Abtak Media Google News

યુનિવર્સિટીના તમામ ભવન અને કોલેજોમાં પ્રવેશની ઓનલાઈન પ્રક્રિયા કરવા નિર્ણય ધો.૧૨ સીબીએસઈની પરીક્ષા બાકી હોવાથી ૧૦ ટકા સીટ અનામત રખાશે: ૨૫ જૂનથી પીજીની પરીક્ષાઓ લેવાશે: પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયાની પરીક્ષા ગત વર્ષની જેમ જ લેવાશે

કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સહિત દેશભરની શાળા-કોલેજો હાલ બંધ છે ત્યારે  સરકારના આદેશ મુજબ આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમબીએ ભવન ખાતે કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપ કુલપતિ ડો.વિજય દેસાણીની અધ્યક્ષતામાં સર્વે સિન્ડીકેટ સભ્યો અને ૧૪ ફેકલ્ટીના ડીનની એક બેઠક મળી હતી. જેમાં પ્રવેશ પ્રક્રિયા અને નવું શૈક્ષણિક સત્ર ક્યારે ચાલુ કરવું તે વિશે વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા અને અંતે જાહેર કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નવું શૈક્ષણિક સત્ર આગામી ૨૧મી જૂનથી શરૂ થશે અને જ્યાં સુધી સરકારની સુચના ન મળે ત્યાં સુધી ઓનલાઈન જ ભણાવવામાં આવશે.

આ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારના આદેશ મુજબ આજરોજ યુનિવર્સિટીના એમબીએ ભવન ખાતે પરીક્ષા અને પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે તાકીદે એક મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં વિવિધ ચાર મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, આગામી તા.૨૧મી જૂનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોનું નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવશે. યુનિવર્સિટીમાં તેમજ સરકારી ગ્રાન્ટેડ કે, ખાનગી કોલેજોમાં પણ જયાં સુધી શિક્ષણ વિભાગની સુચના ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીને ઘર બેઠા ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, આ ઉપરાંત વર્ષ ૨૦૨૦-૨૧ની વિદ્યાર્થીઓની પ્રવેશ બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે તે કોલેજો પોતાના લેવલે નક્કી કરી વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ જ આપી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે અને આ મુદ્દે તમામ કોલેજોને આ મુદ્દે પરિપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાહેર કરશે.

વધુમાં દેસાણીએ જણાવ્યું કે, જે પરીક્ષાઓ બાકી છે તેના આયોજન અંગે ચર્ચા-વિચારણા થઈ હતી અને આગામી તા.૨૫મી જૂનથી પીજીની અને યુજીની સેમ-૬ની બાકી રહેતી પરીક્ષાઓ તબક્કાવાર લેવામાં આવશે અને પુરા સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને એક બેંચમાં એક જ વિદ્યાર્થી બેસે તેવા આયોજન વચ્ચે પરીક્ષા ગોઠવવામાં આવશે. આ ઉપરાંત એમ.ફીલની પરીક્ષા પણ લેવામાં આવશે જેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને ગત વર્ષની જેમ આ વર્ષે પણ પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા ઓનલાઈન જ લેવામાં આવશે.

કોલેજોએ જે તે, કેટેગરીમાં પ્રવેશ આપતી વખતે ધો.૧૨ સીબીએસઈનું પરિણામ જાહેર થવાનું બાકી હોય તેને લઈ ૧૦ ટકા સીટ અનામત અને ઈડબલ્યુએસની પણ ૧૦ ટકા સીટ અનામત રાખવામાં આવશે. જ્યાં સુધી ઉચ્ચ શિક્ષણ દ્વારા કોઈ સુચના આપવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીને ઘરબેઠા જ ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે અને આ માટે જે તે કોલેજોએ પોતાની રીતે સુવિધા કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.