Abtak Media Google News

હું રાજકોટ થી બેંગ્લોર આઇ.ટી. કંપનીમાં નોકરી કરવા માટે ગયો. ઘણી બધી કંપની માં ઇન્ટરવ્યૂ આપ્યા પછી પણ મને નોકરી મળી નહીં. હું નિરાશ થઇ ગયો હતો પછી અચાનક એક દિવસ એક કંપનીમાંથી મને ફોન આવ્યો. હું ત્યાં મળવા ગયો અને હું સિલેક્ટ થઇ ગયો. મને નોકરી મળી ગઈ. ત્યાં મને કામ કરવાની ખુબ મજા આવી રહી હતી અને આત્મ સંતોષ મળતો હતો. મારી કોઈ બહુ મોટી ઇચ્છાઓ નથી પણ બસ એક સારી કંપનીમાં નોકરી કરી, સારી છોકરી સાથે લગ્ન કરી બસ સાદગીભર્યું જીવન જીવવું છે.

હું કંપનીમાં નવો હતો અને બેંગ્લોર પણ મારા માટે નવું હતું. હું હજુ સુધી ક્યાંય ફરવા ગયો ન હતો બસ ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે આ જ મારું જીવન હતું. બે મહિના થઇ ગયા હતા અને હવે મને બેંગ્લોર ફરવાની ઈચ્છા થઈ.
શનિ-રવિ બે દિવસની રજા આવી રહી છે આજે મંગળવાર છે મેં મારા મિત્ર દર્શન ને પૂછ્યું કે આ શનિ-રવિ ની રજા મા તે શું કરી રહ્યો છે? એણે કહ્યું કે એને ગામડે જવું છે એની પાસે ફરવા જવા માટે સમય નથી. મેં મારા બીજા મિત્ર નીલ ને પૂછ્યું કે આ શનિ-રવિ એનો શું પ્લાન છે? તેણે કહ્યું એ એના મામાના ઘરે જવાનો છે તો એની પાસે પણ સમય ના હતો. મેં બીજા મિત્ર રક્ષિત ને પૂછ્યું કે શનિ રવિ તે શું પ્લાન કરી રહ્યો છે? એણે કહ્યું તે એના મિત્રો સાથે એના ઘરે પાર્ટી કરવાનો છે અને તે એના ખાસ મિત્રો ને જ આમંત્રણ આપવાનો છે જેમાં હું ના હતો. આજે પણ કોઈએ હા પાડી નહીં.

બુધવાર આવી ગયો જ્યારે બ્રેક પડયો ત્યારે મેં બીજા મિત્ર રાજ ને પૂછ્યું કે એનો શનિ-રવિ માં શું પ્લાન છે એને કહ્યું કે મારે આખો દિવસ સુતું રહેવું છે ક્યાંય બહાર જવાનો પ્લાન નથી તો હવે મારે ફરીથી બીજા મિત્ર યશ ને પૂછવું પડ્યું એણે કહ્યું કે એના ઘરે મહેમાન આવવાના છે તો એની પાસે પણ સમય નથી આજે પણ કોઈએ હા પાડી નહીં.

ગુરુવાર આવી ગયો આજે મેં શિવાની, રિચા, જીનલ, કાજલ, મેઘા અને જાનવી ને પૂછ્યું કે તેઓનો શું પ્લાન છે? તેઓ બધા ફરવા તો જઈ રહ્યા હતા પણ માત્ર છોકરીઓ. તેમણે મને કહ્યું કે બીજી વાર આપણે સૌ સાથે ફરવા જઈશુ.

