Abtak Media Google News

આફતને અવસરમાં પલ્ટી નાખવામાં માહેર ભાજપે કોંગ્રેસે ઉભા કરેલા પડકારોને સાચવવામાં કોંગી હાઇકમાન્ડ  જ નિષ્ફળ નીવડતા તકનો લાભ લઇને લોકસભાની ચુંટણી પહેલા સૌરાષ્ટ્રના રાજકારણનું ચિત્ર બદલી નાખવા હાથ ધરેલા મિશનને સફળતા મળી રહી છે

વિશ્વ ર૧મી સદીમાં પહોંચીને જ્ઞાતિ-જાતિ ધર્મના બંધનો તોડીને વિકાસની તરફ દોડ મૂકી રહ્યું છે ત્યારે ભારતમાં હજુ ૧૮મી સદી ચાલતી હોય તેમ જ્ઞાતિવાદ હજુ પણ કટ્ટરપણે પ્રવર્તતી રહ્યો છે. દરેક ચૂંટણી નજીક આવે ત્યારે જ્ઞાતિવાદ પ્રબળ બને છે. તમામ રાજકીય પક્ષો ઉમેદવારની પસંદગી પણ જ્ઞાતિ સમીકરણોને ઘ્યાનમાં રાખીને કરે છે. જેથી એમ કહી શકાય કે દેશમાં ચુંટણીના ઉમેદવારથી માંડીને પરિણામો જ્ઞાતિવાદના આધારે જ નકકી થાય છે. લોકસભાની  ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ્ઞાતિવાદના ઓછાયા સહિકતા વિવિધે મુદ્દાઓ પર સૌરાષ્ટ્રનું રાજકારણ કરવટ બદલી રહ્યું છે.

આગામી લોકસભાની ચુંટણીની ગમે ત્યારે જાહેર થવાની સંભાવના વ્યકત થઇ રહી છે. ત્યારે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં ઉથલ પાથલ મચી જવા પામી છે. ગઇકાલે સૌરાષ્ટ્રના બે કોંગ્રેસી ધારાસભ્યો જવાહર ચાવડા અને પરસોત્તમ સાબરીયાએ અચાનક ધારાસભ્યપદેથી રાજીનામા આપી દેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં સન્નાટો મચી જવા પામ્યો હતો. ઓબીસીમા આવતી મોટી જ્ઞાતિઓ આહિર અને કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતા આ બન્ને કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપતા સૌરાષ્ટ્રમાં જ્ઞાતિવાદના આધારે ચાલતા રાજકારણને સમજવાના કંોગ્રેસ ની નેતાગીરી નબળી પડી રહ્યાું ખુલવા પામ્યું છે.

જયારે, ભાજપે કોંગ્રેસની નબળી નેતાગીરીનો લાભ લઇને મોટી વોટબેંક ગણાતી જ્ઞાતિઓના ધારાસભ્યો, આગેવાનોને લોકસભાની ચુંટણી પહેલા પોતાની તરફે ખેંચવાનું શરુ કર્યુ છે.જે માટે ભાજપ હાઇકમાન્ડે ખાસ વ્યહુ રચના ઘડી કાઢીને કોંગ્રેસના તાકાતવાળા ધારાસભ્યોને શામ, દામ, દંડ અને ભેદની નીતી અપનાવીને તોડવા માટે ઓપરેશનો હાથ ધરી રહી છે. સૌરાષ્ટ્રમાં જ્ઞાતિના મતોનું વિભાજન થઇ રહ્યું હોય આ વિભાજનને રોકીને અંકે કરવામાં ભાજપ કોંગ્રેસને દરેક તબકકે મ્હાત આપી છે.

