સામીની ‘સુપર’ ઓવર અને સિકસર માસ્ટર રોહિતે ન્યુઝીલેન્ડની બાજી પલટાવી !!

ટીમ કોહલી સુપર ઓવરમાં “વિરાટ!!!

ટી-૨૦ સિરીઝ જીતતાની સાથે જ ભારત વિદેશમાં દ્વિપક્ષીય જીતતી પ્રથમ ટીમ બની

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ ટી-૨૦ મેચની સીરીઝ રમાવવાનો નિર્ણય ક્રિકેટ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે જેમાં ભારતીય ટીમે પ્રથમ ત્રણ ટી-૨૦ મેચ જીતી સીરીઝ અંકે કરી છે. ત્રીજા ટી-૨૦ મેચમાં ભારતીય ટીમે સુપરઓવરમાં સુપર રમત રમી ન્યુઝીલેન્ડને ઘુંટણીયે પાડયું હતું ત્યારે સમગ્ર પ્રદર્શનમાં ટીમ કોહલી સુપર ઓવરમાં વિરાટ સાબિત થઈ હતી ત્યારે બીજી તરફ શમીની સુપર ઓવર અને સિકસર માસ્ટર રોહિત શર્માએ ન્યુઝીલેન્ડની બાજી પલટાવી હોવાનું સામે આવ્યું હતું. ક્રિકેટ વિશેષજ્ઞો દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે જો ન્યુઝીલેન્ડનો સુકાની કેન વિલિયમ્સન થોડુ વધુ ટકી ગયો હોત તો મેચ સુપર ઓવરમાં રૂપાંતરિત ન થાત અને ન્યુઝીલેન્ડ મેચ જીતી શકત.

બીજી તરફ ન્યુઝીલેન્ડનાં બેટીંગ દરમિયાન ૨૦મી ઓવરમાં આવેલા મોહમદ સામીની ઓવર ખરાઅર્થમાં સુપર ઓવર સાબિત થઈ હતી તેને તેની છેલ્લી ઓવરમાં માત્રને માત્ર ૮ રન જ આપ્યા હતા. બોલીંગમાં આવતાની સાથે જ પ્રથમ બોલમાં રોસ ટ્રેઈલરે સિકસર ફટકારતા છેલ્લી ઓવરનો આગાજ મોટી ઓવર થાય તે હિસાબે કર્યો  હતો પરંતુ સામીની ચુસ્ત બોલીંગનાં કારણે પ્રથમ બોલ બાદ માત્રને માત્ર ૨ રન અને ૨ વિકેટો ઝડપી હતી જે પરિણામ સ્વરૂપે મેચ ટાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું. સુપર ઓવરમાં જે રીતે ૧૮ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો તે સુપર ઓવરમાં રોહિત શર્માએ જે રીતે છેલ્લા ૨ બોલમાં સિકસરો ફટકારી તેનાથી ટીમ સીરીઝ જીતવામાં સફળ થઈ હતી. હાલ ટીમ મેનેજમેન્ટ દ્વારા સુપરઓવરમાં લોકેશ રાહુલની સાથે શ્રેયાંશ અય્યરને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ ટીમ મેનેજમેન્ટે અંતે રોહિત શર્માને રાહુલ સાથે બેટીંગમાં ઉતારવાનું જણાવ્યું હતું. કારણકે જે રીતે રોહિત શર્માએ ૬૫ રન ફટકાર્યા હતા તે જોતા ટીમ મેનેજમેન્ટે તેના પર ભરોસો મુકી સુપર ઓવરમાં મોકલ્યો હતો જેનું પરીણામ ભારતને વિજય સ્વરૂપે મળ્યું હતું. ક્રિકેટ વિશેષજ્ઞોનું માનવું છે કે રોહિત શર્મા જે રીતે બોલને લીફટ કરે છે તેના કારણે જે છેલ્લા બે બોલમાં સિકસરો ફટકારવામાં આવી તે રોહિતની કૌશલ્યભરી રમત હોવાનું સામે આવ્યું છે. ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, ન્યુઝીલેન્ડ ખરાઅર્થમાં જીતની દાવેદાર ટીમ હતી જે રીતે કેન વિલિયમન્સને રમત રમી તે જોતા એ વાત સ્પષ્ટ હતી કે ન્યુઝીલેન્ડ ટીમ મેચ જીતી જશે.

