Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં આગ ઓકતુ આકાશ: સુરેન્દ્રનગર ૪૧.૩, અમરેલી ૪૦.૮ અને રાજકોટ ૩૯.૯ ડિગ્રી સાથે અકળાયા

ઉનાળાના આરંભે જ સુર્ય નારાયણ કાળઝાળ બની આકાશમાંથી રિતસર અગનવર્ષા કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગત મંગળવારે અને બુધવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી આપ્યા બાદ આ બંને પ્રદેશોમાં આગામી ૪૮ કલાક સુધી સિવિયર હિટવેવની આગાહી આપવામાં આવી છે. રાજયમાં અમુક શહેરોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સેલ્શીયસ સુધી પહોંચી જાય તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. ઉનાળાનો આરંભ જ આટલો ખતરનાક છે તો એપ્રીલ-મે માં કેવા તડકા પડશે તે વાતની કલ્પના જ લોકોને પરસેવા છોડાવી દે છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મંગળવાર તથા બુધવારે હીટવેવના કારણે અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઈ ગયો હતો. સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર બુધવારે ૪૧.૩ ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે રાજયનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. આ ઉપરાંત અમરેલીમાં કાલે ૪૦.૮ ડિગ્રી સેલ્શીયસ, રાજકોટમાં ૩૯.૯ ડિગ્રી સેલ્શીયસ, ભાવનગરમાં ૩૯.૨ ડિગ્રી સેલ્શીયસ, પોરબંદરમાં ૩૮.૬ ડિગ્રી, દિવમાં ૩૭.૭ ડિગ્રી, વેરાવળમાં ૩૨.૩ ડિગ્રી જયારે ડિસામાં ૪૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે આકાશમાંથી રિતસર અગ્નિવર્ષા થતી હોવાના કારણે રાજમાર્ગો પર સ્વયંભુ સંચારબંધી જેવો માહોલ સર્જાય જાય છે.

હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી આપવામાં આવી છે એટલે કે રાજયમાં અનેક સ્થળોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રી આસપાસ પહોંચી જાય તેવી પણ પ્રબળ સંભાવના રહેલી છે. સિવિયર હીટવેવની આગાહીના કારણે લોકોને બપોર સુમારે કામ સિવાય ઘરની બહાર ન નિકળવા પણ તાકીદ કરવામાં આવી છે અને સનસ્ટ્રોકસથી બચવા વધુમાં વધુ માત્રામાં પાણી પીવા પણ સલાહ અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.