Abtak Media Google News

ભાજપમાં છાનાખૂણે ચાલી રહેલી સર્વોપરીતાની લડાઈની અસર ભુપેન્દ્રસિંહને હાઈકોર્ટના કેસમાં થઈ રહ્યાનો રાજકીય વિશ્લેષકોનો મત

આગામી ૨૩મી એપ્રીલે ગુજરાતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ફરીથી રાજયની તમામ ૨૬ બેઠકોપર વિજય મેળવવા ભાજપ શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને કોંગ્રેસમાં પ્રવર્તી રહેલી જુથબંધીનો લાભ લઈને તેના શકિતશાળી ધારાસભ્યોને કેસરીયા કરાવી રહ્યા છે. ત્યારે, ભાજપમાં પણ છાનાખૂણે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. આવી લડાઈના કારણે રૂપાણી સરકારના વરિષ્ટ મંત્રીઓમાના એક કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે તેમની ધારાસભ્યપદેથી બરતરફીનો ગાળીયો હાઈકોર્ટમાં કસાઈ રહ્યો છે.

વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા-ધંધુકાની બેઠક પરથીભાજપના પીઢ ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોંગ્રેસના નવા નિશાળીયા ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે ૩૨૪ મત જેવી પાતળી સરસાઈથી વિજેતા થયા હતા આ ચૂંટણીનીક મતગણતરી દરમ્યાન રીટર્નીંગ ઓફીસર અને હાલ અમદાવાદમાં ડે.કલેકટર તરીકે ફરજ બજાવતા ધવલ જાનીએ ચૂંટણી પંચના અનેક નિયમોનું ઉલ્લંઘન કરીને ચુડાસમાને વિજેતા જાહેર કર્યાના આક્ષેપ સાથે આ પરિણામને અશ્વિન રાઠોડે ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

અશ્ર્વીન રાઠોડ કરેલી અરજીમાં દલીલો કરવામાં આવી છે કે ચૂંટણીપંચના નિયમો મુજબ પોસ્ટલ બેલેટોની ગણતરી ઈવીએમની મતગણતરીના ઓછામાં ઓછા બે અંતિમ રાઉન્ડ પહેલા પુરી થવી જોઈએ જે આ કેસમાં થઈ નથી બીજા નિયમ મુજબ મતગણતરી કેન્દ્રમાં માત્ર ચૂંટણીના ઓબ્ઝર્વરો જ મોબાઈલ ફોન લઈ જઈ શકે છે. જયારે આ કેસમાં રીર્ટનીંગ ઓફીસર ધવલ જાની મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈને આવ્યા હતા અને સતત ફોન પર વાતો કરતા હતા.

આ અરજીમાં ત્રીજી દલીલ એવી કરવામાં આવી છે કે ચૂંટણી પંચના નિયમો મુજબ વિજયી મતનો તફાવત પોસ્ટલ બેલેટ દ્વારા થયેલા મતદાનની સંખ્યાથી નીચે હોય તો પોસ્ટલ બેલેટના મતોની ગણતરી થવી જોઈએ જે માટે રાઠોડે કરેલી રીટર્નીંગ ઓફીસર જાની સમક્ષ કરેલી માંગ છતા તેમની માંગને નકારવામાં આવી હતી. ઉપરાંત પોસ્ટલ બેલેટમાં ૧૨૫ મતો ગુમ થયાની દલીલ પણ કરવામાં આવી છે. આ અરજીની હાઈકોર્ટમાં શરૂ થયેલી સુનાવણી રોકવા ભુપેન્દ્રસિંહ ચુડાસમા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.

સુપ્રીમ કોર્ટમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલા સોગંદનામામાં હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી પર રાજકીય રાગદ્વેષની અસર થવાની શંકા વ્યકત કરી હતી. પરતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં ચાલતી આ સુનાવણી પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. જેથીઆ કેસની સુનાવણી ફરીથી હાઈકોર્ટમાંજસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં શરૂ થઈ છે. કાયદામંત્રી તરીકે કાર્યરત ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમં કરેલા સોગંસનામામાં હાઈકોર્ટની નિષ્પક્ષતા પર શંકા ઉઠાવવાના મુદે જસ્ટીસ ઉપાધ્યાયે તે મુદે ચુડાસમાને આકરી ટકોર કરી હતી.

આ કેસમાં પુરાવા તરીકે મતગણતરી કેન્દ્રના વિડીયો ફૂટેજ હાઈકોર્ટે મંગાવ્યા હતા. વિડિયો ફૂટેજમાં રીટર્નીંગ ઓફીસર જાની મોબાઈલ ફોન પર વાતચીત કરતા નજરે ડતા હતા સાક્ષી તરીકે ઉપસ્થિત રહેલા જાનીએ પણ તેની જુબાની દરમ્યાન પોતે મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈ ગયાનો સ્વીકાર કર્યો હતો. ઉપરાંત, જાનીએ તેની જુબાની દરમ્યાન જણાવ્યું હતુ કે ૧૮ ડીસે. ૨૦૧૭ના રોજ થયેલી મતગણતરી વખતે ૧,૨૩૧ મતો પોસ્ટલ બેલેટથી આવેલા હતા.

જયારે, આ અગાઉ જાનીએ કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડને આપેલી લેખીત માહિતીમાં જણાવ્યું હતુ કે આ મતગણતરી વખતે ૧,૩૫૬ મતો પોસ્ટલ બેલેટથક્ષ આવેલા હતા. જેથી આ ફરકના ૧૨૫ પોસ્ટલ બેલેટ મતો કયાં ગુમ થયા ગયા ? તે મુદે પણ હાઈકોર્ટે આકરી નોંધ લીધી છે. આ કેસનાં જાણકાર વરિષ્ઠા રાજકારણીએ જણાવ્યું હતુ કે આ કેસમાં જે રીતના પુરાવા છે અને હાઈકોર્ટ આક‚ વલણ દાખવી રહી છે. તેને જોતા આ કેસમાં ચુડાસમા સામે ધારાસભ્યપદેથી બરતરફી જ કરવાનો ગાળીયો મજબુત બની રહ્યો છે.

ભાજપના એક વરિષ્ટ રાજકારણીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતુ કે પાર્ટીમાં ચાલી રહેલી ક્ષત્રીય અને બ્રાહ્મણો વચ્ચેની સર્વોપરીતાની લડતમાં ભુપેન્દ્રસિંહને ભીડવવામાં આવી રહ્યા છે. ભુપેન્દ્રસિંહનું ધારાસભ્યપદ રદ થાય અને તેની રાજકીય કારકીર્દીપર અલ્પવિરામ મૂકાય તે માટે જાણી જોઈને આ કેસમાં ચુડાસમાનો પક્ષ નબળો થાયત માટે સતત નવા પુરાવાઓ અને દલીલો રજૂ કરવામાં આવી રહી છે. પરંતુ લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. જયારે ભાજપમાં ચાલી રહેલી જુથબંધી પાર્ટીના લોકસભાની તમામ બેઠકો જીતવાના દાવા માટે નુકશાન કારક પુરવાર થાય તેવી સંભાવનાઓ રાજકીય નિરીક્ષકો વ્યકત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.