મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સોરઠિયા રજપુત સમાજનો સમુહલગ્નોત્સવ સંપન્ન

ઠાકોર સાહેબ માંધાતાસિંહજીએ નવદંપતીઓને આશિર્વાદ પાઠવ્યા: લગ્નગીતની રમઝટથી મંગલ અવસર દીપી ઉઠયો

તાજેતરમાં પૂજ્ય દેશળ ભગત, વિરલ વિભુતી પૂજ્ય સંપૂર્ણાનંદજી બાપુ તથા મહામુકત મહારાજ, પૂજ્ય સંતશ્રી દેવુ ભગતનાં આર્શિવાદ અને પ્રેરણાથી તેમજ વિવિધ દાતાઓનાં સહયોગથી સોરઠીયા રજપુત સમાજનાં નિ:શુલ્ક સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ સોરઠીયા રજપુત સમાજનાં નિ:શુલ્ક સમૂહ લગ્નોત્સવમાં રાજકોટ તેમજ બહારગામનાં થઈ કુલ ૧૫ દિકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ, આ લગ્નોત્સવમાં સોરઠીયા રજપુત સમાજનાં પ્રમુખ વિજયભાઈ ચૌહાણની આગેવાની હેઠળ સમૂહ લગ્ન સમિતિનાં પ્રમુખ હકાભાઈ ચૌહાણ, સોરઠીયા રાજપુત યુવા શકિતનાં પ્રમુખ પ્રતાપભાઈ ચૌહાણ તેમજ સોરઠીયા રાજપુત યુવા ગ્રુપનાં પ્રમુખ મુકુંદભાઈ રાઠોડએ જહેમત ઉઠાવેલ હતી. તમામ ૧૫ દિકરીઓનો કરીયાવર ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાનાં વરદ હસ્તે આપવામાં આવેલ છે. આ તકે માંધાતાસિંહજીએ દિકરીઓને સફળ લગ્નજીવનનાં આશિર્વાદ પણ પાઠવેલ અને મનનીય ઉદ્બોધન પણ કરેલ હતું.આ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ હાજરી આપી સોરઠીયા રજપુત સમાજનાં સમૂહલગ્નોત્સવને ગૌરવ અપાવેલ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આકર્ષક ફુલોનાં હાર પહેરાવી સન્માનીત કરવામાં આવેલ, વિજયભાઈ રૂપાણીએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે હાલ સમયમાં અગણિત ખર્ચા કરવા એના કરતા સમૂહલગ્નમાં પોતાના સંતાનોને પરણાવી દેવા વધુ હીત ભર્યું લાગે છે. અને સાથે સાથે તેઓશ્રી દાંપત્યજીવનમાં પગલા માંડતા નવયુગલોને આશિર્વાદ આપેલ અને સોરઠીયા રાજપુત સમાજનાં સમૂહ લગ્નોત્સવને એક ઉમદા કાર્ય ગણાવી અને વિજયભાઈ ચૌહાણ અને કાર્યરત સમગ્ર ટીમને સુંદર કાર્ય બદલ શુભેચ્છા પાઠવેલ હતી.

આ સમૂહલગ્નોત્સવમાં રાજકોટ ઉપરાંત બહારગામથી પણ મહાનુભાવોએ વિશેષ હાજરી આપી તેમા સર્વેશ્રી ભાવનગર નગરપાલિકનાં મેયર મનભા મોરી, હરીવંદના કોલેજનાં મહેશભાઈ ચૌહાણ, કમલેશભાઈ સોઢા, સજનભાઈ રાઠોડ સહીતનાં અનેક આગેવાનોએ જાજરમાન સમૂહલગ્નોત્સવનાં સાક્ષી બન્યા હતા. કરીયાવરમાં કુલ ૧૫૧ થી પણ વધુ ઘર વપરાશની વધુ ચીજ વસ્તુઓ આપવામાં આવેલ જેમાં મુખ્યત્વે કબાટ, ડબલ બેડ સેટી, ફ્રીજ, એલઈડી ટીવી, ડાઈનીંગ ટેબલ, પંખા જેવી વસ્તુઓ પણ સામેલ હતી.

જયારે નવદંપતીઓ ધાર્મિક વિધી થી દાંપત્ય જીવનમાં પગલા માંડતા હતા ત્યારે મંડપમાં દિપાલીબેન ચાવડા અને તેમની ટીમ દ્વારા એક થી એક ચડીયાતા લગ્ન ગીતની હારમાળા રજુ કરી રહયા હતા. જે કાયમ માટે એક યાદગાર સંભારણું બની રહેશે.  આ સમૂહલગ્નોત્સવને સફળ બનાવવા વિજયભાઈ ચૌહાણની આગેવાની હેઠળ હકાભાઈ ચૌહાણ, પ્રતાપભાઈ ચૌહાણ તેમજ મુકુંદભાઈ રાઠોડ અને તેમની ટીમ કાર્યરત બની હતી.

Loading...