Abtak Media Google News

એક મચ્છર સાલા!!!

રાજયમાં રોજના સરેરાશ મેલેરિયાના ૪૯ અને ડેન્ગ્યુના ૩૬ કેસો નોંધાય છે

મચ્છરના ઉપદ્રવને કારણે જ રાજકોટ માર્કેટીંગ યાર્ડના વેપારી અને એજન્ટોને આંદોલન કરવાની ફરજ પડી’તી

હિન્દી ફિલ્મના અભિનેતા નાના પાટેકરે ‘યશવંત’ ફિલ્મમાં ‘એક મચ્છર સાલા…’ ડાયલોગને સાર્થક કરતી પરિસ્થિતિ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં જોવા મળી રહી છે. વાતાવરણમાં પલ્ટો આવતાની સાથે મચ્છરનો ઉપદ્રવ વધતા ગુજરાતભરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને સ્વાઈનફલુ જેવા રોગોમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.

ગુજરાતભરમાં મચ્છરોના વધતા જતા ઉપદ્રવને કારણે રોજના સરેરાશ મેલેરિયાના ૪૯ પોઝિટિવ કેસ, ડેન્ગ્યુમાં ૩૬ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ગત વર્ષે ૨૫૧ દર્દીઓના જીવ લેનાર સ્વાઈન ફલુએ પણ માજા મુકી હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે ગુજરાતના અમદાવાદમાં સ્વાઈનફલુના ૨ હજારથી વધુ કેસો નોંધાયા હતા. જયારે મેલેરિયામાં ૧૧ હજાર, ડેન્ગ્યુમાં ૬ હજાર અને ચિકનગુનિયામાં ૩૩૫ કેસ પોઝીટીવ નોંધાયા હતા.

મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળામાં ઉતરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. મચ્છરોના ઉપદ્રવને કારણે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં વેપારી અને એજન્ટો દ્વારા આંદોલન કરવાની ફરજ પડી હતી. મચ્છરોના ત્રાસથી રાજકોટ માર્કેટીંગ યાર્ડ ૯ દિવસ સુધી ઠપ્પ રહ્યું હતું. આરોગ્યતંત્ર દ્વારા સતત પ્રયાસો બાદ ૧૦માં દિવસે રાજકોટ માર્કેટીંગ યાર્ડનું કામકાજ ફરી ધમધમતું થયું હતું. ગુજરાતભરમાં વાતાવરણમાં પલ્ટો આવવાથી અમદાવાદ સહિત સુરત, વડોદરા અને સૌરાષ્ટ્રભરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિતના જીવલેણ એચ૧એન૧ સ્વાઈનફલુના પણ કેસ નોંધાયા છે.

