નારીની સુંદરતા અને મર્યાદા દર્શાવતો પોશાક “સાડી”

માનુનીઓની માનીતી ‘સાડી’ હવે પર્વ, પ્રસંગ અને પરંપરા જાળવવા પૂરતી જ સીમિત છે, પરંતુ આજે પણ આધુનિક યુગની અતિ આધુનિક યુવતી પણ લગ્ન સંસ્કાર ધારણ કરતી વખતે ‘ઘરચોળુ’ અને ‘પાનેતર’ જ પહેરે છે

બોલીવૂડ અભિનેત્રી રેખા અને વિદ્યા બાલન ઓફસ્ક્રીન સાડીમાં જ નજર આવે છે, માત્ર બોલીવૂડ જ નહીં રાજકારણમાં પણ ‘સાડી’નો જ દબદબો છે. ઇંદિરા ગાંધીથી લઇને સ્મૃતિ ઇરાની અને આનંદીબેન પટેલ દરેકની પ્રથમ પસંદ ‘સાડી’ જ છે…!!

સાડી એક માત્ર એવો પોશાક છે જેની ગણના શૃંગારમાં થાય છે: સાડીને માત્ર સૌંદર્ય અને શૃંગાર સાથે જ નહીં પરંતુ સંસ્કાર સાથે પણ મૂલવવામાં આવે છે,  જે એક યુવતીમાં પરિપકવતા, મર્યાદા અને લજજા જેવા સંસ્કારોનો સંચાર કરે છે.

પરિધાન પસંદગીમાં એક જમાનામાં મહિલાઓની પ્રથમ પસંદ સાડી જ હતી. જે આજે પર્વ, પ્રસંગ અને પરંપરા સાચવવા પૂરતી સીમિત રહી ગઇ છે. આપણા દેશના વિવિધ પ્રાંતોમાં વિવિધ સાડીઓનું વિશેષ મહત્વ છે. જેમ કે બંગાળમાં કલકતી, મહારાષ્ટ્રમાં નૌ વારી અને આપણે ત્યાં ગુજરાતમાં ખાસ કરીને પટોળા અને બાંધણીનો ક્રેઝ છે. વિવિધ પ્રસંગોમાં પહેરાતી સાડીઓ માનુનીઓને વધુ આકર્ષક બનાવે છે. તેમજ તેમની સુંદરતામાં વધારો કરે છે. સાડી પરિધાન ગુજરાતની એક આગવી સંસ્કૃતિનું દર્શન કરાવે છે. કારણ કે તેને ગુજરાતી ઢબે પહેરવાની એક આગવી રીત છે. જો કે વિવિધ રાજયોમાં સાડી પહેરવાની  વિવિધ ઢબ છે, પરંતુ ખાસ કરીને અહીં ગુજરાતનો ઉલ્લેખ કરવાનું તાત્પર્ય એ છે કે ગુજરાતની મહિલાઓ દરેક પ્રકારની સાડીઓને પછી તે કલકતી હોય કે સાઉથ કોટન, સિલ્ક, ખાદી, કાંજીવરમ, અવરગન્ડી કે પછી બાંધણી હોય કે પટોળુ દરેક પ્રાંતની સાડીઓને ગુજરાતી ઢબે પહેરી જાણે છે અને પોતાની સુંદરતામાં વધારો કરે છે.

પરંપરાઓથી સજજ ભારતીય સંસ્કૃતિમાં ખાસ કરીને ગુજરાતમાં વસતી અમુક મહિલાઓ હજુ આજે પણ સાડી પહેરવી જ પસંદ કરે છે. એટલે કે જીન્સના યુગમાં આજે પણ ‘સાડી’ની ગરિમાને આ મહિલાઓએ જાળવી રાખી છે. તેમ કહી શકાય.

બોલીવુડમાં પણ સાડીઓનો અલગ ક્રેઝ છે. જુના જમાનાની અભિનેત્રીઓને વધુ પડતી સાડીઓમાં જ દર્શાવવામાં આવતી હતી. અને રેખા તથા વિદ્યાબાલન જેવી અભિનેત્રીઓ આજે પણ ઓફ સ્ક્રીન સાડીમાં જ જોવા મળે છે. સાડી એક જ એવો પોશાક છે જેની ગણના શૃંગારમાં થાય છે.

માત્ર બોલીવુડ જ નહીં પરંતુ રાજકારણમાં પણ સાડીનું આગવું મહત્વ છે. ઇંદિરા ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, સુષ્મા સ્વરાજ હોય કે પછી સ્મૃતિ ઇરાની કે પછી આનંદીબેન પટેલ દરેકની પ્રથમ પસંદ સાડી જ છે.