અગાઉની બંને મેચોમાં નિષ્ફળ રહેલા રોહિત શર્માએ આ મેચમાં શાનદાર બેટિંગ કરતા ૪૦ બોલમાં ૬ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૬૫ રન બનાવ્યા હતા. તેણે ઓપનિંગ જોડીદાર લોકેશ રાહુલ (૨૭) સાથે પ્રથમ વિકેટ માટે ૯ ઓવરમાં ૮૬ રન બનાવ્યા હતા. રાહુલના આઉટ થયા બાદ શિવમ દુબે બેટિંગમાં આવ્યો હતો પણ તે ફક્ત ત્રણ રન બનાવી આઉટ થઈ ગયો હતો. બાદમાં કેપ્ટન વિરાટ કોહલીએ ૨૭ બોલમાં ૩૮ રનની ઈનિંગ રમી હતી. શ્રેયસ ઐયરે ૧૭ રન બનાવ્યા હતા. મનીષ પાંડે ૧૪ અને રવીન્દ્ર જાડેજા ૧૦ રન બનાવી નોટઆઉટ રહ્યાં હતા. ૨૦ ઓવરના અંતે ભારતે ૫ વિકેટે ૧૭૯ રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી બેનેટ્ટ ૩ વિકેટ ઝડપી સૌથી સફળ બોલર રહ્યો હતો. ૧૮૦ રનના ટાર્ગેટનો પીચો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી હતી અને ઓપનર કોલિન મુનરો (૧૪) તથા માર્ટિન ગુપટિલ (૩૧)એ ૪૭ રનની ભાગીદારી કરી હતી. જોકે, ૫ રનના ગાળામાં જ આ બંને આઉટ થઈ જતા ભારતે મેચ પર પકડ મજબૂત બનાવી લીધી હતી. જોકે, ત્રીજા ક્રમે બેટિંગમાં આવેલા કેન વિલિયમ્સને જોતજોતામાં મેચનું પાસું પલટી નાખ્યું હતું. તેણે ૪૮ બોલમાં ૯૫ રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી અને કીવી ટીમને જીતની એકદમ નજીક લાવી દીધી હતી પણ છેલ્લી ઓવરમાં મોટો ડ્રામા જોવા મળ્યો. અહીં ન્યૂઝીલેન્ડને જીત માટે ૯ રનની જરૂર હતી.

વિલિયમ્સન અને ટેલરની જોડી મેદાન પર હતી જેથી ટાર્ગેટ એકદમ સરળ લાગતો હતો. જોકે શમીએ ત્રીજા બોલે ખતરનાક કેન વિલિયમ્સનને આઉટ કરી ભારતની  છેલ્લા બોલ પર ટેલર સ્ટ્રાઈક પર હતો અને મોહમ્મદ શમીએ તેને આ બોલે બોલ્ડ કરતા મેચ ટાઈ પડી હતી. ભારત તરફથી શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ ઝડપી હતી. મેચનું પરીણામ લાવવા માટે સુપર ઓવર રમાડવામાં આવી હતી. આમાં ન્યૂઝીલેન્ડ તરફ રોઝ ટેલર અને કેન વિલિયમ્સને મળી ૧૭ રન બનાવ્યા હતા. ભારતને મળેલા ૧૮ રનના ટાર્ગેટને ચેઝ કરવા રોહિત શર્મા અને કે એલ રાહુલ મેદાન પર ઉતર્યા હતા. ટિમ સાઉથીના પ્રથમ બે બોલમાં ત્રણ રન જ બનતા ભારત દબાણમાં આવી ગયું હતું. ત્રીજા બોલે રાહુલે ચોગ્ગો ફટકારી આશા જીવંત રાખી હતી પણ ચોથા બોલ પર ફરી સિંગલ રન જ આવતા પ્રેશર ભારત પર વધી ગયું હતું. હવે જીત માટે છેલ્લા બે બોલ પર ૧૦ રનની જરૂર હતી. આવામાં રોહિત શર્માએ બંને બોલ પર શાનદાર બે છગ્ગા ફટકારી ભારતને યાદગાર જીત અપાવી હતી. આ મેચમાં રોહિતે પહેલા પણ શાનદાર અર્ધ સદી ફટકારી હતી. આની સાથે ભારતીય ટીમે ૫ મેચોની આ ટી૨૦ સીરિઝ પર કબજો કરી લીધો છે.

Loading...