શુક્રવાર આવી ગયો આજે પણ બે બીજા મિત્રો સાથે વાત કરી પણ કોઈએ હા પાડી નહીં. સાંજે પાંચ વાગ્યે મારા મેનેજરે મને કહ્યું કે આવતીકાલે શનિવારે મારે ઓફીસ આવવાનું છે અને ત્રણ ક્લાઈન્ટ સાથે મળવાનું છે. એક સવારે આવશે અને બે બપોરે આવશે આ સાંભળતા જ હું થોડો દુઃખી થઈ ગયો કેમકે મારે બહાર ફરવા જવું હતું કોઈ આવવા તૈયાર ના હતું અને ઉપરથી કાલે મારે ઓફીસ જવાનું છે એટલે કાલ નો આખો દિવસ ઓફિસમાં જ જશે અને હું ક્યાંય પણ જઈ શકીશ નહીં.

તો આજે શનિવાર છે સવારે હું ઓફિસ આવ્યો અને પહેલા ક્લાઈન્ટ સાથે મળ્યો મીટીંગ સારી રીતે પૂરી થઈ પછી બપોરે બીજા બે કલાઈન્ટ પણ આવી ગયા એમની મીટીંગ પણ સારી રીતે પૂરી થઈ. સાંજ પડી ગઈ હતી હું ખૂબ જ થાકી ગયો હતો અને અચાનક અવાજ આવ્યો મેં જઈને જોયું તો અમારા પટ્ટાવાળા રમેશભાઈ હતા જે રસોડામાં ચા બનાવી રહ્યા હતા મને જોઈને રમેશભાઈ બોલ્યા કે તમે થાકી ગયા હશો મેં તમારા માટે પણ ચા બનાવી છે થોડીવાર બેસો. મેં એમને પૂછ્યું કે તમે ક્યારે આવ્યા તો એમણે કહ્યું કે જ્યારે તમે આવ્યા ત્યારે જ હું આવી ગયો હતો. એમણે કહ્યું હું એકલો રહું છું મારું કોઈ છે નહીં એટલે હું અહીં તમારા માટે આવ્યો છું કેમકે તમે નવા છો અને તમને કોઈ ચીજ વસ્તુઓની જરૂર પડે તો હું તમને મદદ કરી શકું. આ સાંભળતા જ મારી આંખમાં આંસું આવી ગયા હું ખૂબ જ ભાવુક થઈ ગયો.

રમેશભાઈએ કહ્યું કે મને ખબર છે કે તમારે ફરવા જવું હતું પણ કોઈ તમારી સાથે આવવા તૈયાર ન થયું. આ દુનિયા બહુ જ મતલબી છે કોઈ પાસે કોઈ ના માટે સમય જ નથી. ચિંતા ના કરો હું તમારી સાંજ સારી બનાવીશ. રમેશભાઈએ ચીઝ વાળી મેગી બનાવી અને અમે બંનેએ મેગી મૂવી જોતા જોતા ખાધી. હું ખૂબ જ ખુશ થયો. મુવી પૂરું થતાં રમેશભાઈ એ અમારા માટે પાઉંભાજી બનાવી. અમે બંનેએ પાઉંભાજી ખૂબ જ આનંદથી ખાધા પછી જ્યુસ પીધું. અમે વેફર ખાધી, ઊંચા અવાજે ગીતો સાંભળ્યા,અમે ગેમ્સ રમ્યા, રમેશભાઈએ ડાન્સ કર્યો, મને હસાવ્યો અને રડાવ્યો પણ ખરા કેમ કે આજ સુધી મારા માટે કોઈએ આવું કંઇ કર્યું જ ના હતું. મેં રમેશભાઈને આભાર વ્યક્ત કર્યો. ભલે હું બહાર ફરવા ના જઈ શક્યો પણ ઓફિસમાં રમેશભાઈ સાથે જેટલો સમય વિતાવ્યો એ મારા માટે ખૂબ જ ખાસ બની ગયો છે. હું આ સાંજ ક્યારેય ભૂલી શકીશ નહીં.

જીવનમાં નાની નાની ખુશીઓ શોધવી નથી પડતી આપણી સામે હોવા છતાં આપણે ખુશીઓ ને જોઈ શકતા નથી અને તેને માણી શકતા નથી.

– આર. કે. ચોટલીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.