સાડી મર્યાદાનું પ્રતિક છે. સ્ત્રીની શોભા છે. કહેવાય છે કે સ્ત્રી જયારે સાડીથી સજજ હોય ત્યારે તેને વધુ માનભેર મુલવવામાં આવે છે.

સાડીને માત્ર સૌદર્ય અને શૃંગાર સાથે જ નહીં પરંતુ સંસ્કાર સાથે પણ મુલવવામાં આવે છે અને એટલે જ આજે પણ ગમે તેટલી આધુનિક યુવતી હોય પરંતુ લગ્ન સંસ્કારની વિધિમાં તે ખાસ પ્રકારની સાડી એટલે કે ‘ઘરચોળુ’ અને ‘પાનેતર’જ ધારણ કરે છે. અને આ પાતળી ભેદરેખા એક યુવતિને મહિલા બનવાના સફર તરફ દિશા નિર્દેશ કરે છે. જે તેનામાં પરિપકવતા, મર્યાદા અને લજજા જેવા સંસ્કારોનો સંચાર કરે છે. સાડી એક માત્ર એવો પોશાક છે જે બાળકને પણ આકર્ષિત કરે છે.

નાનું બાળક જયારે રડે છે અને પોતાની માતા પાસે જાય છે ત્યારે તેની માં પોતાના બાળકના આંસુને જયારે સાડીના પલ્લુથી લૂછે છે ત્યારે એ બાળક માત્ર શાંત જ નથી થતું બલકે પોતે હવે સુરક્ષિત છે તેવી સાંત્વના અનુભવ કરે છે. આમ સાડી પોતીકાપણાનો અહેસાસ કરાવે છે.

પશ્ર્ચિમી સભ્યતાને આજે જયારે અપનાવીને લોકો વિવિધ ‘ડે’મનાવે છે. ત્યારે એક દિવસ જરૂર આવશે જયારે સમગ્ર મહિલાઓ અને યુવતીઓ  કોઇ એક દિવસને નકકી કરશે અને ‘સાડી ડે’ મનાવશે.

સાડી િ૫્રય મહિલાઓ ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ સાડી પર વધુ રૂપિયા ખર્ચે છે: જે.કામદારના મેનેજર જતીનભાઇ જેઠવા

જે કામદાર શો રૂમના મેનેજર જતીનભાઇ જેઠવાએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલાઓ પ્રસંગોપાત સાડી પહેરવાનું વધારે પસંદ કરે છે. પરિવાર સાથે કયાંય જશે તો વેસ્ટર્ન લુક પોશાક નહી પહેરે ફકત સાડી જ પહેરશે., મહિલાઓ વર્ક વગરની સાડીઓ વધારે પસંદ કરે છે. સોના ચાંદીના દાગીના ના શોરૂમમાં પણ નિયુકત મહિલા અથવા યુવતિઓ સાડી જ પહેરે છે. તહેવારો ઉપર પણ માનુનીઓ સાડી ખરીદવાનું વધારે પસંદ કરે છે. આ સાથે ખાદીની સાડીનું પણ મહત્વ છે. રાષ્ટ્રીય તહેવારોમાં ખાદીની સાડીનું વિશેષ મહત્વ છે. મહિલા શિક્ષકો તથા રાજકારણમાં સક્રિય મહિલાઓ ખાદીની સાડી લેવાનું પસંદ કરે છે. લોકડાઉન પહેલા શોરૂમ પર આવેલા ગ્રાહકને સાથે બેસીને સમજાવી શકતા હતા જયારે અત્યારે અમે વધારે  માણસોને શોરૂમમાં આવવા જ નથી દેતા પહેલા સાડી લેવા ૧૦ થી ૧ર લોકો આવતા જયારે અત્યારે તેવી રીતે નથી આવતા આ ઉપરાંત અમે પણ માસ્ક અને સેનેટાઇઝરથી હાથ ઘોયા વગર પ્રવેશ આપવામાં નથી આવતો. સાડીની ડિમાન્ડ અંગે વધુમાં જણાવતા જતીનભાઇએ ઉમેર્યુ હતું કે સાડીની ડિમાન્ડમાં પણ લોકડાઉન અને સંક્રમણનો કંઇ ફેર નથી પડયો અત્યારે ૫૦ લોકોને લઇને પ્રસંગ ઉજવવામાં આવે છે તેમ છતાં સાડી પ્રિય મહિલાઓ સાડી ઉપર વધારે રૂપિયા ખર્ચે છે. અત્યારે માર્કેટમાં બધી પ્રકારની સાડીઓ વેંચાય છે, પછી તે વર્કવાળી હોય કે વર્ક વગરની દરેક પ્રકારની સાડીઓને પસંદ કરતો યુવતી અને મહિલા વર્ગ રાજકોટમાં છે.

