Abtak Media Google News

શ્રીલંકા, બાંગ્લાદેશ અને પૂર્વિ આફ્રિકામાં જળપરિવહન શરૂ  કરવા ખાનગી કંપનીઓ તત્પર

ગુજરાત પાસે અઢળક તકો વિશાળ દરિયાકિનારાના સ્વરૂપમાં રહેલી છે. ગુજરાતનો ૧૬૦૦ કિમી લાંબો દરિયાકિનારો જાણે અમૂલ્ય ખજાનાનો ભંડાર છે. દરિયાના પેટાળમાં રહેલા ખનીજથી માંડી જળ પરિવહન માટે અમૂલ્ય તકો ઉભી કરનારી છે. ભારત પાસે ૭૦૦૦ કિમી લાંબો દરિયાકિનારો આવેલો છે. જે પ્રવાસનની સાથોસાથ માલવાહન માટે પણ અઢળક તકો પુરી પાડનાર છે. જેને ધ્યાને રાખીને રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે માલપરિવહન માટે ફક્ત દેશની જ નહીં પરંતુ વિદેશી કંપનીઓ પણ સમુદ્રી પરિવહન માટે તત્પર બની છે.

અદાણી લોજિસ્ટિક્સ, શ્રેયસ શિપિંગ, આંગ્રિયા ક્રુઝ, સમુદ્ર મરીન, એસ્ક્વાયર શિપિંગ અને જેએમ બક્સી ગ્રૂપ સહિતની ૮૦ ખાનગી કંપનીઓ દેશભરમાં રો-રો, રોપેક્ષ, ક્રુઝ ઓપરેશન સહિતની વ્યવસ્થાનો ભાગ બનવા તત્પર છે. દેશ-વિદેશની ૮૦ જેટલી કંપનીઓએ ભારતીય જળ પરિવહનનો ભાગ બનવા રસ દાખવ્યો છે. શ્રીલંકાની કંપનીએ પુડ્ડુચેરી સહિતના વિસ્તારોમાં આ સેવા શરૂ કરવા તત્પરતા બતાવી છે જ્યારે બાંગ્લાદેશની કંપની પારાદિપ, વિઝાગ અને કોલકાતાથી બાટલા વચ્ચે ફેરી સેવાઓ ચલાવવા માટે ઉત્સુક છે.

જળ પરિવહન મંત્રાલય હેઠળ ચાલતી સાગરમાલા ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એસડીસીએલ)એ તાજેતરમાં ભારત સહિત બાંગ્લાદેશ, શ્રીલંકા અને પૂર્વ આફ્રિકામાં પણ આવી સુવિધા ઉપલબ્ધ કરાવવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈ પણ કંપનીએ પૂર્વ આફ્રિકામાં સેશેલ્સ અને મડાગાસ્કરની સેવાઓ માટે રસ દાખવ્યો નથી.

એસડીસીએલે હજીરા, ઓખા, સોમનાથ મંદિર, દીવ, પીપાવાવ, દહેજ, મુંબઇ/જે.એન.પી.ટી. સહિતના સ્થાનિક સ્થળોની ઓળખ કરી છે.  જામનગર, કોચી, ઘોઘા, ગોવા, મુન્દ્રા અને માંડવી સહિતના ૬ બંદરો આંતરરાષ્ટ્રીય ફેરી સેવાઓ શરૂ કરવા માટે શ્રેષ્ઠ બંદર છે. જે મુખ્ય બંદર ચાર આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.