Abtak Media Google News

ગત વર્ષ ચોમાસાની સિઝનમાં પડેલા પૂષ્કળ વરસાદ અને છેવાડાના ગામડા સુધી પહોંચેલા નર્મદાના નીરથી આ વર્ષે પાણીનો પોકાર નહીં સર્જાય

સામાન્ય રીતે દર વર્ષે સૌરાષ્ટ્રમાં ઉનાળાનો પ્રારંભ થતા જ પાણીની તંગીની બુમો ઉઠતી રહે છે ત્યારે ચાલુ વર્ષે ગુજરાતભરમાં સારો વરસાદ થયો છે. સારા વરસાદના કારણે શિયાળુ પાક પણ મબલખ થયો છે અને સૌરાષ્ટ્રભરના તમામ ડેમો ભરેલા છે ત્યારે ઉનાળાના આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ શું રહેશે તે અંગેનો ખ્યાલ મેળવવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમે ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગથી કર્યો હતો. જેમાં જોવા મળ્યું કે, સૌરાષ્ટ્રમાં આ વર્ષે પાણીની મોટી સમસ્યા ઉભી થવાની નહિવત સંભાવના છે.  અબતક સાથેની વાતચીત દરમિયાન ગાંધીગ્રામ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ખુબ જ સારો વરસાદ પડતા રાજકોટમાં પીવાના પાણીનો પ્રશ્ર્ન ઉદભવ્યો નથી. નહિંતર દર ઉનાળે રાજકોટમાં પાણીનો પ્રશ્ર્ન ઉભો થતો હોય. હાલમાં અમારા વિસ્તારમાં દરરોજ પીવાના પાણીનું વિતરણ ૨૦ મિનિટ કરવામાં આવે છે. જયારે પાણીની લાઈનમાં સમસ્યા સર્જાઈ હોય તો તેની જાણ કરવામાં આવે અને તે દિવસ બીજા સમયે પાણી આપવામાં આવે છે. પહેલા અમારા વિસ્તારમાં પાણી ડહોળુ આવતું હતું. અમે બધી બહેનો સાથે મળીને મનપાના વોટર વર્કસ ચેરમેન પાસે જઈ રજુઆત કરતા અને અમારો પ્રશ્ર્ન સાંભળી તેનું નિરાકરણ કર્યું હતું ત્યારે હાલ પાણીનો પ્રશ્ર્ન નથી. દરરોજ ફુલ ફોર્સ સાથે પાણી આવે અને અમને જરૂરીયાત મુજબનું પાણી મળી રહે છે.

રાજકોટની જનતાને શુદ્ધ જળ આપવા મનપા કટિબધ્ધ: ઉદિત અગ્રવાલ

Vlcsnap 2020 03 16 19H58M33S060

અબતક સાથેની વાતચીત દરમિયાન મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં મુખ્યત્વે આજીડેમ, ન્યારી ડેમમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે નર્મદાનું પાણી પાઈપલાઈન મારફતે સૌની યોજના અંતર્ગત મેળવીએ છીએ. હાલની સ્થિતિએ આજી ડેમમાં એક મહિનો ચાલે તેટલું પાણી છે તથા ન્યારી ડેમમાં પુરતું પાણી છે પરંતુ અમે સરકાર પાસેથી સૌની યોજનાના પાણીની માંગણી કરી છે જેમાં ૮૦૦ એમસીએફટી પાણીની માંગણી કરેલ છે. સુચના પ્રમાણે બે થી ત્રણ દિવસમાં પાણી પહોંચી જશે. હાલમાં લગભગ ૧૦૦ થી ૧૫૦ એમસીએફટી પાણી મળશે. જો વધારે જરૂર પડશે તો અમે સરકારને રજુઆત કરીશું. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પાણીનો બગાડ ન કરે. રાજકોટના લોકો પાણીની શું વેલ્યુ છે તેને સમજે છે. ઉનાળો આવી રહ્યો છે ત્યારે પાણીને બચાવું જોઈએ.

