Abtak Media Google News

કોંગ્રેસે વર્ષો જુના કાર્યકર સતુભાને ટીકીટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી

૬૬ ટંકારા-પડધરી વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસે અગાઉ બળવો કરી ચૂંટણી લડનારા લલિતભાઈ કગથરાને ટીકીટ આપતા આ મતવિસ્તારમાં આવતા પડધરી, ટંકારા તેમજ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસમાં ઠેર-ઠેર ભડકા થયા છે અને પડધરી તાલુકાના જૂના કોંગી કાર્યકર સતુભા જાડેજાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા તેનો સીધો જ ફાયદો ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાને મળી રહ્યો છે.

વિધાનસભા ચૂંટણી આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે છેલ્લી ઘડીએ ૬૬ ટંકારા-પડધરી મતવિસ્તારમાં રાજકીય પંડિતોના ગણિત ઊંધા વળે તેવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસના જુના કાર્યકર સતુભા અમરસંગ જાડેજા કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાની પોલ ખોલવા મેદાને પડી ગામડે-ગામડે પ્રચાર શરૂ કરતાં તેનો સીધો ફાયદો ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાને મળી રહ્યો છે.

ટંકારા-પડધરી મતવિસ્તારના  અપક્ષ ઉમેદવાર સતુભા અમરસંગ જાડેજાના જણાવ્યા મુજબ આ ચૂંટણી જંગમાં કોંગ્રેસે જાણી જોઈ ભાજપને ફાયદો મળે તેવા ઉમેદવાર એટલે કે લલિતભાઈ કગથરાને ટીકીટ આપી મતદારોની નારાજગી મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરા પાટલી બદલું છે અગાઉ કોંગ્રેસે ટીકીટ ન આપી તો અપક્ષમાં  પતંગ લઇ ચૂંટણી લડવા નીકળી પડ્યા હતા આ અગાઉ પણ લલિત કગથરા અન્ય રાજકીય છાવણીમાં રહી ચૂક્યા હતા છતાં કોંગ્રેસે આવા ઉમેદવારને ટીકીટ આપી ભાજપને જીતનો રસ્તો આસન કરી દીધો છે.

વધુમાં સતુભા જાડેજાએ ઉમેર્યું હતું કે ટંકારા-પડધરી વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં જો કોંગ્રેસે સારા ઉમેદવારની પસંદગી કરી હોત તો ચોક્કસપણે કોંગ્રેસને વિજય મળત પરંતુ પક્ષ પલ્ટુ ઉમેદવાર એવા લલિતભાઈ કગથરાને ટીકીટ આપવામાં આવતા ખુદ કોંગ્રેસ કાર્યકરોમાં નારાજગી વ્યાપી છે.

સૌથી આશ્ચર્ય જનક બાબત તો એ છે જે કોંગ્રેસના કહેવાતા ઉમેદવાર લલિતભાઈ પૈસાના જોરે ટીકીટ લઈ આવ્યા હોવાનું જગ જાહેર હોવાનું જણાવી સતુભાએ જણાવ્યું હતું કે હવે પડધરી ટંકારના મતદારો તેમને ઓળખી ગયા છે.

સતુભા જાડેજાએ ઉમેર્યું હતું કે હવે ટંકારા પડધરી બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહિ પરંતુ ભાજપ અને સતુભા વચ્ચે જંગ હોવાનું જણાવી આગામી તારીખ ૯ ના રોજ લોકોને ટોપીના નિશાન ઉપર લોકોને મત આપવા અપીલ કરી હતી.

બીજી તરફ ભાજપે ટંકારા-પડધરી બેઠક ઉપર જબરો દાવ ખેલી પાટીદારોના વિરોધ વંટોળ વચ્ચે ટકી શકે તેવા નિર્વિવાદીત વ્યક્તિ એવા રાઘવજીભાઈ ગડારાને આ બેઠક ઉપર ઉતારી એક કાંકરે અનેક પક્ષી માર્યા છે સાથો-સાથ પાટીદારો નો ઝુકાવ પણ રાઘવજીભાઈ તરફી હોવાથી આ ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડશે તેવું મનાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.