સાડી પહેરવાની પાંચ નવી શૈલીઓ

એકની એક શૈલીથી જો સાડી પહેરવામાં આવે તો કદાચ સાડી પ્રત્યે અણગમો આવે, પરંતુ જો તેને અલગ અને નવી શૈલી સાથે પહેરવામાં આવે તો સાડી લાવણ્યમય બની જાય એટલે જ તો સાડી પહેરવાની પાંચ નવી શૈલીઓ વિકસાવવામાં આવી છે.

બંગાળી શૈલી:- સાડી બંગાળી શૈલીમાં પહેરવાનું સરળ છે, સહેલાઇથી ગોઠવી શકાય છે આ શૈલી સ્ત્રીને માત્ર સુંદર ઓપ જ નથી આપતી  બલ્કે આકર્ષણનું કેન્દ્ર પણ બને છે.

લોહાન્ગા શૈલી:- એક નવા દેખાવમાં લગ્નની પાર્ટી માટે આ શૈલીથી સાડી પહેરી શકાય છે. આ એક એવી શૈલી છે જેનાથી સામાન્ય સાડીથી પણ દેખાવને આકર્ષક બનાવી શકાય છે.

મરાઠી શૈલી:- આ શૈલી તદ્દન અલગ છે ખાસ કરીને મહારાષ્ટ્રની મહિલાઓ દ્વારા પહેરવામાં આવે છે. જેમાં સામાન્ય સાડી કરતા વધુ લાંબી અથવા તો મોટી સાડી એટલ કે પાંચ વારની જગ્યાએ નવ વારની સાડી હોય છે.

જલપરી શૈલી:- બોલીવુડમાં આ સાડીની શૈલીને અભિનેત્રીઓ દ્વારા પહેરવામાં આવે છે. જેમાં સ્ત્રીની સુંદરતાને માદક રૂપમાં દર્શાવી શકાય છે. આ પ્રકારને લો વેસ્ટ સાથે પહેરવામાં આવે છે.

બટર ફલાય પ્રકાર:- આધુનિક દેખાવ માટે આ શૈલીમાં સાડી પહેરવામાં આવે છે જેમાં પલ્લુને એટલું પાતળુ રાખવામાં આવે છે કે નાભી દેખાય છે.

વિવિધ પર્વો અને પ્રસંગને અનુરૂપ સાડીઓની પસંદગી કરવાની વિશેષ કાળજી લેવામાં આવે છે: ઓઢણી શોરૂમના માલિક દેવીયાનીબેન ગંગદેવ

ઓઢાણી શો રૂમ ના માલીક દેવીયાબીનેબ ગંગદેવએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમુક વર્ગના લોકોને પ્રસંગ અને તહેવાર નીમીતે સાડી પહેરવું ખુબ ગમે છે. પહેલા કરતા હાલ સાડીનું ચલણ ભલે ઓછું થયું છે પરંતુ નાના મોટા પ્રસંગમાં બહેનોને સાડી પહેરવાનું જ પસંદ આવે છે પોતે સાડીને કસ્ટમાઇઝ કરે છે. અને નવું ક્રીએશન લાવે છે. સાડીની પરંપરા જળવાઇ તે માટે પણ બહેનો કંઇક નવું કરે છે.

લોકડાઉન પહેલા જે લગ્ન પ્રસંગો થતા અને બીજા બધા પણ જે પ્રસંગો હતા તે કેન્સલ થયા છે જેથી સાડીની ડીમાન્ડ હવે પહેલા કરતાં થોડી ઘટીછે. આ સિવાય જો ખાદીની સાડીની વાત કરીએ તો અમુક વર્ગની બહેનો જેમ કે શિક્ષકો રાષ્ટ્રીય તહેવારમાં ખાદીની સાડી પહેરવાનું પસંદ કરે છે.

આ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખાદીની સાડીની કાળજી રાખવી અધરી છે. જેથી અમુક બહેનો જ ખાદીની સાડી લેવાનું પસંદ કરે છે. પહેલાના સમયમાં સ્કુલ ટીચર ખાદીની સાડી પહેરીને જ ભણાવતા તે બધુ હવે ઓછું થઇ ગયું છે.

તહેવાર નીમીતે ફલોરલ ફેબ્રીકની સાડીઓ ચાલે છે. મઘ્યમ વર્ગના લોકો બનારસી સાડી ખરીદવાનું પસંદ કરે છે. તથા યુવતીઓ હવે ફલોરલ સાડીઓ તરફ આકર્ષાય છે. અને કોઇ ખાસ ધાર્મિક પ્રસંગ અને વ્રતના દિવસોમાં તો નાની બાળાઓ પણ સાડીમાં જોવા મળે છે. તથા નવરાત્રિના સમયમાં ‘ગરબા સાડી’નું અનેરું મહત્વ છે.

Loading...