જો ગંદુ પાણી આવતું હોય, માટીવાળુ પાણી આવતું હોય તો અમારું ધ્યાન દોરે તો પાણીની કવોલીટી સુધારીશું. છેવાડાના વિસ્તારોમાં જરૂર પડશે તો ટેન્કર મારફતે પાણી પહોંચાડીશું. સૌથી પ્રથમ આપણી ઈચ્છા એવી હોય કે, લોકલ સ્ત્રોતથી પાણી મળે જો પાણી ન મળતું હોય તો જીડબલ્યુએસએસબીને જાણ કરીને અછતના સમયે કરીએ છીએ. કલેકટર મારફતે આખા જીલ્લાની એક અછત સમિતિ હોય છે ત્યારે આપણે કેસ મોકલીને કેસ ટુ કેસ બેસીસ ઉપર વર્ક કરાવીએ છીએ.

વડાપ્રધાને પાણી અંગે સૌરાષ્ટ્રવાસીઓને આપેલુ વચન પરિપૂર્ણ કર્યું: બાબભાઈ આહીર

Vlcsnap 2020 03 16 19H59M46S738

અબતક સાથેની વાતચીત દરમિયાન બાબભાઈ આહિરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ અને ગુજરાતની જનતાને વચન આપ્યું છે કે કોઈ દિવસ પાણીનો કાપ આવશે નહીં. ૩૧ માર્ચ સુધીનું આજીડેમમાં પાણી છે. ધોળીધજાથી મચ્છુ-૧ સુધી સૌની યોજનાની પાણીની પાઈપલાઈન દ્વારા આપવાનું શરૂ કર્યું છે. ૨૪ માર્ચનાં આજી-૧માં પાણી આવી જશે ત્યારબાદ ન્યારીમાં જવા દેવામાં આવશે. રાજકોટમાં આજી-૧, ન્યારી ડેમ અને ભાદર ડેમ છે. જયારે રાજકોટની ૧૦ લાખની વસ્તી હતી. તે દિવસની જે પાણીના સ્ત્રોત છે આજે પણ તે જ સ્ત્રોત છે. જયાં હાલમાં રાજકોટની વસ્તી ૨૦ લાખ થઈ છે. રાજકોટમાં જે નવા ભળેલા વિસ્તાર છે. વાવડી, કોઠારીયા એમાં અત્યારે ડીઆઈ પાઈપલાઈન નાખી પાણી આપવાના છીએ તથા બે મોટા સંપ બનાવવામાં આવી રહ્યા છે. આગામી દિવસોનું આયોજન નર્મદા મૈયા પર જ રહેવાનું છે. આ વર્ષ ભગવાને ખુબ વરસાદ આપ્યો પરંતુ પાણીના જે સ્ત્રોત છે તે જુના છે પરંતુ સૌની યોજનાની મદદથી રાજકોટમાં પાણીનો કાપ આવશે નહીં. ૨૪ કલાક પાણીનું વિતરણ થાય તે માટે દર વર્ષે એક-બે વોર્ડમાં ડીઆઈ પાઈપલાઈન નાખી મીટર દ્વારા પાણી આપવામાં આવશે પરંતુ એ હજી બજેટ પ્રમાણે વર્ષ બે વોર્ડમાં કામ કરવામાં આવે છે. ન્યારી ડેમ-૧ પર એક ફુટ ઉંચાઈ વધારવામાં આવી છે. આજી, ભાદરની મદદથી ખેતી માટે પણ પાણી આપવામાં આવે છે. મફતીયાપરા, છેલ્લો વિસ્તાર જયાં હજુ પાણીની પાઈપ પહોંચી નથી તેવા વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે. રાજકોટની જનતા સમજશે તો જ પાણીનો વેડફાટ ઓછો થશે. ફકત રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીના કહેવાથી બગાડ ઓછો નહીં થાય.

