Abtak Media Google News

જામનગર નજીક પિતા-પુત્ર, ચોટીલા નજીક કસ્ટમના નિવૃત કર્મચારી સહિતના બે, કચ્છમાં માતા-પુત્ર અને પાલિતાણા અને ભચાઉમાં યુવકના મોત

સૌરાષ્ટ્ર-કચ્છમાં રક્ષાબંધનના પાવન પર્વે પાંચ સ્થળે જીવલેણ અકસ્માતમાં બનેલી ઘટનામાં ૯ વ્યકિતના મોત નિપજયા છે. જામનગર નજીક પિતા-પુત્ર, કચ્છમાં માતા-પુત્ર, ચોટીલા નજીક રાજકોટના કસ્ટમના નિવૃત અધિકારી સહિત અને પાલિતાણા તેમજ ભચાઉ નજીક અકસ્માતમાં યુવાને જીવ ગુમાવ્યો છે.

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે આવેલી એક વાડીમાં રહીને ખેતમજુરી કામ કરે છે. જે દંપતી અને તેના સંતાનો એક પુત્ર (ઉ.વ.૭) બીજી પુત્રી (ઉ.વ.૪) અને નાનો પુત્ર (ઉ.વ.૩)ને સાથે રાખીને જી.જે.૩ કે.ડી.૭૬૨૮ નંબરના બાઈક ઉપર બેસીને લાલપુર બાયપાસથી ખીજડીયા બાયપાસ તરફ જઈ રહ્યા હતા. જે દરમ્યાન સાંજે ૬ વાગ્યાના અરસામાં વે-બ્રીજ પરથી લાકડું ભરીને રીવર્સમાં આવી રહેલા જી.જે.૧૦ ટી.એકસ ૨૮૧૦ નંબરના ટેમ્પોના ચાલકે બાઈકને ટકકર મારી દેતા પાંચ સવારી બાઈક માર્ગ પરથી ફંગોળાઈ ગયું હતું અને બાઈક સવાર દંપતી તથા ત્રણેય સંતાનોને નાની-મોટી ઈજા થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈકના ચાલક ખેડુત યુવાન મનોજ સોલંકી (ઉ.વ.૩૦)નું ગંભીર ઈજા થયાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. જયારે પત્ની નુતનબેનને પણ ગંભીર ઈજા થઈ હતી. જે પૈકી મોટા પુત્ર રાજ (ઉ.વ.૭)નું પણ સારવાર મળે તે પહેલા જ મોત નિપજયું હતું.

સાંગાણી ગામ નજીક ટાવેર કાર રોડ ક્રોસ કરી સામેથી આવતા ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના રૈયા રોડ પર હનુમાનમઢી ચોકના અંબીકા પાર્કમાં રહેતા કિરીટભાઈ મોહનભાઈ પારેખ (ઉ.વ.૬૭)નું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. જયારે કારમાં સવાર કસ્ટમના નિવૃત ઈન્સ્પેકટર હર્ષદભાઈ કપીલરાય વસાવડા (ઉ.વ.૬૨) કે જો યુનિવર્સિટી રોડ પરના રોયલ પાર્કમાં રહે છે. તેમને ગંભીર ઈજા સાથે વધુ સારવાર માટે રાજકોટની સિવિલમાં ખસેડાતા ત્યાં મોત નિપજયું હતું. જાણ થતા ચોટીલા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આઈડી કાર્ડ પરથી બંને મૃતકોની ઓળખ મેળવી હતી. પોલીસે જણાવ્યું કે મૃતક બંને મિત્રો હતા અને બિઝનેસ અર્થે છોટાઉદેપુર ગયા હતા. ત્યાંથી રાજકોટ પરત ફરતી વખતે આ અકસ્માત નડયો હતો. એવું અનુમાન છે કે ટાવેરાનું ટાયર ફાટવાથી આ અકસ્માત સર્જાયો હતો. જોકે ખરેખર કેવા સંજોગોમાં અકસ્માત સર્જાયો તે જાણવા પોલીસે એફએસએલની મદદ લીધી છે. પોલીસે તપાસ કરતા કારના ત્રણ ટાયરમાંથી હવા મળી ન મળી. પરીણામે ટાયરને કારણે જ અકસ્માત સર્જાયાનું તારણ નિકળ્યું છે. બંને મૃતકોમાંથી કોણ કાર ચલાવતું હતું તે પણ વિગતો બહાર નહીં આવ્યાનું પોલીસનું કહેવું છે. ટ્રકના ચાલકને પોલીસે ફરિયાદી બનાવ્યો હતો.

ભુજ તાલુકાના કેરા બાઈક સાથે ટ્રકની ટકકર થતા મુળ છોટા ઉદેપુરના વતની મીનાબેન રાજેશભાઈ રાઠવા (ઉ.વ.૨૩) અને પુત્રી રૂચીતા રાજેશ રાઠવા (ઉ.વ.૪)ના ઘટનાસ્થળે મોત થયા હતા. બનાવના પગલે માનકુવા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બંને હતભાગીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. અકસ્માતે કરૂણાંતિકા સર્જી દીધી હતી. એક તરફ રક્ષાબંધનનો તહેવાર ચાલી રહ્યો હતો અને બીજી તરફ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવે અરેરાટી સાથે સન્નાટો ફેલાવી દીધો છે. માતા-પુત્રના મોતથી પરીવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. પોલીસે આ સમગ્ર ઘટનામાં ટ્રક ચાલક વિરુઘ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથધરી છે.

અજાણ્યા વાહનની અડફેટે ૪૮ વર્ષીય મહિલા પ્રેમીલાબેન મીઠુ જોગી આવી જતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. મૃતક પ્રેમિલાબેન મીઠુ જોગી ભુજની ભાગોળે આવેલી ભગવતી હોટેલ પાછળ રહેતા હતા. પગપાળા ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે ઓધવરામ સર્જીકલ હોસ્પિટલ રોડ પર અજાણ્યો વાહનચાલક ટકકર મારી નાસી ગયો હતો.

મુળ ઓરિસ્સાના હાલે નાની ચીરઈમાં અવેલા નવકાર પ્લાયવુડમાં રહેતા ૨૮ વર્ષીય તુફાનકુમાર સવાઈ પોતાની બાઈક લઈ ગાંધીધામથી ચીરઈ આવી રહ્યા હતા ત્યારે ચીરઈ પાસે જ હાઈવે પર પુરપાટ જઈ રહેલા અજાણ્યા વાહને ટકકર મારતા તેને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું તેને ભચાઉ સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો.

પાલિતાણાના રાણપરડા ગામે રહેતો ૧૭ વર્ષીય જય સુરેશભાઈ મકવાણા અને ગારીયાધારના રહીશ વિપુલભાઈ બાબુભાઈ ધોળકિયા (ઉ.વ.૨૫) મોટરસાઈકલ લઈને નીકળ્યા બાદ તળાજા શહેરને જોડતા પાલિતાણા રોડ પરના ઠાડચ-કુંઢેલી વચ્ચે મોટર સાયકલ વચ્ચે ધડાકા સાથે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જે ગમખ્વાર અકસ્માતમાં જય સુરેશભાઈ મકવાણા (ઉ.વ.૧૭)ને લોહિયાળ ઈજા થતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.