Abtak Media Google News

નેટમાંથી બધુ મળેપણ ચારણના પેટમાંથી મળે, તો મળે

સારસી, રેણંકી, ઉઘ્ધવ, મોતીદામ જેવા છંદોના રસમાં શ્રોતાઓ થયા તરબોળ

માટીના છંદોને મહેકાવવાનો અવસર ખરાઅર્થમાં છંદને જીવાડવાનો અવસર બની રહ્યો. માત્ર છંદ પર જ કાર્યક્રમ થાય અને તેને યુવા ઓડિયન્સ તરફથી સતત ૩ વાર સ્ટેન્ડિંગ ઓવેશન મળે એ કાબિલે દાદ કહેવાય. અનુભા, રાજભા અને સાંઈરામ દવેની ત્રિપુટી જયારે છંદ દ્વારા યુદ્ધભૂમિનું વર્ણન, વીર રસનું વર્ણન, પ્રકૃતિનું વર્ણન, શૃંગારનું વર્ણન કરતા હતા ત્યારે તેમના શબ્દો આબેહુબ ચિત્ર લોકોના માનસમાં ઉભુ કરતા હતા. સારસી, રેણંકી, ઉઘ્ધવ, પદધરી, મોતીદામ, ભૂજંગી, ત્રિભંગી, ઉર્મિલા જેવા વિવિધ છંદોના રસમાં શ્રોતાઓ તરબોળ થયા હતા. ડાયરામાં પણ ભાગ્યેજ હવે સાંભળવા મળે છે એવા અપ્રાપ્ય છંદોને લઈને સાંઈલક્ષ્મી ફાઉન્ડેશને છંદોત્સવ નામે કરેલી આ પહેલમાં હકડેઠઠ ઓડિયન્સ હતું. ગીરની ભૂમિની ગહેક સાથે અનેક અપ્રચલિત છંદો અને સ્વરચિત ગીતની રજુઆત કરી રાજભાએ ઓડિયન્સને માટીના છંદોની મહેકનો પરિચય કરાવ્યો.

આ સાથે જ જાણીતા લોક સાહિત્યકાર અને શિક્ષણવિદ સાંઈરામ દવેએ પણ પોતાના અંદાજમાં નવી પેઢીને ગમે તેવા છંદોની રજુઆત કરી હતી. છંદની શૈલી અને પ્રકારની હાસ્ય સાથે લોકોને સમજ આપી અને આ વારસાને સાચવવા માટે અપીલ કરી. સાથે જણાવ્યું કે, સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા વિસરતા જતા વારસાને સાચવવા માટે અપીલ કરી. સાથે જણાવ્યું કે, સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા વિસરતા જતા વારસાને સાચવવા માટે સતત પ્રયત્ન કરાશે. ગાંઠિયાથી લઈ ગુજરાતની યાત્રા સાંઈરામ દવેના છંદમાં કરવા મળી. અનુભા ગઢવીએ પણ છંદ અને શબ્દોની તાકાતનો લોકોને પરિચય કરાવ્યો. શિક્ષક જેવી લાક્ષણિક અદામાં અનુભાએ અઘરા કહી શકાય તેવા છંદને સરળતાથી લોકોને સમજાવ્યા અને સંભળાવ્યા. ગુગલને ટાંકતાં કાવ્યશૈલીમાં તેમણે કહ્યું કે, નેટ પરથી કદાચ બધુ મળે…પણ ચારણના પેટમાંથી મળે…એ કયારેય નેટમાંથી ન જ મળે.

લોક સાહિત્યના ત્રણ ધુરંધર મહારથીઓને એક મંચ પર લાવી છંદ વિષય પર કાર્યક્રમ કરવાના સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનના આ નવતર પ્રયોગને શ્રોતાઓએ દિલથી વધાવ્યો હતો અને ફરી એક વખત આવો કાર્યક્રમ કરવામાં આવે તેવી આ કાર્યક્રમ દરમિયાન જ ઈચ્છા વ્યકત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાસ્ય કલાકાર તેજસ પટેલ અને સ્વાગત પ્રવચન સ્કાઉટ એન્ડ ગાઈડના સ્ટેટ સેક્રેટરી મનિષ મહેતાએ આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.