ટેન્કર નહીં નળ કનેકશન મારફત પાણી અપાય ત્યારે પાણીનો પ્રશ્ર્ન હલ થશે: અશોક ડાંગર

Vlcsnap 2020 03 16 19H59M10S064

અબતક સાથેની વાતચીત દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, રાજકોટમાં હાલમાં પાણીની પરિસ્થિતિ ખરાબ છે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે સરકારે તથા મનપાએ ખુબ જ સાવચેતી રાખવી પડશે. નહિતર પાણીની વિકટ પરિસ્થિતિ આ વર્ષે થશે. આ જ પાંચ વર્ષ પહેલા નવા વિસ્તારો ભડયા છે ત્યારે આજની તારીખે પણ કોર્પોરેશને એવી વ્યવસ્થા ઉભી નથી કરી કે લોકોને ઘરે પાણી મળી શકે. અમુક વિસ્તારોમાં પાઈપલાઈનો નથી. ટેન્કરો મારફતે પાણી આપવામાં આવે છે ત્યારે હજુ પણ નવા વિસ્તારો ભેળવવાની વાતો કરે છે. મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો પહેલા લોકોને પ્રાથમિક સુવિધા પુરી પાડો પછી નવા વિસ્તાર ભેળવવાની વાતો કરો. રાજકોટની કમનસીબી એવી છે કે, રાજકોટના મુખ્યમંત્રી હોવા છતાં દરેક વર્ષે વાતો કરે કલ્પસર યોજનાની સૌની યોજનાના નામે કાર્યક્રમો કરવામાં આવે છે. રાજકોટના લોકોને આજે પણ પુરતુ ૨૦ મિનિટ પાણી આપવામાં નથી આવતું ત્યારે ૨૪ કલાક પાણી આપવાની વાતો કરવામાં આવે છે. ઉનાળાના છેલ્લા ૪ મહિના દરમિયાન કોર્પોરેશન તથા સરકાર પાણીનું આયોજન નહીં કરે તો આવતા દિવસોમાં લોકો રસ્તા પર જોવા મળશે. કેમ કે ૨૦ મિનિટ પુરા ફોર્સથી પાણી નથી આવતું તેથી ટેન્કર આપવા પડે તે પણ સમયસર જતા નથી.

નવા જે વિસ્તારો તથા છેવાડાના વિસ્તારો જેમ કે સામાકાંઠામાં વોર્ડ નં.૪, ૫, આ બાજુ ૧૬, ૧૮, ૧૨, ૧૧, ૧ મવડીના વિસ્તારમાં પણ પાણીની ખરાબ સ્થિતિ છે. છેલ્લા ૨૦ વર્ષમાં નથી પડયો તેટલો વરસાદ પછી પણ આજ સ્થિતિ છે. સૌરાષ્ટ્રનો એક પણ ડેમ એવો ન હતો કે જે ઓવરફલો થયો ન હોય. છતાં પણ રાજકોટ પાસે પાણી નથી. સૌની યોજનામાંથી પાણી લેવું મચ્છુમાંથી પાણી લેવું એ વિકલ્પ નથી. કોર્પોરેશન એ આનો યોગ્ય વિકલ્પ અને યોગ્ય પગલા લેવા જરૂરી છે.

