Abtak Media Google News

વિદર્ભનો બીજો દાવ ૨૦૦ રનમાં સમેટાયો: ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ૬ વિકેટો ખેડવી: બેટસમેનો રંગ રાખશે તો સૌરાષ્ટ્ર પ્રથમવાર બનશે રણજી ટ્રોફી ચેમ્પીયન

નાગપુર ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં ચેમ્પીયનશીપ હાંસલ કરવા અને સૌરાષ્ટ્રની ટીમને ૨૦૬ રનનો લક્ષ્યાંક પ્રાપ્ત થયો છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કમલેશ મકવાણાની ગુગલી સામે આજે વિદર્ભના બેટસમેનો રીતસર ડાન્સ કરતા નજરે પડયા હતા. વિદર્ભનો બીજો દાવ માત્ર ૨૦૦ રનમાં સમેટાઈ ગયો હતો જો સૌરાષ્ટ્રના બેટસમેનો હવે પોતાના કાંડાનો કમાલ બતાવશે તો પ્રથમ વખત રણજી ટ્રોફીમાં ચેમ્પીયન બનવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરશે.

ગત રવિવારથી નાગપુર ખાતે શરૂ થયેલી રણજી ટ્રોફીના ફાઈનલ મેચમાં વિદર્ભની ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિદર્ભની ટીમે પહેલા દાવમાં ૩૧૨ રન બનાવ્યા હતા જેના જવાબમાં સૌરાષ્ટ્રે ઓપનર સ્નેલ પટેલની લડાયક સદીની મદદથી ૩૦૭ રન બનાવ્યા હતા. વિદર્ભને પ્રથમ દાવમાં માત્ર ૫ રનની લીડ મળતા મેચ રોમાંચક બની જવા પામી હતી. દરમિયાન આજે ચોથા દિવસે સૌરાષ્ટ્રના સ્પીનર ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કમલેશ મકવાણાએ પોતાની ફિરકી પર રિતસર વિદર્ભના બેટસમેનોને નચાવ્યા હતા.

એક તબકકે વિદર્ભની અડધી ટીમ માત્ર ૭૩ રનના સ્કોરે પેવીલિયન ભેગી થઈ ગઈ હતી જોકે પ્રથમ દાવની માફક બીજા દાવમાં પણ પુછડીયાઓએ મકકમતાપૂર્વક સૌરાષ્ટ્રના બોલરનો સામનો કર્યો હતો. અંતિમ પાંચ વિકેટ માટે વિદર્ભના બેટસમેનોએ મહત્વપૂર્ણ ૧૨૭ રન ઉમેર્યા હતા.

વિદર્ભનો બીજો દાવ માત્ર ૨૦૦ રનમાં સમેટાઈ ગયો છે. પ્રથમ દાવની પાંચ રનની લીડ સાથે સૌરાષ્ટ્રને વિદર્ભે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ જીતવા માટે ૨૦૬ રનનો લક્ષ્યાંક આપ્યો છે. મેચના ચોથા દિવસથી જે રીતે વિકેટ ટર્ન લઈ રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આ સ્કોર પણ સૌરાષ્ટ્ર માટે પડકારજનક બની રહેશે. સૌરાષ્ટ્રવતી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ૯૬ રનમાં ૬ વિકેટો ઝડપી હતી જયારે કમલેશ મકવાણાએ ૨ વિકેટ ખેડવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.