ભાજપે રાજયમાં સૌથી વધારે એવા ઓબીસી સમાજના મતદારો પર ઘ્યાને કેન્દ્રીય કરીને આ સમાજમાં મોટા ગણાતા કોળી અને આહિર સમાજના કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોને પોતાની તરફે ખેંચવાનો વ્યહુ અપનાવ્યો છે. જેના ભાગરુપે રાજયમાં મોદી લ્હેર વચ્ચે પણ જસદણ અને માણાવદરમાં કોંગ્રેસને વિજયી બનાવનારા કુંવરજીભાઇ બાવળીયાને ભાજપમાં ખેંચીને કેબીનેટ મંત્રી બનાવ્યા બાદ હવે જવાહરભાઇ ચાવડાને પણ રાજીનામુ અપાવી દઇને કેસરીયો ધારણ કરાવ્યો છે. જવાહરભાઇને જુનાગઢ જીલ્લા કોંગ્રેસમાં ચાલતા એક ચક્રી શાસન સામે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ નડતરો ઉભી કરી હતી.

જેથી, જેમનો પરિવાર દાયકાઓથી કોંગ્રેસ સાથે જોડાયેલો હતો તેવા જવાહરભાઇએ કોંગ્રેસનો હાથ છોડવો પડયો હતો. જવાહરભાઇના પિતા સ્વ. પેથલજીભાઇ ચાવડા, ધારાસભ્ય હતા ત્યારથી તેમને પૂર્વ મુખ્યમંત્રી અને ખામ થિયરીના જનક માધવસિંહ સોલંકી સાથે ભાઇથી વિશેષ મિત્રતા હતી.

જવાહરભાઇને પણ ભરતસિંહ સોલંકી સાથે ગાઢ મિત્રતા હતી. કોંગ્રેસના આવા પારિવારીક વાતાવરણ છતાં જવાહરભાઇએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવું પડયું તેવા કયાં સંજોગો નિર્માણ થયા? તે મુદ્દે કોંગ્રેસી હાઇકમાન્ડે સઘન વિચારણા કરવાની જરુરીયાત છે.

 

રાજકીય વર્તુળોમાં ચાલતી એક ચર્ચા મુજબ પોરબંદરથી બેઠક પર લાંબા સમયથી બિમાર વિઠ્ઠલભાઇ રાદડીયાની જગ્યાએ તેના પુત્રને ટીકીટ આપવાનો ભાજપે નિર્ણય કર્યો છે. પરંતુ જેને ટીકીટ મળશે તે વિઠ્ઠલભાઇ જેવી તાકાત થી ચુંટણી લડી શકે તેવી સંભાવના ખુબ ઓછી હતી.

જેથી લોકસભાની પોરબંદર બેઠક પર આવતા માણાવદરના કોંગ્રેસી ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાના ભાજપ હાઇકમાન્ડે ટારગેટ ગોઠવ્યું હતું. જવાહરભાઇ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા સાથે મિત્રતાના સંબંધો હોય આ દાવે તેમના પર દબાણ લાવીને કોંગ્રેસમાં ઉભા થયેલાં અડચણોની યાદ અપાવીને તેમને કેબીનેટ મંત્રી પદ આપવાની શરતે ભાજપમાં ખેંચવામાં આવ્યા છે.

જવાહરભાઇ ને ભાજપમાં લાવીને ભાજપી હાઇકમાન્ડે સૌરાષ્ટ્રમાં મહત્વપૂર્ણ મનાતા આહિર મતદારોના મતોને અંકે કરવા મહત્વપૂર્ણ પગલું લીધું છે તેમ માની શકાય. હાલમાં પોરબંદરની બેઠક પર વિઠ્ઠલભાઇના બીજા પુત્ર લલીત રાદડીયાનું નામ ટીકીટના દાવેદારોમાં ચાલી રહ્યું છે પરંતુ ભાજપ આ બેઠકપર કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાને લડાવશે તેવું રાજકીય નિરીક્ષકોનું માનવું છે.

કોળી સમાજમાંથી આવતા હળવદના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા રાજકારણમાં નવા ગણાય છે. જેથી તેમને આ રાજકીય અપરિપકવતાના અભાવે તેઓ સિંચાઇ કૌભાંડમાં લાંચ લેવાના કેસમાં ફસાયા ગયા હતા. જેના કારણે તેઓને લાંબા સમય સુધી જેલવાસ ભોગવવો પડયો હતો.

