Abtak Media Google News

રણજી ટ્રોફીનો ફાઈનલ મેચ ડ્રો: પ્રથમ દાવની લીડનાં આધારે સૌરાષ્ટ્રને વિજેતા જાહેર કરાયું

ઘરઆંગણે રમાઈ રહેલી દેશની સૌથી મોટી ડોમેસ્ટીક ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે ચેમ્પીયનશીપ હાંસલ કરી સૌરાષ્ટ્રની ટીમે ઈતિહાસ રચી દીધો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલો રણજી ટ્રોફીનો ફાઈનલ મેચ ડ્રોમાં પરીણમ્યો હતો પરંતુ પ્રથમ દાવની લીડના આધારે સૌરાષ્ટ્રની ટીમને ચેમ્પીયન જાહેર કરવામાં આવ્યું હતું. અગાઉ ત્રણ વખત ફાઈનલમાં પહોંચી માત્ર રનર્સઅપ બનેલું સૌરાષ્ટ્ર પ્રથમવાર રણજી ટ્રોફીમાં ચેમ્પીયન બનતા ક્રિકેટપ્રેમીઓમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.

5.Friday 1 2

ગત સોમવારથી ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચનો પ્રારંભ થયો હતો જેમાં સૌરાષ્ટ્રની ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રે અર્પિત વસાવડાની શાનદાર સદી, બારોટ, પુજારા અને જાડેજાની અડધી સદીની મદદથી પ્રથમ દાવમાં ૪૨૫ રન નોંધાવ્યા હતા જેના જવાબમાં બંગાળની ટીમ પ્રથમ દાવમાં ૩૮૧ રનમાં ઓલઆઉટ થઈ જતા સૌરાષ્ટ્ર રણજી ટ્રોફીમાં ચેમ્પીયનશીપ હાંસલ કરશે તે નિશ્ર્ચિત બની ગયું હતું. મેચના અંતિમ દિવસે આજે સૌરાષ્ટ્રે ૩૪ ઓવરમાં ૪ વિકેટનાં ભોગે ૧૦૫ રન બનાવ્યા હતા ત્યારબાદ બંને ટીમના કેપ્ટનોએ આપસી સમજુતી બાદ મેચ ડ્રો કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દાવની લીડના આધારે સૌરાષ્ટ્રની ટીમને વર્ષ ૨૦૧૯-૨૦માં રણજી ટ્રોફીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ વખત રણજી ટ્રોફીમાં ચેમ્પીયન બનતા લાખો ક્રિકેટપ્રેમીઓમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. સુકાની જયદેવ ઉનડકટ ચાલુ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. ટીમ સ્પીરીટના આધારે સૌરાષ્ટ્ર ચેમ્પીયન બન્યું હતું. ઉનડકટ ઉપરાંત અર્પિત વસાવડા, સેલ્ડન જેકશન,  ચિરાગ જાની,  ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતનાં ટીમનાં તમામ ખેલાડીઓનું પ્રદર્શન ખરેખર કાબીલેદાદ રહ્યું હતું. સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીમાં ચેમ્પીયન બનતા એચસીએનાં તમામ હોદેદારોએ ટીમના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. ચેમ્પીયનશીપ બાદ સુકાની જયદેવ ઉનડકટ સહિતનાં ખેલાડીઓએ ગ્રાઉન્ડ પર જોરદાર જશન મનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.