Abtak Media Google News

યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આવતીકાલથી જીનર્સોની હડતાલ

જીએસટી કાઉન્સિલ કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં એગ્રો કોમોડિટીમાં ફકત કપાસ ઉપર લગાડવામાં આવેલા રિવર્સ ચાર્જ મિકેનીઝમને રદ કરવા અથવા યોગ્ય નિરાકરણ લાવવા માટે સૌરાષ્ટ્ર જીનર્સ એસોસિએશન દ્વારા જીએસટી કાઉન્સિલને તા.૨૩ નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે જો ગુરુવાર સુધીમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી શુક્રવારથી સૌરાષ્ટ્રભરના તમામ જીનર્સ અમુદતીય હડતાલ ઉપર ઉતરશે. તેવી માહિતી આપવા સૌરાષ્ટ્ર જીનર્સ એસોસએશને રાજકોટ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર જીનર્સ એસોસિએશનના પ્રમુખ ભરતસિંહ વાળા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

પત્રકાર પરિષદમાં ભરતસિંહ વાળાએ મુખ્ય માંગણી વિશે જણાવતા કહ્યું હતું કે, અત્યાર સુધીમાં એગ્રોકોમોડિટીની એક પણ વસ્તુમાં રીવર્સ ચાર્જ દાખલ કરવામાં આવ્યો નથી અને ફકત કપાસમાં ૫% રીવર્સ ચાર્જ દાખલ કરાયો છે જે અમારા માટે મુશ્કેલી ઉભું કરી રહ્યું છે. કેમ કે ખરીદી કર્યા બાદ તરત જ અમારે ખરીદી ઉપર ૫ ટકા જીએસટી આપવો પડશે અને જો તેમાં પણ અમે એકસપોર્ટ કરીએ તો અમારી રોકાયેલી રકમ અમને ૪૫ દિવસો સુધી પરત મળી શકે નહીં જે ખુબ જ મુશ્કેલીભર્યું છે. જેની સામે અમારો વિરોધ છે અને તે બાબતે યોગ્ય નિરાકરણ લાવવા માટે અમે વાણિજય વેરા વિભાગના કમિશનર પી.ડી.વાઘેલા સાથે પણ અમે મુલાકાત કરી હતી. હવે આ બાબતે જીએસટી કાઉન્સિલને ગુરુવાર સુધીની મુદત આપવામાં આવી છે જો ત્યાં સુધીમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી શુક્રવારથી અમુદતીય હડતાલ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ અમારા આ વિરોધમાં ગુજરાતભરના ૧૨૦૦ જેટલા યુનિટોએ ટેકો આપ્યો છે અને અમને મહારાષ્ટ્ર અને બીજા રાજયમાંથી પણ ટેકો આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.