સૌની યોજના સૌરાષ્ટ્ર માટે આશિર્વાદરૂપ: ગોવિંદભાઈ પટેલ

Vlcsnap 2020 03 16 19H58M45S094

અબતક સાથેની વાતચીત દરમિયાન ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ખુબ સારો વરસાદ પડતા ડેમો ભરાણા જયારે રાજકોટના જળસ્ત્રોતો આજીડેમ અને ન્યારીડેમ જેના પર મુખ્યત્વે રાજકોટવાસીઓનો આધાર છે. આજીડેમમાં ઘણો કાપ ભરાયેલો છે પરંતુ આજીડેમને સૌની યોજના સાથે જોડેલ છે. સૌની યોજનાથી સૌરાષ્ટ્રને કાયમી પીવાનું પાણી મળી રહે તે માટેની રાજય સરકારની વ્યવસ્થા છે. નરેન્દ્રભાઈ મોદીએ જયારે યોજના શરૂ કરી ત્યારે ઘણા લોકોએ ટીકા કરી કે રાજકોટની અને સૌરાષ્ટ્રની જનતાની નરેન્દ્રભાઈ મોદી બનાવટ કરે છે. ‘નેવાના પાણી મોભે ચડે નહીં’. આજે મને કહેતા આનંદ છે કે ૨૨૦ ફુટ જેટલી ઉંચાઈએ ટાવર બનાવીને ત્યાંથી પાણી ચડાવીને એ પાણી રાજકોટને સૌરાષ્ટ્રને મળી રહે તે માટેની યોજના બની છે. સૌરાષ્ટ્રનું છેવાડાનું ગણાતું પોરબંદર પણ ભાદર મારફત નર્મદાનું પાણી પી શકે તેવી વ્યવસ્થા સૌની યોજના મારફત થઈ ચુકી છે. અનેકવિધ પાઈપોને સાથે જોડાણ કરીને રાજકોટને પાણીની સમસ્યા ન પડે તે પ્રમાણેનું પ્લાનીંગ થઈ ગયું છે. ભુતકાળ બની ગયો કે જયારે રાજકોટને પીવા માટે પાણી જોતું તો ટ્રેન મારફતે લેવુ પડતું. વાંકાનેરની વીડીમાંથી લાવીને રાજકોટમાં પાણીનો દુષ્કાળ પાર પાડયો તો પરંતુ એ વસ્તુ હવે રાજકોટની જનતા પણ ભુલી ગઈ છે અને સૌની યોજના મારફત નર્મદાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહે. બે દિવસ અંદર નર્મદાનું પાણી ફરીથી આજીડેમમાં જે ઘટાડો થયો છે તે ભરાઈ જશે.

આવતા દિવસોમાં એક મધ્યમ કક્ષાનો ડેમ જે મચ્છુ નદી પર બંધાવવાનો છે તેની છેલ્લે સ્થિતિ એ છે કે એરપોર્ટની એનઓસીના કારણે આ કામ પેન્ડીંગ છે. એનઓસી મળ્યા બાદ એ ડેમનું પણ કામ શરૂ થશે અને આવતા દિવસોમાં એક વધારાનો રાજકોટને પાણીનો શોર્ષ મળી રહેશે. આપણી રાજકોટ શહેરની ઉંચાઈ પર આવેલું શહેર છે. જે પાણીના સ્ત્રોતો છે તે સીમીત છે. ખાસ કરીને આજીડેમ તો આજીડેમનો જળસ્ત્રોત એ સરધારની આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડે તો આજી નદીમાં પાણી આવે એજ રીતે ન્યારી ન્યારીનો સ્ત્રોત રીબડાની ધારને એ વિસ્તાર પર જો વરસાદ આવે તો જ પાણી આવે. રાજકોટને જળસ્ત્રાવ વિસ્તાર ઓછો હોવાથી મોટાભાગના ડેમ ખાલી રહે છે. ખુબ સારો વરસાદ થવાથી બન્ને ડેમ આખા ભરાણા હતા. ઉનાળો કે શિયાળો કોઈપણ ઋતુમાં પાણીની ઘટ રાજકોટ માટે થવાની નથી. જયારે જયારે પાણીની જરૂર પડશે ત્યારે સૌની યોજના મારફત પાણી ડેમમાં ઠાલવીને મળશે. કલ્પસર યોજના છે તે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન બનવા જઈ રહી છે. કલ્પસર છે એ બધી જ નદીઓની મુળ જે દરિયામાં મળે છે. ખાસ કરીને ખંભાતનાં અખાતમાં એ આપણી પાસે બ્રીજ બાંધીને સીધો સુરત સાથે જોડાય જેથી સુરતના રસ્તાઓનું અંતર ઘટી જશે. પાણીનો સ્ત્રો ત્યાં ભેગા થાય જે નર્મદાના ડેમ કરતા પણ મોટો ફાયદો થશે. જેનો સર્વે હાલ પૂર્ણ થવાની તૈયારીમાં છે. મને વિશ્ર્વાસ છે કે કદાચ બારના દેશો પણ આ યોજનામાં રસ લઈ રહ્યા છે. બારની કોઈ કંપની આવીને પણ આ યોજના બનાવશે. રાજકોટના દરેક વોર્ડમાં ડીઆઈ પાઈપલાઈન નાખવામાં આવે છે. ડી.આઈ પાઈપલાઈનથી પાણી ચોરીનો પ્રશ્ર્ન બંધ થઈ શકે એના પર મીટર મુકવામાં આવશે. જેનાથી વપરાશકારોને પાણી વાપરવામાં કંટ્રોલ રહેશે. મીટર વગર જે રસ્તા પર પાણી ઢોળી છટકાવ કરીને બગાડ કરવામાં આવે છે તે બંધ થશે. કહેવાય છે કે આગામી વિશ્ર્વ યુદ્ધ પાણી માટે થશે. પાણીનો બચાવ કરવો સૌની ફરજ છે. પાણી સાચવીને વાપરે તો ભગવાનનો પ્રસાદ બની રહેવાની છે.

