Abtak Media Google News

વ્યવસાયિક આરોગ્યકર્મીઓની પરીષદ ઓકયુકોન-૨૦૧૯નું રાજયના શ્રમ અને રોજગારમંત્રી દિલીપ ઠાકોર અને રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીના હસ્તે ઉદ્ઘાટન

સિદ્ધિ પ્રાપ્તકર્તાઓ પ્રખ્યાત ડોકટરો અને વ્યાવસાયિકોને એવોર્ડ આપી સન્માનિત કરાયા

ઈન્ડિયન એસોસિએશન ઓફ ઓકયુપેશનલ હેલ્થ (આઈએઓએચ)ની ૬૯મી વાર્ષિક નેશનલ કોન્ફરન્સ-ઓકયુકોન ૨૦૧૯નો રાજકોટ ખાતે આરોગ્ય અને સ્વચ્છતા, સલામતી અને પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રના જાણીતા તબીબો અને વ્યાવસાયિકોની હાજરી સાથે પ્રારંભ થયો હતો. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર, આપત્તિ વ્યવસ્થાપન અને યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપ ઠાકોરે રાજકોટના વિશાળ રેજન્સી લગૂન રિસોર્ટમાં યોજવામાં આવેલી આ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું. રાજયસભાના સભ્ય અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ઠાકોરે તેમના ઉદઘાટન પ્રવચનમાં તમામ ક્ષેત્રોમાં કર્મચારીઓના આરોગ્યની જરૂરીયાત પર ભાર મુકયો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ વ્યવસાયમાં પ્રગતિ અને વિકાસ માટે કામ કરવા માટેની સલામત અને સ્વસ્થ પરિસ્થિતિઓ મુળભુત જરૂરિયાત છે. ઠાકોરે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) અને ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ વ્યાવસાયિક સ્વાસ્થ્ય માટે હિમાયત કરવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.

આ પ્રસંગે વ્યાવસાયિક આરોગ્ય ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનાર વ્યકિતઓનું મંત્રી અને પરિમલ નથવાણીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. બંને મહાનુભાવોએ પ્રખ્યાત ડોકટરો અને વ્યાવસાયિકોને એવોર્ડસ પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે એક સ્મરણિકાનું પણ વિમોચન કરાયું હતું. પ્રારંભમાં આઈએઓએચના નેશનલ પ્રેસિડેન્ટ ડો.આર.રાજેશે જણાવ્યું હતું કે, તમામ ક્ષેત્રોમાં મુળભુત વ્યાવસાયિક આરોગ્ય સેવાઓનું અમલીકરણ આજના સમયની આવશ્યકતા છે. કોન્ફરન્સના ચેરપર્સન ડો.મિલી ડોડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને ઓકયુકોન-૨૦૧૯ના કોન્ફરન્સ સેક્રેટરી ડો.હિતેશ શિંગાળાએ ઉદઘાટન સત્રના અંતે આભાર દર્શન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.