Abtak Media Google News

‘બાબા’ની અણ આવડતના પાપે ‘શિખંડી’ઓ કોંગ્રેસનો ’દિપક’ બુજાવશે

કોર્પોરેટરની ચૂંટણી જીતવા પણ અસક્ષમ વ્યકિતને કોંગ્રેસે મધ્ય પ્રદેશ ચૂંટણીના ઈન્ચાર્જ બનાવી ઉજળો માહોલ અંધકારમય બનાવી દીધાની ચર્ચા: ટીમ અહેમદ પટેલની ભૂંડી ભૂમીકા

શિવરાજનું શાસન હાલક ડોલક કરવાનું સ્વપ્ન જોતી કોંગ્રેસનું ખ્વાબ જ હાલકડોલક થવા લાગ્યું: કરોડો રૂપીયા લઈ ટિકિટોનું વેંચાણ કરાયાની ફરિયાદ હાઈકમાન્ડ સુધી પહોંચી

કોંગ્રેસને હરાવવા ખૂદ કોંગ્રેસ જ મેદાનમાં: ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિ: ભાજપ છાવણી ગેલમાં સત્તાના સેમિફાઈનલમાં કોંગ્રેસ ટોસ હારી હવે: ‘બાજી’ પણ ગુમાવશે?

લોકસભાની ચૂંટણીને આડે હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા મહિનાઓ જ બાકી રહ્યા છે. સત્તાના સેમીફાઈનલ જંગ સમા પાંચ રાજયની વિધાનસભાની ચૂંટણીના બ્યુગલો વાગી ચૂકયા છે. છત્તીસગઢમાં તો પ્રથમ તબકકાનું મતદાન પણ પૂર્ણ થઈ ચૂકયું છે. દેશના સૌથી મોટા રાજયો પૈકીના એક એવા મધ્યપ્રદેશમાં આ વખતે કોંગ્રેસ માટે ખૂબજ ઉજળા સંજોગો દેખાય રહ્યા છે.

ત્યારે કોંગ્રેસનો દિપક પ્રજવલીત થાય તે પૂર્વ જ અમૂક શિખંડીઓએ કરોડો રૂપીયાનો વહીવટ કરી આડેધડ ટિકિટનું વેચાણ કરી દેતા હવે કોંગ્રેસ માટે દિપ પ્રજજવલીત થાય તે પહેલા જ બુઝાઈ જાય તેવી દહેશત ઉભી થવા પામી છે. ભાજપ કોંગ્રેસને ફરી પરાસ્ત કરે તે પહેલા ખુદ કોંગ્રેસીઓ જ કોંગ્રેસનું ગળું ઘોંટવા ઉભા થયા છે. આ અંગે છેક હાઈકમાન્ડ સુધી ફરિયાદ પહોચી છે.પરંતુ ‘બાબા’ની બાલીસતાનો લાભ શિખંડી લઈ રહ્યા છે. ફરી એક વખત ટીમ અહેમદ કોંગ્રેસનો સત્યાનાશ કાઢવા ઉભી થઈ છે.

મધ્યપ્રદેશમાં છેલ્લા ઘણા વર્ષોથી સત્તા વિહોણી કોંગ્રેસ માટે આ વખતે સત્તા સુખના થોડાઘણા સંજોગો દેખાતા હતા. પરંતુ ટિકિટની ફાળવણીમાં કોંગ્રેસમાં કકળાટ થઈ ગયો છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના ઈન્ચાર્જ તરીકે કોંગ્રેસ દ્વારા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લાના મીન રાશી ધરાવતા અને વૃષભ રાશીની અટક ધરાવતા એક શખ્સે કોંગ્રેસની પથારી ફેરવવા ઉભો થયો છે.

ટીમ અહેમદ પટેલે જાણે દેશમાંથી કોંગ્રેસનું નામોનિશાન મીટાવી દેવાની સોપારી લીધી હોય તેમ કરોડો ‚પીયા ઘરભેગા કરી પાયાના કાર્યકર્તા અને ખરેખર ટિકિટના હકકદાર નેતાને ટિકિટ આપવાના બદલે કોથળા મોઢે નાણા આપનારને ટિકિટ ફાળવી દીધી છે. આ અંગે છેક એઆઈસીસી સુધી ફરિયાદો પહોચી છે. રાહુલ ગાંધી બાલીશતાનો લાભ ઈન્ચાર્જ પણ હવે ઉઠાવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેના ભરોસે જીતવાની આશા કોંગ્રેસ રાખી રહી હતી તે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને બિહારના સહ ઈન્ચાર્જ તરીકે નિમણુંક કર્યાના થોડા સમયમાંજ તોબા પોકારી ગઈ છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય પણ એમ.પી.ની. ચૂંટણીમાં ભૂંડી ભૂમીકા નિભાવી રહ્યા છે. એક તરફ દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત મથામણ કરી રહી છે ત્યારે બીજી તરફ ખૂદ કોંગ્રેસીઓ જ કોંગ્રેસને કબરમાં પોઢાળી દેવા માટે પુરજોશમાં સક્રિય છે.

પોતાની રાજકીય કારકીર્દી દરમિયાન કયારેય કોર્પોરેટરની ચૂંટણી પણ ન જીતનાર અથવા બીજા શબ્દોમાં કહીએ તો નાની સુની ચૂંટણી જીતવાની પણ તાકાત ન ધરાવતા શેરી ગલીના નેતા જેવા અંધકાર દૂર કરી દે તેવું નામ ધરાવતા અને દેખાવે શિખંડી જેવા વ્યકિતને કોંગ્રેસ મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના ઈન્ચાર્જ તરીકેની મોટી જવાબદારી સોંપી છે. આવા નેતા હવે પોતાને જ સર્વોપરી સમજી બેઠા છે. અને ટિકિટ ફાળવતા નથી.

પણ ટિકિટનું રિતસર વેંચાણ કરી રહ્યા છે. જેના પર એઆઈસીસીના એક કદાવર નેતાના બે ચાર નહી પરંતુ અઢળક હાથ છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ માટે માહોલ ખૂબજ સારો છે. પણ શિખંડીઓ જે રિતે મેદાનમાં પડયા છે. તે જોતા એવું લાગી રહ્યું છે. કે, એમ.પી.માં કોંગ્રેસ ‘શિવરાજ’ને હરાવવાનું સ્વપ્ન જોવાનું છોડી દેવું જોઈએ કારણ કે જે વ્યકિતના ભરોસે જીતવાની આશા રાખવામાં આવી રહી છે. તે ઈન્ચાર્જ પોતાના મળતીયાઓ સાથે ચોગઠા ગોઠવી આડેધડ ટિકિટનું વેચાણ કરી રહ્યા છે.

ભાજપ કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષો કોંગ્રેસને હરાવવા માટે સક્ષમ નથી પરંતુ કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવી રહી છે એક શિખંડીને નામશેષ કરી દેવામાં આવે ત્યાં હજારો શિખંડીઓ કોંગ્રેસનું ગળુ દબાવવા ઉભા થાય છે. જેના કારણે દર વખતે ચૂંટણીના પરિણામ પહેલા જ પંજો પીંખાય જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.