૮ એમએલડી પાણીથી લોકોની તરસ સંતૃપ્ત કરાય છે: કેશોદ ચીફ ઓફીસર જે.એમ.વાછાણી

Img 20200317 Wa0033

અબતક સાથેની વાતચીત દરમિયાન કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર જે.એમ.વાછાણીએ જણાવ્યું હતું કે, કેશોદ નગરપાલિકા માર્ચ પહેલા ૫ એમએલડી પાણી જીડબલ્યુએસએસબી પાસે મેળવતા હતા અને હાલમાં ૬ એમએલડી પાણી તથા ૨ એમએલડી અમારું સરફેસ વોટર એમ કુલ ૮ એમએલડી જેટલું પાણી વિતરણ કરીએ છીએ અને સારા વરસાદના કારણે આ વર્ષે પાણીની સમસ્યા નહીં સર્જાય અને જો વધુ પાણીની જરૂરીયાત જણાશે તો અમે જીડબલ્યુએસએસબી પાસેથી મેળવી લોકોને પીવાનું પાણી પુરુ પાડીશું.

Img 20200317 Wa0031

સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળાની શરૂઆત થતા પીવાના પાણીની બુમરાહ શરૂ થતી તે આ વર્ષે સારા વરસાદના કારણે નહિવત રહેશે ત્યારે કેશોદ શહેરમાં નગરપાલિકાના જુદા-જુદા વિસ્તારમાં નિયમિત પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે અને આગામી સમયમાં લોકોને પીવાનું પુરતુ પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા આગવું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રજાને પાણીનો કોઈપણ પ્રશ્ર્ન નડશે નહીં: સુરેન્દ્રનગર ચીફ ઓફીસર સંજય પંડયા

Vlcsnap 2020 03 18 09H24M09S48

અબતક સાથેની વાતચીત દરમિયાન સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં હાલ પીવાના પાણીની તથા આવનારા ઉનાળામાં પણ પાણીની તંગી સર્જાશે નહીં. કારણકે ચાલુ સાલ ખુબ જ સારો વરસાદ વરસ્યો હતો.

Vlcsnap 2020 03 18 09H18M05S8

ધોળીધજા ડેમમાં પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે. જયારે વિતરણ વ્યવસ્થાની થોડા અંશે સમસ્યા છે કે જે નેટવર્ક પૂર્ણ થયું નથી પરંતુ ઉનાળામાં આ સમસ્યા દુર થઈ જશે.

Vlcsnap 2020 03 18 09H22M11S149

હાલમાં દુધરેજ નગરપાલિકા દ્વારા અકાંતરે પાણી વિતરણ કરવામાં આવે છે અને ટુંક સમયમાં દરરોજ પાણી આપી શકીએ તે માટે કામગીરી ચાલી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે સારો વરસાદ પડયો છે.

Vlcsnap 2020 03 18 09H18M39S90

સુરેન્દ્રનગર જિલ્લાને પીવાનું પાણી પુરુ પાડતો મુખ્ય સ્ત્રોત તે ધોળીધજા ડેમ છે જે ગત વર્ષે સિઝન દરમ્યાન ત્રણ વખત ઓવરફલો બન્યો હતો અને બીજો ડેમ નાયકા જે પણ છલોછલ ભરેલ છે તેની સપાટી ૧૦.૬૦ ફુટે છે જેથી આ વર્ષે ઉનાળામાં સુરેન્દ્રનગર જિલ્લાને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.