Abtak Media Google News

વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિ.નાં ૧૧માં પદવીદાન સમારોહમાં ૮૭૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત

રાજ્યપાલ ઓ.પી.કોહલીનાં અધ્યક્ષસ્થાને વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિ.નાં ૧૧માં પદવીદાન સમારોહમાં ૮૭૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ વિવિધ વિદ્યાશાખામાં આગવી સિધ્ધી મેળવનાર ૧૩ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ૪ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ મહાનુભાવોનાં હસ્તે એનાયત કરાયા હતા.

રાજ્યપાલ કોહલીએ સોમનાથ સંસ્કૃત યુનિ. નાં ૧૧માં પદવિદાન સમારોહમાં ઉપસ્થિત રહેવાના અવસરમાં સહભાગી થવા બદલ આનંદ અનુભવાની સાથે જણાવ્યું હતું કે, સોમનાથ સંસ્કૃત યુનિ. શૈક્ષણિક ક્ષેત્રે સતત આગળ વધી રહી છે. વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯માં યુનિ.એ જર્મનીની યુનિ.સાથે એમ.ઓ.યુ. કરી શૈક્ષણિક સિધ્ધી વૈશ્વિક ફલક પર પહોંચાડી છે, તે ગૈારવની બાબત છે. રાષ્ટ્રીયસ્તર સુધી યુનિ.નાં વિદ્યાર્થીઓએ ખેલકુદમાં ભાગ લઇ સોમનાથ સંસ્કૃત યુનિ.નું પ્રતિનિધિત્વ કરી નેટ સહિતની ઉચ્ચકક્ષાની પરિક્ષાઓ પાસ કરી છે.

Sanskrut Uni. 11 Padvidan Samaroh 05 02 19 3

આજની જુદી જુદી સમસ્યાનું નિવારણ પણ સંસ્કૃત ભાષામાં છે. આજના આધુનિ વૈજ્ઞાનિકયુગમાં સંસ્કૃતભાષાનું આચરણ પણ એટલું જ પ્રસ્તુત છે. સંસ્કૃત ભાષામાં સાહિત્ય, ધર્મ,નીતી, ગણિત, વિજ્ઞાન, મેડીકલ, સાયન્સ, જ્યોતિષ અને વેદના જ્ઞાનનો સમન્વય થાય છે. આપણી પરંપરા અને જીવન મુલ્યમાં સંસ્કૃત ભાષાનું ઘણું  પ્રદાન રહેલું છે.

Sanskrut Uni. 11 Padvidan Samaroh 05 02 19 4

ભારતની એકતા મજબુત કરવા માટે સંસ્કૃત ભાષા મુલ્યવાન છે તેમ જણાવી રાજ્યપાલએ કહ્યું કે, સંસ્કૃત ભાષાને સંપૂર્ણ દેશ સ્વીકારે છે. ગાંધીજીએ ભાષા પ્રત્યેનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, પ્રથમ માતૃભાષા, દ્રીતીય રાષ્ટ્રીય ભાષા, તૃતીય પ્રાદેશિક ભાષા, ચતુર્થ ધર્મની ભાષા એટલે સંસ્કૃત ભાષા અને ત્યારબાદ પાંચમી ભાષા તરીકે અંગ્રેજી ભાષાનો ઉલ્લેખ કરેલો છે. પરંતુ આજના આધુનિક સમયમાં ગાંધીજીએ આપેલા ભાષા ક્રમને આપણે ઉલટાવી નાખ્યો છે.

આજે દેશ-વિદેશનાં વિદ્યાર્થીઓ સંસ્કૃત તરફ ધ્યાન કેન્દ્રીત કરી તેનાં અભ્યાસમાં રસરૂચી કેળવી રહ્યા છે.પટણા વિશ્વવિદ્યાલયનાં સંસ્કૃત વિભાગનાં પૂર્વ અધ્યક્ષ પ્રો.ઉમાશંકર શર્માએ કહ્યું કે, રાજ્યમાં માત્ર એક સોમનાથ સંસ્કૃત યુનિ.માં અનેકવિધ નવા નવા અભ્યાસક્રમો શરૂ થઇ રહ્યા છે. દેશનાં ખુણે ખુણેથી સંસ્કૃત ભાષાનું શિક્ષણ મેળવવાં વિદ્યાર્થીઓ યુનિ.માં જોડાઇ રહ્યા છે. યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો પૈકી પી.એચ.ડી. ૫, એમ ફીલ ૧૭, એમ.એ. ૧૩૪, પી.જી.ડી.સી.એ. ૩૬૭, બી.એઙ ૩૭ અને બી.એ. ૩૧૦ સહિત ૮૭૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

Sanskrut Uni. 11 Padvidan Samaroh 05 02 19 6

પદવીદાન સમારોહની સાથોસાથ સોમનાથ સંસ્કૃત યુનિ. દ્વારા દર્શનશાસ્ત્ર વિષય પર ત્રિ-દીવસીય રાષ્ટ્રીય સંસ્કૃત સેમિનારનો રાજ્યપાલશ્રીએ પ્રારંભ કરાવ્યો હતો. સંસ્કૃતનાં વિદ્વાવાનોની ઉપસ્થિતિમાં તા. ૭ ફેબ્રુઆરીનાં રોજ આ સેમિનારનું સમાપન કરવામાં આવશે.

આ પદવીદાન સમારોહના પ્રારંભે સ્વાગત પ્રવચન  યુનિ.કુલપતિ પ્રો.ગોપ બન્ધુ મિશ્રાએ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, યુનિ.નાં કુલ સચિવ ડો. દશરથ જાદવ, અગ્રણી ડાયાભાઇ જાલોંધરા, લખમભાઇ ભેંસલા, રિતેષભાઇ ફોફંડી, મામલતદાર દેવકુમાર આંબલીયા, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સંસ્કૃતનાં ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.