Abtak Media Google News

ગોંડલમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ: શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલને ૧૫ વર્ષ પૂર્ણ તા હોસ્પિટલના આધુનિકરણ માટે પૂ.રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ભાગવત સપ્તાહ ચાલી રહી છે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગોંડલ ખાતે યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહયા હતા. શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલને ૧પ વર્ષ પૂર્ણ થતાં હોસ્પિટલના આધુનિકરણ માટે પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની વ્યાસાસને આ ભાગવત સપ્તાહનું આયોજન થયેલ છે.

આ પ્રસંગે ઉપસ્થિત ધર્મપ્રેમી જનતાને સંબોધન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભાગવતથી અનેક પાપોનું ધોવાણ થઇ જાય છે. પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની કથા થકી લોકો સત્યના માર્ગે વળશે. આધ્યાત્મિક ચેતના માટે ગીતા ભાગવત કથા આપણા માટે પ્રેરણાસ્ત્રોત છે. આજના સ્ટ્રેસના સમયમાં આપણને ચેતના ઉર્જા મળે છે, એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રની ધરાના વિવિધ સંતોનો પરિચય આપતાં કહયું હતું કે, પૂ. હરિચરણદાસ મહારાજના જીવનનું એક જ સુત્ર છે-માનવ સેવા. જલારામ બાપા, નાથારામ બાપા, રણછોડદાસ બાપું, સહિતના સૌરાષ્ટ્રના સંતો-મહંતો કારણે આપણું ગુજરાત આધ્યાત્મિક ગુજરાત બન્યું છે. સામાજિક ધાર્મિક ઉત્સવો થકી સમાજ સત્યના માર્ગે વળે છે, એવો આશાવાદ મુખ્યમંત્રીએ આ તકે વ્યક્ત કર્યો હતો.

Cm At Gondal Katha 3

હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ખાતમુહૂર્ત થયેલ શ્રીરામ હોસ્પીટલનું લોકાર્પણ પોતાના હસ્તે થવાથી થયેલ ગૌરવની લાગણી વર્ણવતાં મુખ્યમંત્રીએ કહયું હતું કે,  શ્રીરામ હોસ્પિટલની દવાઓ સાથે દુવાઓ પણ ભળેલી છે. શ્રીરામ હોસ્પિટલ થકી થનારી માનવસેવા માટે જૈન દાતાઓએ લક્ષ્મીનો સદઉપયોગ કર્યો છે, તેમ પણ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ રાજય સરકારે ઉદાર બનાવેલી મેડીકલ પોલીસીની વિગતો આપતાં કહયું હતું કે,  ૫૦૦ બેડની હોસ્પીટલ બને તો સરકારની નીતિ મુજબ મેડીકલ કોલેજ પણ આ હોસ્પિટલને મળી શકશે. રાજયભરમાં અગાઉ ૯૦૦ મેડીકલ સીટ હતી, જેની સામે સતત વધતી જતી વસ્તીને સુદ્રઢ આરોગ્ય સેવાઓ પુરી પાડવાના આશયથી રાજય સરકારે ૫૫૦૦ સીટ ઉભી કરી છે, એવી માહિતી પણ મુખ્યમંત્રીએ આ તકે રજૂ કરી હતી.   ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ન જવું પડે, તે માટે ગુજરાતમાં મેડીકલ કોલેજનો વ્યાપ વધારી છેવાડાના માનવી સુધી સઘન આરોગ્ય સેવાઓ વધારવા માટે સરકાર જરૂર મુજબની ગ્રાન્ટ આપશે. તેમ પણ મુખ્યમંત્રીએ કહયું હતું.

કથાના મુખ્ય યજમાન ક્રિકેટર ચેતેશ્વર પુજારા તથા તેમના પરિવારે પુજન કર્યુ હતું. સ્વાગત પ્રવચન સદગુરૂ ચેરી. ટ્રસ્ટ્રના સેક્રેટરી નિતિનભાઇ રાઇચુરાએ કર્યુ હતું.

Cm At Gondal Katha 4

૫૦ હજાર સ્કવેર ફીટમાંથી એક લાખ સ્કવેરફીટમાં બનવા જઇ રહેલી શ્રીરામ સાવર્જનિક હોસ્પિટલ માટે અજયભાઇ શેઠે અને ચેતનભાઇએ રૂ. એક-એક- કરોડના ચેક હરિચરણદાસજી મહારાજને અર્પણ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ આજે મુલાકાત લીધી તે શ્રીરામ હોસ્પિટલ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આવેલી છે. ત્રણ માળની આ હોસ્પિટલમાં  હ્રદયરોગ, સ્ત્રીરોગ, દાંત, આંખ વગેરે વિભાગો ચાલી રહયા છે. એકસરે, સીટી સ્કેીન લેબોરેટરી પણ ઉપલબ્ધ છે. તદન નજીવા દરે દર્દીઓની શુશ્રુષા કરવામાં આવે છે.આ હોસ્પિટલનો અત્યાર સુધીમાં પોણા નવ લાખ જેટલા દર્દીઓએ લાભ લીધો છે. આ હોસ્પિટલ ઉપરાંત, શ્રી રામજી મંદિર દ્વારા અન્નક્ષેત્ર, ગૌશાળા, ઘાસ વિતરણ, કુંભમેળો વગેરેનું પણ આયોજન કરાય છે.

આ પ્રસંગે સાંસદ રમેશભાઇ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાધવાચાર્ય મહારાજ, કલેકટર રૈમ્યા મોહન, જિલ્લા વિસ્કાસ અધિકારી અનિલ રાણાવસિયા, પ્રાંત અધિકારી રાઇજાદા, ભૂવનેશ્વરી પીઠના ઘનશ્યામ મહારાજ, યુવરાજ હિમાંશુસિંહ તથા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.