Abtak Media Google News

મેધરાજાએ મહેર કરતાં જળાશયોમાં નવાનીર હિલોળા લઇ રહ્યા છે. ધરતીએ જાણે લીલુડી ચાદર ઓઢી હોય તેવો અલૌકિક નજારો ચારે બાજુ જોવા મળી રહયો છે. નવલા નોરતામાં નવ નવ દિવસ સુધી માઁ જગદંબાની આરાધના કરી અને હોંશભેર શરદ પૂર્ણીમાની પણ ઉજવણી કરાય હિન્દુ પંચાગના સૌથી મોટા પર્વ દિવાળીને આવકારવા પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છુ. ચોતરફ ખુશાલીના માહોલ વચ્ચે સૌરાષ્ટ્રની ખમીર વંતી પ્રજાનું પોતીકુ સાંઘ્ય દૈનિક ‘અબતક’આજે આઠ વર્ષ પૂર્ણ કરી નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. પોઝિટીવ ન્યુઝ ઇન્ફોર્મેટિવ ન્યુઝની ટેગલાઇન સાથે છેલ્લા આઠ વર્ષથી વાંચકોની નાડ પારખીને સમાચારો પિરસી રહેલું અબતક નવમાં વર્ષ પણે વાંચકોને  ગમતા સમાચારો જ આપશે તેવા અભય વચન સાથે આગળ વધશે.

છેલ્લા આઠ વર્ષ દરમિયાન અમે હમેંશા વાચકોને પસંદ પડે તેવા સમાચારો જ આપ્યા છે. રાજાથી લઇ રંક સુધીના તમામ લોકો અમારે મન એક સમાન છે પ્રજાની સાથે દ્રોહ કરતાં વહીવટી તંત્ર કે રાજકીય નેતાઓ કે અન્ય કોઇ ચરમબંધીને અમે કલમ વડે હંમેશા ઝાટીયા છે. લોકોની સમસ્યા કલમની તાકાતથી દુર કરવાની અમારી જવાબદારીમાં અમે કયારેય પાછી પાની કરી નથી. અને હર હમેંશ ચોથી જાગીરનો ધર્મ નિભાવ્યો છે કોઇપણ સમાચાર સાથે તેની ભવિષ્યમાં ઉભી થનારી અસરો વિશે પણ વાંચકોને માહિતી આપી છે. ‘ન્યુઝ સાથે વ્યુઝ’ આપવાના અમારા અભિગમને પણ વાંચકોએ સહર્ષ સ્વીકાર્યો છે. જેનું અમને ગર્વ છે. અખબારી આલમમાં પગ મુકયાના પ્રથમ દિવસથી અમે નકકી કરેલી પ્રણાલીને આજે આઠ વર્ષ બાદ પણ અમે વળગી રહ્યા છીએ. વાંચકોને અરેરાટી છુટે તેવા લાશના ફોટા ન છાપવાની અમારી પરંપરા અમે આજે પણ જાળવી રાખી છે એક જ પરિવારના તમામ સભ્યો એટલે કે પિતા અને પુત્રી સાથે બેસીને અખબારનું વાંચન કરી શકે અમે તેવું જ સાહિત્ય પિરસીએ છીએ. કેન્દ્રની મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ઉઠાવી  લીધાના દિવસો અગાઉ ‘અબતક’દ્વારા વિવિધ પ્રકારના અલગ અલગ સમાચારો આપી વાંચકોને એવો ઇશારો આપી દીધો હતો કે કલમ-૩૭૦ હવે થોડા દિવસની મહેમાન છે જે અક્ષરસ: યથાર્થ સાબિત થયા.

‘અબતક’મીડિયા હાઉસના એક જ નેજા હેઠળ અમે ‘અબતક સાંઘ્ય દૈનિક’, ‘અબતક ચેનલ’, ‘અબતક ડિજિટલ’ અને ‘આઇ.એમ. ન્યુ ગુજરાતી’જેવા અલગ અલગ ચાર માઘ્યમો ચલાવીએ છીએ તમામમાં અમારી પ્રણાલી એક જ રહી છે. વાંચકોને મન ગમતી વસ્તુ જ પિરસવી.

આઠ વર્ષના ટુંકાગાળામાં ‘અબતક’ માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના એક-એક ગામમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે સમાચારોને અલગ સ્વરુપે વાંચકો સમક્ષ રજુ કરવા તે અમારી ખાસિયત રહી છે. પ્રજાના અડિખમ પ્રહરી તરીકે અમે અલગ ઓળખ સાથે જ ઉભરી આવ્યા છીએ. જે અમારી સાચી તાકાત અને મૂડી છે.

અખબારી ધર્મ નિભાવવામાં અમારી નખશીખ પ્રમાણીકતા અને વાંચકોનો પ્રતિસાદ અમારા ઉત્સાહમાં સતત વધારો કરી રહ્યો છે. અંકોમાં ‘નવ’નું મહત્વ ખુબ જ રહેલું છે. આજે જયારે અમે નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે વાંચકોને સતત કંઇક નવું આપવું એ અમારી મુખ્ય નેમ રહેશે. પ્રજાની સમસ્યાએ અમારી પોતીકા સમસ્યા છે. તેવું સમજી અમે તંત્રની ઝાટકણી કાઢવામાં અને સમસ્યા હલ કરવા પ્રયત્નો કરવામાં કયારેય પીછહટ નહી કરીએ, આઠ વર્ષમાં સૌરાષ્ટ્રના શાણા વાંચકોએ અમને જે પોતીકુ પણુ આપ્યું છે તેનાથી અમારો ઉત્સાહ સતત વધી રહ્યો છે. આવતા દિવસોમાં ‘અબતક’એક પ્રહરી બની સતત પ્રજા વચ્ચે ઉભુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.