Abtak Media Google News

શરદોત્સવ નિમિત્તે ઠેર-ઠેર મહારાસના આયોજનો: રઢિયાળી રાતને વધાવવા ખેલૈયાઓ આતુર: ડાકોર, દ્વારકા, નાથદ્વારા, ગોકુળ, મથુરા અને વૃન્દાવન સહિતના કૃષ્ણધામોમાં પૂનમ ભરવા ભાવિકોના ઘોડાપૂર ઉમટશે: રાજા રણછોડરાયને આજે દિવ્ય શણગાર કરી દૂધ-પૌઆ અને ખીરના પ્રસાદનું થશે વિતરણ

નવરાત્રી પૂર્ણ થયા પછી પણ ખેલૈયૌઓનો ગરબાનો રંગ ઉતરતો નથી. મન તો હજુ પણ ગરબે ઘૂમવા ઉત્સુક હોય છે. ચાર-પાંચ દિવસના વિરામ બાદ રાસ-રસિકોને ફરી પાછા ગરબા રમવાનો મોકો ફકત આપણા ગુજરાતમાં જ મળે છે. ગુજરાતમાં શરદપૂનમનાં દિવસે ઠેર-ઠેર શરદોત્સવનાં મોટા મોટા આયોજનો કરવામાં આવે છે. દિપાવલીનાં આગમન અને નવરાત્રીના રુમઝુમની વિદાય વચ્ચેની રઢિયાળી રાત એટલે શરદપૂર્ણિમા.પૂનમ તો દર મહિનામાં આવે છે પરંતુ આસોમાસની પૂનમનું અનેકગણુ મહત્વ છે.

આજે શરદોત્સવને ઉજવવા સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર ભવ્ય રાસોત્સવનાં આયોજનો કરવામાં આવશે. લોકો આજે દૂધ-પ્રૌઆ અને ખીરનું સેવન કરી શરદપૂર્ણિમાની ઉજવણી કરશે. શરદપૂનમની રાત્રીએ વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણે રાધા અને ગોપ-ગોપીઓ સાથે મહારાસ કર્યો હતો. એટલે ઠાકોરજીના ચાહકોને પણ શરદપૂનમ અતિ વહાલી હોય છે. આજે ડાકોર, દ્વારિકા, નાથદ્વારા, ગોકુળ, મથુરા અને વૃંદાવન સહિતના કૃષ્ણધામોમાં રાજા રણછોડરાયને દિવ્ય મુકુટ શણગાર કરવામાં આવશે. શરદ પૂર્ણિમાના પાવન દિવસે કૃષ્ણધામોમાં ભાવિકોની ભીડ દર્શનાર્થે ઉમટી પડશે. ખાસ કરીને આજે દ્વારકામાં પૂનમ ભરવા કૃષ્ણ ભક્તોના ઘોડાપૂરઉમટશે.રાજકોટમાં પણ આજે શરદપૂનમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ ઉપરાંત વિવિધ શાળા-કોલેજો તેમજ જુદા જુદા આયોજકો દ્વારા ઠેર-ઠેર શરદોત્સવના આયોજનો કરવામાં આવ્યા છે. શરદપૂનમ નિમિત્તે એક દિવસીય રાસોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવી શરદપૂનમની ઉજવણી કરશે. કેટલાક સ્થળો ઉપર સાર્વજનિક રીતે દૂધ-પૌઆ અથવા ખીરના પ્રસાદનું વિતરણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.