Admin 2

ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ જે રાજયના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ પ્રધાન પણ છે તેઓએ વિધાનસભામાં જણાવ્યા પ્રમાણે ડેન્ગયુ, સ્વાઈનફલુ અને મેલેરિયાના કેસમાં લોકો દ્વારા અનિચ્છનીય વ્યવહારને કારણે વધારો થતો જોવા મળી રહ્યો છે. જયારે રાજય સરકાર દ્વારા સ્વાઈનફલુ વિશેષ પ્રયોગશાળા પણ કાર્યરત કરવામાં આવી છે. ચક્રિય વલણને કારણે કેટલાક વર્ષોમાં સ્વાઈનફલુ, ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જયારે મૃત્યુદરમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી વધારો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ચાર દર્દીઓને ક્રિમિસન-કોંગો હેમોરેજીક ફીવરથી અસરગ્રસ્ત થયા હતા અને ચારેય દર્દીઓ ૨૦૧૯ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જયારે ખેડા અને આણંદ જીલ્લામાં પણ બે વ્યકિતઓના મોત નોંધાયા હતા. જયારે ભાવનગરમાં ક્રિમિઅન કોંગો હેમોરેજીક ફિવરના સૌથી વધુ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રભરમાં પણ વાતાવરણમાં પલટો આવતાની સાથે જ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને સ્વાઈનફલુના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી માસની શરૂઆતથી જ ગરમીનો પારો ઉંચો આવતા મચ્છરોના ઉપદ્રવમાં ભારે ભરખમ વધારો થયો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મચ્છરોના ઉપદ્રવને કારણે ૯ દિવસ સુધી માર્કેટીંગ યાર્ડનાં વેપારી અને એજન્ટોએ કામકાજ ઠપ્પ કરી આંદોલન કરવાની ફરજ પડી હતી. મચ્છરોના ઉપદ્રવને કારણે સૌરાષ્ટ્રભરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને સ્વાઈનફલુના રોગ વઘ્યાનું સામે આવી રહ્યું છે.  સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેરમાં બે માસની સરખામણીએ ફેબ્રુઆરી માસમાં વાતાવરણમાં પલ્ટાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિત સ્વાઈનફલુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં જાન્યુઆરી માસમાં મેલેરીયાના ૪૦ હજાર દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ૩ દર્દીઓને મેલેરિયા પોઝીટીવ જાહેર કરાયા હતા. જયારે ડેન્ગ્યુમાં ૩૦ હજાર દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં એક જ દર્દીને સતાવાર ડેન્ગ્યુ પોઝીટીવ નોંધાયો હતો. જયારે ફેબ્રુઆરીની શરૂઆતથી જ મેલેરિયા અને ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ માસે ડેન્ગ્યુમાં આશરે ૩૬ હજાર સેમ્પલ અને મેલેરિયામાં ૨૪ હજાર સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી જેમાં મેલેરિયા અને ડેન્ગ્યુમાં ૭-૭ દર્દીઓના પોઝીટીવ કેસ નોંધાયા છે.

જયારે જુનાગઢમાં ચાલુ માસે મેલેરિયાના ૨૩ હજાર દર્દીઓના સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મેલેરિયાના ૧૦ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જયારે ડેન્ગ્યુની પરિસ્થિતિ પર નજર કરીએ તો ચાલુ માસે ૧૨ હજારથી વધુ દર્દીઓના ડેન્ગ્યુ અંતર્ગત સેમ્પલની ચકાસણી કરી હતી. જેમાં ૪ પોઝીટીવ કેસ ડેન્ગ્યુમાં નોંધાયા હતા. છેલ્લા બે માસમાં જુનાગઢમાં મચ્છરોના ઉપદ્રવને કારણે ચિકિનગુનિયામાં પણ ૧ પોઝીટીવ કેસ નોંધાયો હતો. વાતાવરણમાં પલ્ટો આવતા રોગચાળો વધવાથી આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. મોરબીમાં પણ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગચાળામાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા વર્ષમાં મોરબી જીલ્લામાં ૧૯૯૦૩ દર્દીઓના બ્લડ સેમ્પલ મેલેરિયા અંતર્ગત ચકાસવામાં આવ્યા હતા. જેમાં ૮૮ દર્દીઓને પોઝીટીવ જાહેર કરવામાં આવ્યા હતા. જયારે ડેન્ગ્યુની પરિસ્થિતિ પણ ચિંતાજનક જોવા મળી હતી. ૨૮૧૧ દર્દીઓના બ્લડ સેમ્પલને ડેન્ગ્યુમાં ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી ૯૩૮ દર્દીઓને પોઝીટીવ ડેન્ગ્યુ નોંધાયું હતું. સાથો સાથ ચિકનગુનિયામાં પણ ૨૦ દર્દીઓના સેમ્પલ ચકાસતા કોઈ દર્દી પોઝીટીવ નોંધાયો ન હતો. ગુજરાતભરમાં વાતાવરણમાં પલટો આવતા મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો હોય તેમ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સાથે સ્વાઈનફલુમાં પણ દર્દીઓમાં વધારો જોવા મળતા રાજયમાં ૨૦૧૮-૧૯માં સરેરાશ પ્રતિ દિન મેલેરિયામાં ૪૯ અને ડેન્ગ્યુનં ૩૬ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.