Abtak Media Google News

ભૌતિક શાસ્ત્ર ભવનના સંશોધકોએ ૧૮ આંતરરાષ્ટ્રીય સંશોધનો પ્રકાશીત કરી સ્થાપ્યો રેકોર્ડ: અમેરિકા અને યુ.કે.ના સામાયિકોમાં પ્રતિષ્ઠીત સંશોધનને સ્થાન: એક જ વર્ષમાં ઉચ્ચ ઉમ્પેકટ ફેકટરના આંતરરાષ્ટ્રીય સંશોધનમાં સ્થાન મેળવી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું

વર્ષ ૨૦૨૦ કોરોના કાર્યકાળમાં એક સિક્કાની બે બાજુ જોઈ શકાય તેમ છે. જેમાં એક તરફ પ્રત્યેક રાષ્ટ્રની તમામ કાર્ય વિધિઓ અને ગતિવિધિઓ બદલાઈ ગઈ છે ત્યારે બીજીબાજુ વૈશ્ર્વિક સ્તરે એક અનેરો સ્ત્રોતની જરૂરીયાત અનિવાર્ય બની ગઈ છે. જે સામાન્ય વ્યક્તિથી દુનિયાના દરેક વ્યક્તિ માટે ઉપયોગી સાબીત થઈ રહી છે. કોરોનાની વેકસીન હોય કે આધુનિક તબીબી સારવાર આપતા ગેજેટ કે વ્યાપાર, ઉદ્યોગ, શિક્ષણ, ઈલેકટ્રોનિક ગેજેટોમાં દેશ-વિદેશના વૈજ્ઞાનિકોને પોતાનું આગવું પ્રદાન કોરોના મહામારીમાં પણ સતત કાર્યશીલ રહી યથાશક્તિ આપી રહ્યાં છે. આવી જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવનના ૨૫ જેટલા સંશોધકોની ટીમે ૧૮ જેટલા આંતરરાષ્ટ્રીય સંશોધનો એક વર્ષમાં અમેરિકા, યુકે, જાપાન વગેરે દેશોના સામાયિકોમાં પ્રસિધ્ધ કરાવી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફિઝીકસ વિષયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું છે. વિશ્ર્વના ટોચના વૈજ્ઞાનિકોએ તમામ સંશોધનનો રિવ્યુ કરી મંજૂરીની મહોર મારી સંશોધનને બિરદાવેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભૌતિક શાસ્ત્ર ભવનની ફંકશનલ ઓકસાઈડ લેબોરેટરીને સતત કાર્યશીલ રાખી ફિઝીકસના યુવા સંશોધકોએ કોમ્પ્યુટરમાં મેમરી ઉપયોગ ડિવાઈસ, સીરામીક ઈન્ટરનેશનલમાં ઉર્જાના સંગ્રહમાં ઉદ્યોગી સુપર કેપેસીટરના મટીરીયલ્સ, જનરલ ફોર સોલીડ કેમેસ્ટ્રી અલ્ટ્રા સેન્સેટીવ સેન્સર, વીજ શક્તિના બચાવમાં ઉપયોગી મેટલ ઓકસાઈડ સહિતના સંશોધનોને વૈજ્ઞોનિકોની ચકાસણી બાદ પ્રકાશીત થયા છે. જેનાથી ભવિષ્યની ટેકનોલોજીમાં નોંધપાત્ર ફેરફાર શક્ય બનવાના છે. ભૌતિક શાસ્ત્ર ભવનના ૧૮ જેટલા સંશોધનોની નોંધ લઈ ભારત સરકારના એટોર્મીક એનજી ભવન, સેન્ટર ફોર સાયન્ટીફીક રીસર્ચ, આઈયુએસસીની રાષ્ટ્રીય સંશોધન સંસ્થા મારફત રૂા.૫૦ લાખથી વધુ અનુદાન આપવામાં આવ્યું છે.

કોરોનાની મહામારીના લોકડાઉન સમયમાં પ્રો.નિકેશ શાહ અને ડો.પી.એસ.સોલંકીના માર્ગદર્શન હેઠળ ભૌતિક શાસ્ત્ર ભવનના યુવા સંશોધકો ડો.દેવીત ધ્રુવ, ડો.કૃણાલસિંહ રાઠોડ, ડો.કેવલ ગદાણી, ડો.સંજય કંસારા, હેતલ બોરીચા, ડો.વિપુલ શ્રીમાળી, દ્રષ્ટિ સંઘવી, ભાર્વી હરિપરા, સપના સોલંકી, મયુર લાગરીયા, માનસી મોદી, મનન ગલ, ભાર્ગવ રાજ્યગુરૂ, હાર્દિક ગોહિલ, બી.કે.ચુડાસમા, ભાગ્યશ્રી ઉદેશી, અલ્પા જનકાર, વી.એસ.વડગામા, જોઈસ જોશેફ, અમીરસ ડોંગા, નૈસર્ગી કાનાબાર, ખુશાલ સગપરીયા, કિન્નરી ઠક્કર, ઝલક જોશી વગેરેએ સતત કાર્યશીલ રહી આ સિધ્ધી હાંસલ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોખરાનું સ્થાન અપાવ્યું છે.

વીજ ચૂંબકીય મેમરી ડિવાઈસમાં ઉપયોગી પાર્ટીકલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લેબોરેટરીમાં કરાયા તૈયાર

એક વર્ષમાં વૈશ્ર્વિક અને નોંધપાત્ર સંશોધન કરી ૧૮ જેટલા સંશોધન પ્રકાશિત કરનાર સંશોધકોએ જણાવ્યું કે, નેનો ટેકનોલોજી અને નેનો પાર્ટીકલના વિવિધ સંશોધનો મારફત ભવિષ્યના ઈલેકટ્રોનિક ગેજેટ ખુબજ ઝડપી અને ગુણવતાયુક્ત બનાવી શકાશે. તથા વીજ ઉર્જા તથા ચૂંબકીયા ઉર્જાના સંગ્રહની ક્ષમતા અનેકગણી વધવાની ઉર્જાનો વ્યય ઘટાડી બચાવી શકાશે અને સ્પીન ટેકનોલોજીના માધ્યમથી મોબાઈલ-કોમ્પ્યુટર વગેરે ઉપરકરણો હાલની સ્થિતિ કરતા ૧૦ હજાર ગણા ઝડપી અને એક્યુરેટ બનાવી શકાશે. તે માટેના મટીરીયલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લેબોરેટરીમાં બનાવી દેશની ટોચના સંશોધન સંસ્થાનામાં પૃથકરણ કરી તેને પ્રકાશીત કરવામાં સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.