Abtak Media Google News

લીગના ચોથા મેચમાં સૌરાષ્ટ્રનો મધ્યપ્રદેશ સામે પરાજય થતા સીધુ ત્રીજા સ્થાને ધકેલાયું

રણજી ચેમ્પિયન સૌરાષ્ટ્રનો જલવો સૈયદ મુશ્તાક અલી ટી-૨૦ ટ્રોફીમાં પણ શાનદાર રીતે જોવા મળી રહ્યો છે અને ત્રણેય મેચમાં જીત હાંસલ કરીને સૌરાષ્ટ્રના સિંહોએ પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે. ઈન્દોરમાં રમાઈ રહેલા લીગ મેચમાં સર્વિસીઝ, વિદર્ભ અને ગોવાને હરાવ્યા બાદ લીગના ચોથા મેચમાં સૌરાષ્ટ્રનો મધ્યપ્રદેશ સામે પરાજય થતા સીધુ ત્રીજા સ્થાને ધકેલાયું હતું. હવે લીગમાં જીવંત રહેવા માટે આવતીકાલે રાજસ્થાન સામે સૌરાષ્ટ્રની ટીમે જીતવું ફરજિયાત બનશે. સૌરાષ્ટ્ર પાસે અવી બારોટ, પ્રેરક માંકડ, હારવિક દેસાઈ, સમર્થ વ્યાસ જેવા બેટ્સમેનો જયારે  જયદેવ ઉનડકટ, ચિરાગ જાની જેવા બોલરો છે ત્યારે આવતીકાલની રાજસ્થાનને પછાડી ટિમ સૌરાષ્ટ્ નોકઆઉટમાં પ્રવેશ કરશે?

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની ટીમે લીગની પ્રથમ ત્રણેય મેચ જીતી ટોપનું સ્થાન મેળવ્યું હતું જો કે ગઈકાલે મધ્ય પ્રદેશ સામેની ચોથી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં સૌરાષ્ટ્રએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. શરૂઆત ધીમી રહી હતી અને ૩૬ રનમાં જ સૌરાષ્ટ્રએ ૨ વિકેટ ગુમાવી દીધી હતી.બાદમાં સમર્થ વ્યાસે ૬૬ અને પ્રેરક માંકડે ૫૭ રનની રમત રમી નિર્ધારિત ૨૦ ઓવરના અંતે સૌરાષ્ટ્રે ૪ વિકેટ ગુમાવી ૧૮૦ રન બનાવ્યા હતા. જ્યારે મધ્યપ્રદેશની ટીમે ૧૮૦ રનનો પીછો કરતા પ્રથમ ઓવરમાં જ ૧ વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં મદયપ્રદેશ દ્વારા શાનદાર બેટિંગ કરી ૧૮૧ રનનો ટાર્ગેટ માત્ર ૪ વિકેટ ગુમાવી ૧૯ ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

સૌરાષ્ટ્ર તરફથી ચેતન સાકરીયાએ ૪ ઓવરમાં ૩૧ રન આપી ૨ વિકેટ અને ઉનડકટ-પાર્થ ચૌહાણે ૧-૧ વિકેટ ઝડપી હતી. આવતીકાલે સૌરાષ્ટ્ર લીગનો પાંચમો અને અંતિમ મેચ રાજસ્થાન સામે રમશે અને તેમાં સૌરાષ્ટ્રની ટીમે જીત મેળવવી ફરજિયાત રહેશે અન્યથા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.