇડી ક્રાઇમના સ્ટાફે ધરપકડ કરી રિમાન્ડ પર લેતા સાધુના વેશમાં રહેલા શૈતાનનો અસલી ચહેરો બહાર આવ્યો છે. દામનગર ખાતે સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ઉભુ કરી કૌભાંડ આચરતા સ્વામી નારાયણ સાધુના રાષ્ટ્ર વ્યાપી કૌભાંડ બહાર આવતા સનસનાટી મચી ગઇ છે.

દામનગર ખાતે સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ બનાવી પોતે સ્વામી નારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હોવાનો ઢોગ કરી જમીનના ટોકન આપી કૌભાંડ આચરવામાં પંકાયેલા પાલિતાણા તાલુકા કુંભાખાખડીયાના બુચ પટેલમાંથી સ્વામી વિષ્ણુચરણદાસ બનેલા ઢોંગી સાધુની સીઆઇડી ક્રાઇમના સ્ટાફે મહારાષ્ટ્રના થાણેથી ધરપકડ કરી રિમાન્ડ પર લીધો છે.

મુળ અમરેલી પંથકના અને નવસારી ખાતે સ્થાયી થયેલા જમીન મકાનના ધંધાર્થી મધુભાઇ ભીમજીભાઇ કીકાણીએ ૨૦૧૨માં વડોદરા પોલીસમાં ભરૂચના ઘનશ્યામ હરદાસ પરસાણા, ભાવનગરના ભરત મનજી ગધાદ્રા, તેનો ભાઇ જયસુખ મનજી, સુરત જમીન દલાલ મનહર માધુ ચોપડા, મયુર નનુ પરસાણા, લખમણ સવજી માંગરોલીયા, નવસારીના ઉમેશ રમેશ ઠુમ્મર, વડોદરાના જ્યોતી કિરીટ જોષી અને દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના સ્વામી વિષ્ણુચરણદાસ સામે નંદોર તાલુકાના ઢેફા ગામની ૩૦૦ એકર જમીન કૌભાંડ અંગે ફરિયાદ નોંધાવી હતી.

મધુભાઇ કીકાણીની ફરિયાદ અંગે હાઇકોર્ટ દ્વારા પોલીસને તાકીદે તપાસ કરવાના આદેશ કરતાં લાંબા સમય બાદ સ્વામી વિષ્ણુંચરણદાસની મહારાષ્ટ્રના થાણે ખાતેથી સીઆઇડી ક્રાઇમના સ્ટાફે ધરપકડ કરી રિમાન્ડ પર મેળવ્યા હતા.

સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના સ્વામી વિષ્ણુચરણદાસ ઉર્ફે બચુ પટેલે સુરતના જમીન દલાલ મનહર મધુ ચોપરા અને મયુર નનુ પરસાણાને નવસારીના મધુભાઇ કીકાણી પાસે સોનાની લગડી જેવી જમીન વડોદરાના નંદોર પાસેના ઢેફા ગામે ૩૦૦ વેચવાની પોતાની પાસે આવ્યાની લોભામણી લાલચ દઇ તેના ગ્રાહક પણ પોતાના ધ્યાનમાં હોવાનું કહી મધુભાઇ કીકાણીને ફસાવ્યા હતા.

ઢેફા ખાતેની ૩૦૦ એકરના જમીનના ઘનશ્યામ હરદાસ પટેલને બોગસ માલિક બનાવી સોદો કરાવી રૂ.૨.૧૦ કરોડનું પમેન્ટ કરાવ્યું હતું. અને બંને જમીનના દલાલોએ દામનગર ખાતેના સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના સ્વામી વિષ્ણુચરણદાસ જમીન ખરીદ કરવા માગતા હોવાનું કહી ઢેફા ખાતેની ૩૦૦ એકર જમીનનો સ્વામી વિષ્ણુચરણદાસનો સંપર્ક કરાવી જમીનનો સોદો કરાવતા સ્વામી વિષ્ણુચરણદાસે રૂ.૧.૨૫ લાખ રોકડા અને રૂ.૫ કરોડના ચેક આપતા મધુભાઇ કીકાણીને આપેલા તમામ ચેક રિટર્ન થયા હતા અને જમીનનો માલિક બનીને આવેલો ઘનશ્યામ પણ સ્વામી વિષ્ણુચરણદાસનો જ મળતીયો હોવાનું તેમજ બંને દલાલ પણ તેના જ સાગરીત હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

થાણે ખાતેથી ઝડપાયેલા સ્વામી વિષ્ણુચરણદાસ સામે ૪૦થી વધુ ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશક ભૂંકપનો લાભ ખાટવા કચ્છના ભંડેરી પરિવારને પણ શીશામાં ઉતાર્યાનું અને ભાવનગરના ધનાઢય પરિવારના નિવૃત પી.એસ.આઇ.નું પણ કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવતા તેને દામનગર ખાતેના તેના સંકુલમાં લમધાર્યાનું બહાર આવ્યું છે. સ્વામી વિષ્ણુચરણદાસે બેન્કની ૩ કરોડની લોન મેળવી કૌભાંડ આચરી લાંબા સમયથી ફરાર હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.