Abtak Media Google News

ટંકારા તાલુકામાં સૌથી વધુ ૩૦૨ ટકા અને સાવરકુંડલા તાલુકામાં સૌથી ઓછો ૫૪.૩૦ ટકા વરસાદ: ચોમાસાની સિઝનનો હજુ દોઢ માસ બાકી હોય મેઘરાજા આ વર્ષે સૌરાષ્ટ્રમાં જુના રેકોર્ડબ્રેક કરે તેવી સંભાવના

સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજાએ અતિ મહેર કરતા સોળ આનીથી પણ સવાયું વર્ષ નિવડે તેવા સુકનવંતા એંધાણ વર્તાઈ રહ્યાં છે. ચોમાસાની સીઝન સત્તાવાર રીતે પૂર્ણ થવાના આડે હજુ દોઢ માસનો સમય બાકી છે. છતાં આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં ચાલુ સાલ ચોમાસાનો ૧૦૮ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ૩૦૨.૦૩ ટકા પડયો છે. જયારે સૌથી ઓછો વરસાદ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ૫૪.૩૦ ટકા વરસ્યો છે. કચ્છમાં પણ મેઘરાજા આ વર્ષે મહેરબાન થયા હોય તેમ આજ સુધીમાં કચ્છમાં પણ સીઝનનો ૧૦૭ ટકા વરસાદ વરસી ગયો છે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં આજ સુધીમાં સીઝનનો કુલ ૧૫૦.૭૭ ટકા વરસાદ, રાજકોટ જિલ્લામાં સીઝનનો ૧૧૬.૭૦ ટકા વરસાદ, મોરબી જિલ્લામાં ૧૯૦.૪૫ ટકા વરસાદ, જામનગર જિલ્લામાં ૧૦૭.૬૪ ટકા વરસાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૧૧.૬૮ ટકા વરસાદ, પોરબંદર જિલ્લામાં ૮૩.૬૩ ટકા વરસાદ, જૂનાગઢ જિલ્લામાં ૮૯.૬૬ ટકા વરસાદ,ગીર સોમનાથ જિલ્લામાં ૧૧૧.૧૮ ટકા વરસાદ, અમરેલી જિલ્લામાં ૮૦.૧૮ ટકા વરસાદ, ભાવનગર જિલ્લામાં ૮૫.૯૩ ટકા વરસાદ અને બોટાદ જિલ્લામાં ૧૨૨.૧૮ ટકા જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાય છે.

વર્ષ ૧૯૮૭ થી ૨૦૧૬ સુધીમાં સૌરાષ્ટ્રમાં પ્રતિ વર્ષ ચોમાસાની સીઝનમાં સરેરાશ ૬૫૯ મીમી વરસાદ વરસ્તો હોવાનો રેકોર્ડ છે. દરમિયાન ચાલુ વર્ષે ૩૧મી ઓગષ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં સરેરાશ ૭૧૧ મીમી વરસાદ વરસી ગયો છે. ચોમાસાની સીઝનને પૂર્ણ થવાને આડે હજુ દોઢ માસનો સમયગાળો બાકી છે. છતાં આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં ૧૦૮ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છમાં પણ આ વરસે મેઘો મહેરબાન થયો હોય તેમ ૧૦૭.૧૬ ટકા વરસાદ પડયો છે. જયારે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ૧૩૯.૫૦ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૧.૪૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૮૬.૩૭ ટકા વરસાદ પડયો છે. સમગ્ર ગુજરાતમાં આજ સુધીમાં ૧૦૩.૦૩ ટકા વરસાદ વરસી ગયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.