પરસોતમભાઈને પોતે વિપક્ષમાં હોવાથી લાંબા સમયસુધી આ જેલવાસ ભોગવવો પડયો છે. તેવી માન્યતા ધણા સમયથી દ્દઢ બની ગઈ હતી જેથી, ભાજપ હાઈકમાન્ડે તેને સરળતાથી ટારગેટ બનાવીને ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ અપાવ્યું હતુ જેથી, સૌરાષ્ટ્રમાં ઓબીસીમાં આવતી બે મોટી જ્ઞાતિઓ કોળી અને આહિર સમાજના કોંગ્રેસી ધારાસભ્યોને ફોડી લઈના ભાજપે આ બંને સમાજના નોંધપાત્ર મતદારોના મતોનું વિભાજન રોકીને અંકે કરવાનોવ્યૂહ અપનાવ્યો છે.

કોળી સમાજ ગુજરાતની ૨૩ બેઠકો પર વર્ચસ્વ ધરાવે છે. જેથી ભાજપને સીધો લાભ રાષ્ટ્રીય નીરીક્ષકો જોઈ રહ્યા છે. ભાજપે કોળી સમાજના કોંગ્રેસના લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ પટેલ અને માંગરોળના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

જેમાં સોમાભાઈને ભાજપમાં લાવીને લોકસભાની સુરેન્દ્રનગર બેઠક પર લડાવવાનો વ્યૂહ અજમાવવા માટે વિચારણા થઈ રહી છે. જયારે વિમલ ચુડાસમાને ખેંચીલઈને જૂનાગઢ બેઠક પર પ્રભાવશાળી કોળી સમાજના મતોને વધારે ખેંચવા માટે ભાજપે નિશ્ર્ચિત કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે જામનગરની લોકસભા બેઠક પર ભાજપ જ્ઞાતિવાદને સંતુલીત કરવા ક્ષત્રીય સમાજના રીવાબા જાડેજાને ટીકીટ આપે તેવું ચર્ચાઈ રહ્યું છે. જામનગરનાં ધારાસભ્ય હકુભા જાડેજા આ બેઠક પર ક્ષત્રીય ઉમેદવાર તરીકે પોતાની મજબુત દાવેનારી કરી રહ્યા છે. ત્યારે કોથળામાંથી બિલાડુ કાઢવામાં માહિર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને તાજેતરમાં ભાજપમાં લાવ્યા હતા. જેથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહેલી વિગતો મુજબ યુવા ચહેરા રીવાબા જાડેજાને ટીકીટ આપી ભાજપ ક્ષત્રીયોને પ્રતિનિધ્વિ આપીને તેમના મતોને પણ અંકે કરવા માટે પ્રયત્નો કરી રહ્યું છે.

કોંગ્રેસમાંથી જે રીતે એક પછી એક ધારાસભ્યોની વિકેટ ખડી રહી છે. તેની પાછળ કયાંક ને કયાંક પાસના ક્ધવીનર હાર્દિક પટેલની ભૂમિકા રહેલી છે. ઉંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે આપેલા રાજીનામામાં પડદા પાછળ હાર્દિકનીભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપની પરંપરાગત વોટબેંક ગણાતા પાટીદારોને ભાજપથી વિમૂખ કરવામા હાર્દિકની મહત્વનીભૂમિકા છે. જેથી, ભાજપે ઓબીસી મતદારો પર ધ્યાન કેન્દ્રીત કરીને કોંગ્રેસમાં રહેલા ઓબીસી ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવાની શરૂઆત કરી હતી. રેશમા પટેલે પોરબંદરની બેઠક પર લડવાની જાહેરાત કરી છે. પરંતુ તેઓ પણ છેલ્લી ઘડીએ પાણીમાં બેસી જાય તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. મોરબીનાં કડવા પાટીદાર ધારાસભ્ય બ્રિજેટ મેરજા પર પણ ભાજપે ધ્યાન કેન્દ્રીત કરીને નારાજ કડવા પાટીદારોને પોતાની તરફ ખષંચવા ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.