Abtak Media Google News

રાજકોટમાં ગત રાત્રીએ આગમન, પ્રચારકના ઘરે રાત્રી રોકાણ કર્યું : પ્રાંત અને  જિલ્લા અધિકારીઓ સાથે બેઠકો યોજી સંઘની તથા અન્ય સાંપ્રત પરિસ્થિતિ અંગેની વિગતો મેળવશે

આરએસએસનાં સર સંઘ ચાલક મોહન ભાગવત ગઈકાલે સાંજે સૌરાષ્ટ્રની મુલાકાતે પધાર્યા છે. આજથી તેઓએ બે દિવસ સ્વામિનારાયણ ગુરુકુલમાં પ્રાંત અને  જિલ્લા અધિકારીઓ સાથે બેઠકો યોજી ઝીણવટભરી માહિતી મેળવવાના છે.

આરએસએસનાં વડા મોહન ભાગવતની ગઈકાલે સાંજે રાજકોટમાં આગમન થયું છે. તેઓએ ગત રાત્રીના એક પ્રચારકના ઘરે રાત્રી રોકાણ પણ કર્યું હતું. તેઓ આજથી તા.૨૪ સુધી બે દિવસ આરએસએસના પ્રાંત અને જિલ્લા કક્ષાનાં અધિકારીઓ સાથે  બેઠકો યોજી વિવિધ મુદાઓ પર ચર્ચા કરશે. તા.૨૫ના રોજ ભાગવત આરએસએસનાં પ્રચારકો અને આરએસએસ પરિવાર સાથે ભોજન લેશે અને ચર્ચા વિચારણા કરશે.

દેશમાં તાજેતરમાં આવેલા કોરોનાના કારણે લોકડાઉન થયુ એ દરમિયાન સંઘની શિબિરો કાર્યક્રમો બંધ રહ્યા હતા તે પૂન: ચાલુ થાય અને કઈ રીતે કાર્યરત બને તે અંગે આરએસએસનાં કાર્યકરોને માર્ગદર્શન આપશે. હવેના સમયમાં સંઘ સમાજને કઈ કઈ રીતે મદદરૂપ થઈ શકે તે અંગે પણ ચર્ચા કરવામાં આવનાર છે. બહેનો માટે વિવિધ તાલીમો આપવા કાર્યક્રમ યોજવા બાળકોનું શિક્ષણ બંધ છે. તેવા સમયે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણા આપવા તથા સ્કીલ પર ભાર મૂકી યુવાનોને ઈલેકટ્રોનીક ઉપકરણો તાલીમ આપવા સહિતના કાર્યક્રમો યોજવા અંગે તેઓ માર્ગદર્શન આપશે. દેશમાં કોરોના પ્રસર્યો અને તેના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાત પ્રાંતમા આરએસએસનાં કાર્યકરોનાં અવસાન થયા તે અંગે પણ કાર્યકરો માહિતી આપશે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાને અણીએ છે. તે પૂર્વે આરએસએસના વડા રાજકોટ પધાર્યા છે.અહીં તેઓ તમામ પ્રચારકો સાથે બેઠકોનો ધમધમાટ ચલાવી અહીંની સંઘની તથા અન્ય સાંપ્રત પરિસ્થિતિથી વાકેફ થવાના છે. લોકડાઉનને કારણે સૌરાષ્ટ્રમાં જે શાખાઓ બંધ કરવામાં આવી હતી તેને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત બે દિવસ સુધી ચાલનારી બેઠકમાં સમાજમાં આર્થિક તેમજ અન્ય મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ રામ મંદિર નિર્માણ નીતિ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. ગઈકાલે તેઓના રાજકોટ  એરપોર્ટ આગમન પૂર્વે સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજે અને આવતીકાલે તેઓ રાત્રી રોકાણ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે જ કરવાના છે. તેઓની રાજકોટની મુલાકાતને લઈને સંઘના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.